Wednesday, 19 December 2018

◆ બ્લાઇન્ડ ગેમ ◆ પ્રકરણ-૫ (સનસેટની મુસ્કાન) ◆



'ગુજરાત ગાર્ડિયન'માં દર બુધવારે
પ્રકાશિત થઈ રહેલી મારી સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર ધારાવાહિક નવલકથા...
(૧૯-ડિસેમ્બર-૨૦૧૮ બુધવાર ‘મિડ-વીક’ પૂર્તિ)





(પ્રકરણ-૪ માં આપણે જોયું કે...
અરમાનને શંકા જાય છે કે સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. એનો તાગ મેળવવા તથા વાર્તાનો પ્લોટ રચવા માટે એ નવ્યાને ફોસલાવે છે; નખી ઝીલમાં બોટિંગ માટે આમંત્રણ આપે છે. હઝરત કુરેશી તરફથી એને ચેતવણીરૂપે ફરી એક વિડીઓક્લિપ મળે છે, જેમાં એની પત્ની અર્પિતાની કારને એક ટ્રક ટક્કર મારી રહી હોય છે. અરમાનને એક અજાણ્યો મેસેજ મળે છે કે કુરેશીના મૂળિયાં આતંકવાદ સુધી વિસ્તરેલાં છે. અને અરમાન મહોરું બની ચૂક્યો છે...
હવે આગળ...)


◆ બ્લાઇન્ડ ગેમ ◆
પ્રકરણ – ૫ (સનસેટની મુસ્કાન)

-----------------------------------
હઝરત કુરેશી... રીઢો ગુનેગાર...? આતંકવાદી...? અરમાનનું દિમાગ આખી રાત એ અવઢવમાં અટવાતું રહ્યું કે આખરે એ મેસેજનો મતલબ શું? એ અજાણ્યો શખ્સ છે કોણ? કોણ છે એ શુભેચ્છક? કોણ હોઈ શકે જે કુરેશીની માહિતી એને આપે; અને શા માટે...? અને પોતે... મહોરું? હઝરત કુરેશીનું? એને કશું સમજાયું નહિ.

આબુના પહાડો પરથી બેફામપણે દોડી આવતો ધુમ્મસભર્યો પવન કોટેજની દીવાલોને ધ્રુજાવતો આગળ વહી જતો હતો; પાછળ એના પગરવ સમાન ફક્ત સૂકા પાંદડાઓનો સળવળાટ ગૂંજતો રહેતો. ઝાંખી રોશની વેરતા સિતારાઓની સાક્ષીમાં પડખાં બદલીને અરમાને ઠંડકભરી રાત અજંપામાં વિતાવી.

પરોઢ થતાં જ ઘટાદાર ગુલમહોરના પેટાળમાંથી કામણગારી કોયલનો ટહુકાર રેલાયો. ને અરમાનની અધકચરી ઊંઘ ઊડી ગઈ. ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ માટે એ કોટેજના પગથિયાં ઊતરી ગયો. મઘમઘતા બગીચાની વચ્ચે બનેલી સાંકડી પગથી પસાર કરીને એ સ્વિમિંગપૂલ નજીક ગોઠવેલા બ્રેકફાસ્ટ-સ્ટોલ તરફ વળ્યો. જીન્સ-ટીશર્ટમાં શોભતી સોહામણી સવાર જેવી ખુશનુમા નવ્યા પહેલેથી જ ત્યાં હાજર હતી. સફેદ રંગના સ્લીવલેસ ટીશર્ટનું ગળું કૈક વધારે પડતું જ ‘લો’ જણાતું હતું. એના ગોરા અને ઉઘાડા હાથમાં કતલ કરવા માટેનો સામાન હતો. એક હાથમાં પકડેલી ‘નાઇફ’ એણે એ અદામાં ઘુમાવી જાણે કે આજે બ્રેડનું ‘ધી એન્ડ’ આવી જવાનું હોય. પછી હળવે રહીને નાઇફ ઉપર માખણ લઈને નજાકતપૂર્વક બ્રેડ પર લગાવ્યું. અરમાન જોઈ રહ્યો! એણે એક પ્લેટમાં સેન્ડવીચ લીધી અને કોફીનો કપ ભર્યો. વિલાયતી ફૂલોના છોડવાઓની નજીક રાખેલી એક ખુરશી ઉપર જઈને એ બેઠો.

ઓચિંતું જ થોડે દૂર કોલાહલ મચી ગયો. ઝાડ ઉપરથી એક વાંદરો કૂદીને કોઈક બાળકના હાથમાંથી સફરજન ઝૂંટવી નાસી ગયો હતો. હોટલનો સ્ટાફ એ તરફ દોડ્યો. થોડી ઉથલપાથલ થઈ ગઈ પછી ‘એવું તો ચાલ્યા જ કરે’ની અનુભૂતિ સાથે ‘રૂટીન’ ચાલુ રહ્યું. વાતાવરણ શાંત થતાં અરમાને કોફીનો ઘૂંટડો ભર્યો. અખબાર પર નજર ફેરવતા એણે હાથ લંબાવીને સેન્ડવીચનો એક ટુકડો લીધો. સેન્ડવીચના બ્રાઉન બ્રેડ ઉપર નજર પડતાં જ એ ચોંકી ઊઠ્યો!

‘વેઇટર...’ એણે બ્રેકફાસ્ટ સર્વ કરી રહેલા છોકરાને મોટા અવાજે બૂમ પાડીને બોલાવ્યો.

‘જી, સર!’ છોકરો આવીને અદબભેર ઊભો રહ્યો.

‘મારી પ્લેટમાંના સેન્ડવીચ ઉપર કેચ-અપ તેં લગાવ્યો?’

‘શું મજાક કરો છો, સાહેબ... કેચ-અપ બોટલ તો આપની પાસે છે!’

અરમાને યાદ કર્યું, પોતે બ્રેકફાસ્ટ-કાઉન્ટર પરથી પ્લેટમાં સેન્ડવીચ લીધી પછી પોતે એની ઉપર કેચ-અપ લગાવ્યો જ નથી. હાથમાં પકડેલા સેન્ડવીચના ટુકડાનું એ ઘડીભર ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યો. જાણે કે બ્રેડ ઉપર કોઈક કલાકારે પોતાની કારીગરી દેખાડી હતી. કેચ-અપથી સૂર્યનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. કિરમજી રંગનો અર્ધગોળાકાર સૂરજ પહાડોના દામનમાં લપાઈ જવા માટે પોતાનું મસ્તક ઝુકાવી રહ્યો હતો. બ્રેડ ઉપર કલાકારે પ્રકૃતિનો પડછાયો ઝીલવાની કોશિશ કરી હતી. ચિત્ર સૂર્યાસ્તનો સમય દર્શાવી રહ્યું હતું. કોઈક અજ્ઞાત સંકેત હોવાનું એ મનોમન વિચારી રહ્યો. એણે એક નજર નવ્યા તરફ નાખી. એ બેફિકરાઈથી ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહેલા વાંદરાના બચ્ચાંઓને તાકી રહી હતી. એમની પાછળ થોડું અંતર રાખીને હઝરત કુરેશીના મુસ્તંડાઓ ‘બ્લેક કેટ કમાન્ડો’ની જેમ સુરક્ષાકવચ પૂરું પાડી રહ્યા હતા. એમને જોઈને વાંદરાઓ કૈક વધુ પડતાં જ ઉશ્કેરાઈ ઊઠ્યા હતા. અરમાને વિચાર્યું, એક રોબોટમાં લાગણીની ચીપ ફીટ કરી શકાય, પરંતુ આ બંને કંટાળાજનક આકૃતિઓમાં તો ક્યારેય નહિ!

બ્રેકફાસ્ટ પૂરો કરીને દરેક જણ પોતપોતાની રીતે કોટેજ તરફ રવાના થયાં. અરમાનની મૂંઝવણ બેવડાઈ ચૂકી હતી. ગઈ રાતે એને કોઈએ ‘હોટલ અર્બુડા’ ઉપર મળવા બોલાવ્યો હતો. લાંબો સમય રાહ જોવા છતાં એ ‘કોઈ’ તો એને નહિ મળ્યું, પણ રાહ જોવાના ફળ સ્વરૂપે એક મેસેજ મળ્યો હતો. જેનો ઉકેલ હજુ સુધી એ ખોળી શક્યો ન હતો. અને હવે આ બીજી દ્વિધા... લેપટોપ ઉઘાડીને એણે કામમાં ચિત પરોવવાની કોશિશ કરી, પણ મન હજુ એનું સેન્ડવીચ પર દોરાયેલા સૂર્યાસ્તના ચિત્રમાં રગદોળાયેલું હતું. એણે લેપટોપ બંધ કરી સોફા ઉપર પડેલા મેગેઝીન ઉથલાવ્યા. દર બે પાનાં છોડીને ‘આબુદર્શન’ની જાહેરાત છપાઈ હતી. ઓચિંતી જ એની નજર આબુના જોવાલાયક સ્થળો દર્શાવતા ‘મેપ’ ઉપર પડી. ને એમાંથી એને એક મહત્વની કડી મળી. જાણે કે છૂટાછવાયા અંકોડા એકબીજામાં જોડાઈને ક્ષણવારમાં એક સાંકળ રચી ઊઠ્યા!

‘સનસેટ પોઇન્ટ!’ એ મનોમન બબડ્યો, ‘બ્રેડ ઉપર ચીતરાયેલો કિરમજી રંગનો સૂર્ય એ બીજો કોઈ સંકેત નહિ, પરંતુ પેલી ‘શુભેચ્છક’ વ્યક્તિનું ‘સનસેટ પોઇન્ટ’ ઉપર મળવાનું આમંત્રણ હતું!’ એ મનોમન રહસ્યમય શુભેચ્છકની બુદ્ધિચાતુર્ય અને કલાકારી ઉપર વારી ગયો...

સાંજ ઢળે એ પહેલાં જ અરમાન હઝરત કુરેશીના રહસ્યોનો તાગ મેળવવા બેબાકળો થઈ ઊઠ્યો. ‘સનસેટ પોઇન્ટ’ તરફ જવા એ ચૂપચાપ સરકી રહ્યો હતો, ત્યાં જ...

‘સાંભળ્યું છે, કોઈક સોહામણો સંગાથ હોય તો ‘આબુદર્શન’ની આહલાદકતા બેવડી બની જાય છે!’ નવ્યાએ અરમાનને એની જ લાક્ષણિક અદામાં છેડ્યો.

પણ અરમાન કોઈક બીજી જ ધૂનમાં હતો ને ત્યાંથી એકલો જ સડસડાટ ચાલી નીકળ્યો. નવ્યાએ પ્રતિભાવરૂપે માત્ર એના મુલાયમ હોઠ મલકાવ્યા અને બદામી આંખોને મસ્તીથી નચાવતી ગણગણી ઊઠી, ‘વાદીયાં મેરા દામન, રાસ્તે મેરી બાંહે... જાઓ મેરે સિવા, તુમ કહાં જાઓગે...’ પછી એ પોતાના કપડાં ‘ચેન્જ’ કરવા અલમારી તરફ આગળ વધી!

‘સનસેટ પોઇન્ટ’ તરફ પગપાળા જવાના ચઢાણવાળા રસ્તે કદમ ઊઠાવતા અરમાને એ અજાણ્યા શુભેચ્છકની તલાશ કરવાનું શરુ કરી દીધું. અચાનક એની નજર એનો પીછો કરી રહેલી બે નિર્જીવ આકૃતિઓ પર પડી. ને મનોમન એ બબડ્યો, ‘સા... હઝરતના આ મુસ્તંડાઓ જો હું ખાઈમાં કૂદી પડું તો ત્યાંયે મારો પીછો કરે એમાંના છે!’ એના મોમાંથી એક ભરાવદાર ગાળ નીકળતા રહી ગઈ. જોકે એ નીકળી હોત તો પણ એ બંનેના નિર્લેપ ચહેરા સાથે ટકરાઈને વેરવિખેર થઈ ચૂકી હોત.

બોડીગાર્ડ્સથી સંતાતો અને દૂર ભાગતો અરમાન ‘સનસેટ પોઇન્ટ’ ઉપર પહોંચતા જ એક ચટ્ટાનની ઓથે લપાઈ ગયો. બોડીગાર્ડ્સને એ અણસાર પણ આવવા દેવા માંગતો નહોતો કે પોતે કોઈક અજનબીને મળવા આવ્યો છે કે હઝરત કુરેશીની જન્મ-કુંડળી જાણવા... ચટ્ટાન પાછળની થોડી ખુલ્લી જગ્યામાંથી અચાનક બે કોમળ હાથ આવીને અરમાનની કમરે વીંટળાઈ વળ્યા. અરમાને ચોંકીને પાછળ ફરીને જોયું તો એક બાળકીને આંખે પાટો બંધાયેલો હતો અને એ ‘ચોર પકડ લીયા... પકડ લીયા...’ની કિલકારી મચાવી રહી હતી. પછી બાળકીએ પોતે જ પોતાની આંખો પરની કાળી પટ્ટી ખેંચી નાખી ને એ સાથે જ એ છોભીલી પડી ગઈ!

‘જી, માફ કરના ભઈસા’બ...’ કાળા બુરખામાંથી એક ભારેભરખમ અવાજ નીકળ્યો અને પછી ખાંસવાનો અવાજ...

ધડકતા હૃદયે અરમાને હાશકારો અનુભવ્યો, ‘હાશ! પોતે હજી પકડાયો નથી!’

‘બુઆ, અબ અંકલ કી બારી... મૈને ઈનકો પકડ લીયા હૈ. અબ મૈ છુપુંગી...’ નાદાન બાળકીએ જાણે કે અરમાનને પણ રમતમાં શામેલ કરી લીધો.

‘ઝીદ નહિ કરતે બેટા!’ સિલ્કના બુરખામાં ઢંકાયેલા પડછંદ શરીરે બાળકીને માત્ર આંખો – એ સ્ત્રીનું એકમાત્ર ઉઘાડું અંગ –થી જ સમજાવવાની કોશિશ કરી જોઈ.

‘અરે, આપા... કોઈ બાત નહિ! થોડું રમી લઉં, બાળકીનું મન રહી જશે!’ અરમાને કહ્યું.





બે-ત્રણ દાવ રમી રહ્યા બાદ બુરખાધારી સ્ત્રીએ અરમાનને પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘મૈ મુસ્કાન... અમે ફેમીલી સાથે ફરવા જ આવ્યા છીએ. ઘરના અન્ય સભ્યો ‘સનસેટ’ જોવા માટે ઉતાવળા બન્યા હતા, ઇધર નઝદીક મેં હી હૈ... ને આણે રમવાની જીદ કરી...’ બુરખામાંથી ફરી એકવાર ગળું ખંખેરવાનો કર્કશ અવાજ આવ્યો.

અરમાન પાસે કશું પૂછવા-કહેવા જેવું હતું નહિ; એને રસ પણ નહોતો. એની નજર તો હજુ પેલા શુભેચ્છકને જ ખોળી રહી હતી. એણે પેલા બંને મુસ્તંડાઓ આવી પહોંચે એ પહેલાં વહેલી તકે આ મોહતરમા પાસેથી છટકવું હતું.

‘થાકી ગયા હશો! લ્યો, નાસ્તો કરો!’ મુસ્કાને એક પથ્થર ઉપર મૂકેલી હેન્ડબેગમાંથી પ્લેટ કાઢી. અરમાનનું એ તરફ લગીરે ધ્યાન ન હતું. પરંતુ, પોતાની તરફ લંબાયેલી પ્લેટ ઉપર નજર પડતા જ અરમાનનું ધ્યાન જ નહિ ગયું, ભયંકર ઝટકો પણ લાગ્યો! પ્લેટમાં સેન્ડવીચ હતી અને એના બ્રેડ ઉપર કેચ-અપથી દોરાયેલું એ જ સૂર્યાસ્તનું ચિત્ર...!

‘તમે આતંકી હઝરત કુરેશીના સકંજામાં સપડાઈ ચૂક્યા છો, મિ. રાઇટર!’ મુસ્કાને ઘટસ્ફોટ કરવાની શરૂઆત કરી, ‘...સી.એમ.ના મર્ડરના કુરેશીના ‘માસ્ટર પ્લાન’નું તમે એક પ્યાદું બની ચૂક્યા છો!’

અરમાન બિલકુલ અવાચક બની ગયો હતો.


‘તમે લેખક છો તો તમને એટલી પણ જાણ નથી કે ગુજરાતના ચીફ મિનિસ્ટર પોતાના અંગત સાહિત્યિક શોખને લઈને દર વર્ષે પોતાના નિવાસસ્થાને એક ભવ્ય સમારોહનું આયોજન કરે છે?’ મુસ્કાને કૈક નારાજગી વ્યક્ત કરી.

અરમાન મૂંઝવણ અનુભવી રહ્યો હતો.

સી.એમ.ના એ સમારોહમાં ચાલુ વર્ષે લેખનકળા ક્ષેત્રે કોઈક પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયો હોય એવા ઉગતા અને ઉમદા સર્જકોની સન્માનવિધિ કરવામાં આવે છે.’ મુસ્કાને પૂરક માહિતી પૂરી પાડી, પછી સોંસરો સવાલ કર્યો, ‘શું તમે એટલા નાદાન છો કે હઝરત કુરેશીનો હવે પછીનો ઈરાદો પણ સમજી નહિ શકો? શું એક લેખક હંમેશા કલ્પનામાત્રમાં જ એટલો રચ્યોપચ્યો રહે છે કે એ વાસ્તવિકતાથી તદ્દન અલિપ્ત જ થઈ જાય?’

અરમાન વાસ્તવિકતાના વમળમાં ભમવા માંડ્યો. એનું મન વિચારોના ચક્રવાતમાં ફંગોળાયું, ‘...તો શું હઝરત કુરેશીનું મારી પાસે લખાવેલી વાર્તામાં વિજેતા થવા પાછળનું એનું જે સપનું મને વર્ણવ્યું હતું એ સાવ જુઠું હતું. બાળપણની એની લેખક બનવાની આકાંક્ષા... એના પિતાની દીકરા પ્રત્યેની મહેચ્છા... બધું સત્યથી એકદમ પર...? અને મારા થકી પોતાના નામે પુરષ્કાર પ્રાપ્ત કરવાનું એનું લક્ષ્ય માત્ર ચીફ મિનિસ્ટરના સન્માન-સમારોહમાં પ્રવેશ મેળવવા માટેનું એક માધ્યમ માત્ર? અને એનો અંત...? સી.એમ. સાહેબનું મર્ડર?’

અરમાનની આખે અંધારા આવી રહ્યા હતા. પારાવાર પ્રશ્નાર્થચિન્હો એને ઘેરીને શૂળની માફક ભોંકાઈ રહ્યાં હતાં. એને મૂંઝવણભર્યું એક બીજું પ્રશ્નાર્થ ઉદ્ભવતું જણાયું, ‘મુસ્કાનનો અવાજ... એ મુસ્કાનનો ન હોઈ જાણે કે અન્ય કોઈનો હતો! બુરખાધારી પોતાનો અવાજ બળપૂર્વક બદલીને કાઢી રહી હતી અને એના ગળાને ઘર્ષણ થતાં ખાંસી રહી હતી એવું એને મહેસૂસ થઈ રહ્યું હતું.

થોડી સ્વસ્થતા જાળવીને અરમાને પાછળ ફરીને જોયું તો મોહતરમા મુસ્કાન ગાયબ થઈ ચૂકી હતી. અને બીજી તરફ ‘સનસેટ’ થઈ ચૂક્યો હતો!
(ક્રમશઃ)
------------------
◆ ધર્મેશ ગાંધી
dharm.gandhi@gmail.com
https://dgdesk.blogspot.com
facebook.com/DGdesk.in


Wednesday, 12 December 2018

◆ બ્લાઇન્ડ ગેમ ◆ પ્રકરણ-૪ (ભીંજાયેલું સૌંદર્ય) ◆




'ગુજરાત ગાર્ડિયન'માં દર બુધવારે
પ્રકાશિત થઈ રહેલી મારી સસ્પેન્સ-થ્રિલર ધારાવાહિક નવલકથા-
----------------------

(પ્રકરણ-૩ માં આપણે જોયું કે...
નજરકેદ થયેલો અરમાન નવ્યાનાં સૌંદર્યવાન સહવાસમાં સફર આદરે છે. નવસારીને અલવિદા કરીને માઉન્ટ આબુ રવાના થયેલી લિમોઝીનને નર્મદાબ્રિજ ઉપર ચીફ મિનિસ્ટર સાહેબના કાર્યક્રમનો ટ્રાફિક નડે છે. નવ્યા ચિત્ર દોરીને સમય પસાર કરે છે. આબુ પહોંચતાં એ એક ખંજર ખરીદે છે. અરમાન ચોરીછૂપીથી નવ્યાનાં કમરામાં પ્રવેશે ત્યારે એની નજર એક ચિત્ર ઉપર પડે છે, જેમાં એક બાળકી સી.એમ.ના પેટમાં ખંજર હુલાવી રહી હોય છે. અરમાન વિચારે છે, એના કિડનેપ થવા પાછળ સી.એમ.ના મર્ડરનું ષડયંત્ર રચાયું હશે? આ કેવો જેહાદ?
હવે આગળ...)

 ◆ બ્લાઇન્ડ ગેમ ◆
પ્રકરણ-૪ (ભીંજાયેલું સૌંદર્ય)
--------------------------------
ખિન્ન હૃદય અને ધૂંધવાયેલા દિમાગે અરમાન કાગળના ડૂચા વાળીને ડસ્ટબિન તરફ ઘા કરી રહ્યો હતો. એના માનસપટલ પર હજીયે નવ્યાએ દોરેલું એ ગૂઢ ચિત્ર રહસ્યની રમઝટ મચાવી રહ્યું હતું. રળિયામણા રાજસ્થાનની શાન સમા માઉન્ટ આબુની એ ઝાકળભરી ખુશનુમા સવાર હતી. પણ રાતની અકળાવનારી વાત પર ભીનું સંકેલવા માટે એ પણ હાંફી રહી હતી. ચીફ મિનિસ્ટરના પેટમાં ખંજર હૂલાવતી એક નાનકડી બાળકીનું કલ્પનાચિત્ર પણ કેટલું ખોફનાક હતું! અધૂરા ચિત્રને આ અંદાજમાં પૂર્ણ કરવા પાછળનો નવ્યાનો આશય કોઈક ઊંડા ષડ્યંત્રનો એક હિસ્સો હોઈ શકવાની પૂરેપૂરી શક્યતાઓ અરમાન કળી રહ્યો હતો. અને એનું પગેરું મેળવવા માટેનું ધમાસાણ યુદ્ધ જે અરમાનના મગજમાં ચાલી રહ્યું હતું એ એને વાર્તા લખવા દેવા માટે ન તો અનુકૂળ હતું, ન તો આરામદાયક! એ એક વાક્ય લખતો; ડાયરીનું પાનું ફાડતો; ડૂચો વાળતો; ડસ્ટબિન ભણી ફંગોળતો... ફરી લખતો અને ફરી...

રંગબેરંગી ફૂલોની વેલોથી દીપી ઊઠેલા કોટેજના પરિસરમાં રોકિંગ-ચેર ઝૂલી રહી હતી. પોતાનું શરીર ઢીલું છોડીને અરમાને ગુલમહોરના ઘટાદાર વૃક્ષોમાં ટહૂકતી કોયલનું મધુરું સંગીત માણવા આંખો મીંચવાની મથામણ કરી. ત્યાં જ એની નજર સમક્ષ નવ્યાનો તાજગીભરી સવાર જેવો ગુલાબી ચહેરો દ્રષ્યમાન થયો. ખૂબસૂરત યુવતીઓની એ જ ખૂબી હોય છે કે એમનું વર્તન ભલે ગમે એટલું શંકાસ્પદ હોય, પણ એમનું સ્મિત હંમેશા સરાહનીય જ હોય છે. અરમાન પણ સામે હળવું સ્મિત રેલાવીને ઊભો થઈ ગયો. પગથિયાં ઉતરીને બગીચામાં ટહેલવા લાગ્યો.

નવ્યાએ કુતૂહલવશ અરમાન દ્વારા ફેંકાયેલા કાગળના અસંખ્ય ડૂચાઓ ભરેલાં ડસ્ટબિનમાં હાથ નાખીને એક કાગળની કરચલીઓ ઉકેલી. કોઈ એને જોઈ નથી રહ્યું એવી મનોમન ખાતરી કરીને વાંચ્યું તો... ‘ખૂબસૂરત યુવતીઓની કોમળ આંગળીઓ ડસ્ટબિનના ડૂચા ઉપર નહિ, ગુલાબની પાંખડીઓ ઉપર વધુ શોભે...’ વાંચતાં જ નવ્યા છોભીલી પડી ગઈ. અરમાન એક નીલગીરીના ઝાડના લીસા થડની ઓથે ઊભો રહીને એક પચરંગી પતંગિયું રમાડતો મલકાઈ રહ્યો હતો. એની સામે કાળા સૂટમાં સજ્જ હઝરત કુરેશીના બંને મુસ્તંડાઓ વિચલિત થયા વગર સાવધાનની મુદ્રામાં ઊભા હતા, જાણે કે પડોશી દેશ હવાઈ હુમલો કરવાની ફિરાકમાં હોય અને એમને માથે આખા રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી આવી પડી હોય એવી ગંભીર મુદ્રા ધારણ કરીને! આંખો પર કાળા ગોગલ્સ ચઢાવેલો એક બંદો પૂર્વ દિશા તરફ ટટ્ટાર ગરદને ઊભો હતો જયારે બીજો પશ્ચિમ તરફ મોં કરીને... જાણે કે ઉગી ચૂકેલા સૂરજને પણ કડક નિગરાનીમાં રાખી રહ્યા હોય. બેમાંથી એકેયને ન તો કોયલના ટહૂકામાં દિલચસ્પી હતી, ન તો ગુલાબની મહેકમાં!

ગોરા ગાલ ઉપર ઉતરી આવેલા શરમના શેરડા હવે કાગળના બીજા ડૂચા વાંચવા માટેની નવ્યાની જીજ્ઞાશાને દબાવી ચૂક્યા હતા. એ વળતાં પગલે કોટેજમાં દાખલ થાય એ પહેલાં એની કમરે એક હળવો સ્પર્શ થયો. એણે વળીને જોયું તો ફરી એક કાગળનો ડૂચો... ઊઠાવીને વાંચ્યું, ‘સાંભળ્યું છે, નક્કી ઝીલના પાણીનું સૌંદર્ય ઢળતા સૂર્યની સંગાથે નીખરી ઊઠે છે! તળાવમાં વિહરતી બોટ અને ઝગારા મારતી રોશનીમાં એક સુંવાળો સંગાથ રસાળ વાર્તા સર્જવા માટે મોહક વાતાવરણ ખડું કરે છે!...’ નવ્યાનું હૃદય પળવાર માટે તેજીથી ધડક્યું. અરમાન હજીયે મુસ્કાઈ રહ્યો હતો. જોતજોતામાં બંને તરફ પવનની એક ઠંડી લહેર ફરી વળી!

***

સૂરજ આથમી ચૂક્યો હતો...

નક્કી ઝીલમાં તરતાં રૂ જેવાં સફેદ બતકો ક્યારેક પાંખો ફફડાવીને પાણીની વાંછટ હવામાં ફેલાવી દેતાં હતાં. કિનારા પરની રોશની પાણીમાં સોનેરી પ્રતિબિંબ ઉપસાવી રહી હતી. દૂર-દૂર પહાડોના પડછાયા એક રમણીય સૃષ્ટિ ખડી કરી રહ્યા હતા. ઝીલના ઠંડા પાણીના વમળો કાપતી એક પેડલ-બોટ બીજી અનેક નાનીમોટી બોટથી અલગ થઈ એકાંત શોધી રહી હતી...

‘તમે ઉંધી દિશામાં બોટ હંકારી રહ્યા છો, મિ. રાઇટર!’ નવ્યાએ હોઠ પર મારકણી મુસ્કાન લાવીને કહ્યું.

‘સામા વહેણે તરવાનો મારો શોખ જ નહિ, આદત પણ છે! કલમ હોય કે બોટ, જે રસ્તો ખૂંદાયો નથી એની ઉપર સફર કરવાની મઝા જ કૈક ઓર હોય, મેડમ...’ અરમાને પેડલ પર પોતાના પગનું દબાણ વધારતા કહ્યું.

એ સાથે એના મોબાઇલમાં મેસેજ-ટોન વાગ્યો. જોયું તો મેસેજ કોરો... નંબર અજાણ્યો... ‘કોઈક મજાક કરી રહ્યું લાગે છે!’ એ મનોમન બબડ્યો.

નવ્યાએ આકાશમાં ઝળુંબી રહેલા ચાંદ પર નજર ઠેરવી. પોતાની મસ્તીખોર લટોને વિખેરાઈ જવા માટેની અનુમતિ આપી દીધી. અરમાનની નજર ઓરેન્જ રંગની બોટ ઉપર સફેદ રંગે ચિતરાયેલા નંબર ‘૧૩’ ઉપર પડી. અને એ અતીતના વહેણમાં બે ઘડી ગોતા લગાવી આવ્યો. આ જ નંબર હતો ને એ બોટનો પણ, જયારે એ પહેલીવાર માઉન્ટ આબુ આવ્યો હતો. એની અર્પિતા સાથે... હનીમૂન માટે! બે જિંદગીઓને પ્રેમના એક જ બંધનથી બાંધવાનો એ અવસર હતો. જોકે આજે પણ બંધન તો હતું જ – પોતે નજરકેદમાં જ હતો ને! એની અર્પિ પણ એ દિવસે આમ જ ચાંદને નીરખી રહી હતી. આમ જ એની લટો પણ બેલગામ થઈ ઊઠી હતી. પોતે બોટમાંથી સહેજ વાંકા વાળીને એક હાથની હથેળીમાં ઝીલનું ઉછળતું પાણી ઝીલી લીધું હતું અને અર્પિતાના ચહેરા ઉપર હળવી છાલક મારી હતી...

અરમાને કૈક વિચારીને નવ્યાને છેડવાનો મનસૂબો ઘડી નાખ્યો. પણ એ પહેલાં એની પાતળી કમરે એક નજર મારીને ખાતરી કરી લીધી કે ક્યાંક રિવોલ્વર તો નથી લટકતી ને! એણે હથેળીમાં પાણી લીધું ને નવ્યાના ચહેરા ઉપર એક છાલકનો પ્રહાર કર્યો. પાણીના ઠંડા પ્રહારથી ભીંજાયેલો ખૂબસૂરત ચહેરો તમતમી ઊઠયો. અરમાન ક્ષણવાર માટે છોભીલો પડી ગયો. એને ભાન થયું કે એની સંગાથે ખૂંખાર નવ્યા છે, નાજુક અર્પિતા નહિ! પણ બીજી જ પળે નવ્યાનું એક ખડખડાટ હાસ્ય નક્કી ઝીલના શીતળ વાતાવરણમાં મુક્તપણે ગૂંજી ઊઠ્યું. ને અરમાનને હેરતભરી હૂંફ મળતાં ઝૂમી ઊઠયો. એણે દબાણપૂર્વક પેડલ ઘુમાવતા જ બોટ એકદમ કિનારા સાથે ઘસાઈ ગઈ. કિનારાના છીછરા પાણીમાં રહેલા ખડકના ટુકડા જેવાં પથ્થરો ઉપર બોટનો આગળનો હિસ્સો ધસી ગયો હતો. અરમાન બોટને કાબૂમાં લે એ પહેલાં તો બોટનું નવ્યા તરફનું પડખું નમ્યું. નવ્યાએ પોતાનો કાબૂ ગુમાવ્યો ને સીધી કિનારાના પાણીમાં જઈ પડી!

સફેદ સાડીમાં સજ્જ નવ્યાનું લાવણ્યનીતરતું રૂપ એનાં આખા શરીરેથી પાણીની ધાર રેલાવી રહ્યું હતું. માથાના છુટ્ટા વાળમાંથી ટપકતું પાણી એનાં ભીંજાયેલા સૌંદર્યને વધુ પાણીદાર બનાવી રહ્યું હતું. કાજળ આંજેલી ગુસ્સાભરી આંખો એને વધુ માદક બનાવી રહી હતી. પોતે સર્જેલી ક્ષોભજનક અવસ્થા માટે દિલગીર થતો અરમાન ઝડપભેર ઊતર્યો. બોટને હડસેલો લગાવી પથ્થર પરથી ખસેડી ફરીથી પાણીમાં ઉતારી. પછી બોટમાં ચઢી એક હાથ લંબાવ્યો ને નવ્યાને અંદર ખેંચી લીધી. ક્યાંયે સુધી બંનેમાંથી કોઈ કશું પણ બોલ્યું નહિ. અને પછી સંવાદ વગરની નૌકાવિહાર થતી રહી. ક્યારેક કયારેક અરમાન ત્રાંસી નજરે શરીર પરથી પાણી ખંખેરતી નવ્યાને અપલક તાકી રહેતો. પોતાના જ મન સાથે મસ્તી કરી લેતા એ બબડ્યો, ‘આખરે વાર્તાનો પ્લોટ મળી જ ગયો...’

બંને વચ્ચેની ખામોશી છેક ત્યારે તૂટી જયારે નવ્યાનો મોબાઇલ એક ખાસ ટોનથી રણક્યો. એણે પોતાનો મોબાઇલ ફંફોસ્યો. થોડીવાર પછી એક વિડીઓક્લિપ ચાલુ કરીને એણે મોબાઇલ અરમાન આગળ ધર્યો... એને બોલવાનું કશું જરૂરી નહિ જણાયું.

વિડીઓક્લિપમાં એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહી હતી. જોતજોતામાં એક નાનકડી કારની પાછળ તદ્દન લગોલગ હંકારાઈ રહી. પછી એક હળવી ટક્કર મારીને કારને ઘસરકો પાડતી એ ટ્રક આગળ વધી ગઈ. કારચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને કાર સડકને કિનારે ઉતરી પડી. અરમાને એક જ ક્ષણમાં કાર ઓળખી લીધી. કારનો દરવાજો ખોલીને ગભરાયેલી હાલતમાં જે યુવતી બહાર નીકળી એ એની પત્ની હતી... અર્પિતાએ પોતાનો જમણો હાથ એના ડાબા હાથથી દબાવી રાખ્યો હતો. એમાં પડેલા તાજાં ઉઝરડામાંથી ઝરતું લોહી સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. અરમાને જાણીતો જેવો લાગતો રસ્તો પણ ઓળખી કાઢ્યો, નવસારી – વેસ્માથી પસાર થતો હાઇવે નંબર આઠ! એ એકદમ સ્તબ્ધ બની ગયો; સમજી ચૂક્યો હતો કે હઝરત કુરેશી તરફથી આ ચેતવણી હતી!

એકબીજાથી માપસરનું અંતર રાખીને ધીમી ચાલે અરમાન અને નવ્યા કોટેજ તરફ આગળ વધી રહ્યાં. ઓર્ડર આપીને દરેકનું ડીનર પણ અંદર જ મંગાવી લેવામાં આવ્યું.

રાતના એકાંતમાં અરમાને ફરી એકવાર લેપટોપ ઉઘાડયું. એના હોઠ ઉપર એક ખંધુ હાસ્ય રમી રહ્યું હતું. એણે એ ‘મિશન’ના શ્રીગણેશ કર્યા જેના માટે તેઓ આબુના પહાડોમાં પધાર્યાં હતા. કલમને થોડો સમય આરામ આપીને એણે આંગળીઓના ટેરવાંઓને વાર્તાસર્જનમાં પરોવ્યાં. રાત વીતતી રહી. શબ્દો ફૂટતા રહ્યા. સર્જન થતું રહ્યું... અને સાથે-સાથે એના હોઠ ઉપર રમી રહેલાં એ રહસ્યમય હાસ્યએ ભરપૂર રંગત પકડી રાખી હતી. એની થાકેલી આંખો ક્યારે નિદ્રામાં સરી પડી એનો એને પણ ખ્યાલ નહિ રહ્યો.

‘ગુડ નાઇટ, રાઇટરબાબુ!’ નવ્યાએ ટહુકો કર્યો.



કોઈ પ્રત્યુત્તર ન મળતા એણે નજીક આવીને એની જીજ્ઞાશા સંતોષી. લેપટોપમાં એક આછકલી નજર ફેરવવાનો લોભ ટાળી શકી નહિ. જેમજેમ એ વાંચતી ગઈ તેમતેમ એની કુતૂહલતા જોર પકડતી ગઈ. ભીંજાયેલું સૌંદર્ય... વાળમાંથી ટપકતું પાણી... પીઠ પરથી સરી રહેલી બૂંદો... કાજળઘેરી પાણીદાર આંખો... છૂટ્ટી લહેરાતી લટો... – વર્ણન વાંચતા જ ચકિત થઈ ચૂકેલી નવ્યાના હોઠ પરથી સરી પડ્યું, ‘તો શું... બોટને ‘પ્લાન’ કરીને ઉંધી વાળવામાં આવી હતી? મારું ‘નક્કી ઝીલ’ના પાણીમાં પડવું, ભીંજાવું, ગુસ્સે થવું... એ બધું જ સમજી-વિચારીને ‘પ્લાન’ કરાયેલું હતું?’

જતાં-જતાં નવ્યાએ મૂંઝવણભર્યા સ્વરે ઉચ્ચાર્યું, ‘પહેલાં અમલ, અને પછી વર્ણન... બહોત ખૂબ!’

કોટેજમાં પ્રવેશતાં પહેલાં એની પીઠ પાછળ અરમાનનું વાક્ય અથડાયું, ‘પહેલાં વર્ણન, અને પછી અમલ? બહોત ખૂબ!’

નવ્યાને સમજતાં ખાસ વાર નહિ લાગી કે અરમાન એણે દોરેલું ચિત્ર જોઈ ચૂક્યો હતો. અરમાને એ તરફ ઊડતી નજર ફેંકી. પણ ધીમી ચાલે કોટેજમાં પ્રવેશી જતી નવ્યાની ઉઘાડી પીઠ સિવાય એનાથી કશું પણ કળી શકાયું નહિ!

એટલામાં ફરી એકવાર અરમાનના મોબાઇલમાં મેસેજ ફ્લેશ થયો. ‘હોટલ અર્બુડા આપની રાહ જુએ છે...’

અરમાનને હવે રહસ્ય ઘૂંટાતું લાગ્યું. વાર્તાસ્પર્ધા... પોતાનું કિડનેપીંગ... માઉન્ટ આબુ ટ્રીપ... અર્પિતા પર નિગરાની... અને આ અજાણ્યા નંબર પરથી મેસેજ... દિમાગમાં કૈક ગોઠવીને એ તાત્કાલિક ઉપડ્યો – હોટલ અર્બુડા...

એક કલાક સુધી એ રાહ જોતો બેસી રહ્યો. ત્યાં સુધીમાં એણે દેસી ઘીમાં તરબોળ થયેલી રાજસ્થાની દાલ-બાટી અને લાલ મરચાંની તીખી તમતમતી ચટણી પહેલેથી જ ભરાઈ ચૂકેલા પેટમાં પધરાવી દીધી, જેથી હોટલમાં બેસીને એ ‘કોઈક’ની રાહ જોઈ શકે. છેવટે અરમાનના મોબાઇલમાં ફરી એક મેસેજ ઝળક્યો, ‘હઝરત કુરેશી એક રીઢો ગુનેગાર છે... એના મૂળિયાં આતંકવાદ સુધી વિસ્તરેલાં છે. તમને મહોરું બનવાની મઝા મુબારક, મિ. રાઇટર! મળીશું, ફરી ક્યારેક...’
--------------------------
(ક્રમશઃ)
ધર્મેશ ગાંધી
dharm.gandhi@gmail.com

Wednesday, 5 December 2018

◆ બ્લાઇન્ડ ગેમ ◆ પ્રકરણ-૩ (પારદર્શક ખંજર...) ◆



(પ્રકરણ-૨ માં આપણે જોયું કે...

કિડનેપ થઈ ચૂકેલા નવોદિત લેખક અરમાન દીક્ષિતને લમણે ખૂબસૂરત નવ્યાની રિવોલ્વર કાળ બનીને ટેકવાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે હઝરત કુરેશીના નામથી વાર્તા લખવાનું દબાણ થાય છે. એને વિડીયો-ક્લિપ્સ બતાવીને ચેતવણી અપાય છે કે નજરકેદમાં ફક્ત એ પોતે જ નહિ, એની પત્ની અર્પિતા પણ સપડાઈ ચૂકી છે. કોઈ પણ સંજોગોમાં ‘વિનર’ બનીને એવોર્ડ મેળવવાનું ષડયંત્ર રચાય છે ત્યારે અરમાન વાર્તાસર્જન માટે ખુશનુમા વાતાવરણની માંગ કરે છે. અને ત્યાર બાદ ગોઠવાય છે માઉન્ટ આબુની સફર..
હવે આગળ...)



◆ બ્લાઇન્ડ ગેમ ◆
પ્રકરણ-૩ (પારદર્શક ખંજર...)
---------------------------------

સંધ્યાની રતાશ આકાશમાંથી ધરા ઉપર ઉતરી આવી હતી. ઠંડા પવનની લહેરખી અરમાનના ગાલે હળવી ટપલી મારીને જાણે કે મજાક કરતી હોય એમ નવ્યાની લહેરાતી લટો તરફ વળી જતી હતી. એ પવનની લહેરખીઓ પણ નવ્યાને તાકતી રહેતી અનેક નજરોથી અલગ નહોતી! એનાં ચહેરા પર લાંબો સમય માટે રોકાતી, ગાલે-હોઠે અડપલાં કરતી, પછી આંખોમાં ફૂંક મારતી સરકી જતી!

નવ્યાનાં સૌંદર્યનું રસપાન કરતો અરમાન સામે આવીને ઊભેલી સાક્ષાત લિમોઝીન કારને પણ ભૂલી ગયો હતો. લગભગ વીસ ફૂટ લાંબી અને સાત ફૂટ પહોળી એવી આ શાનદાર ગાડી વસાવવાનું તો દૂર, એમાં બેસીને સફર કરવાનુંયે એક સ્વપ્ન સમાન હોય! ચળકતા કાળા રંગની નાગણ જેવી લાંબીલચક લિમોઝીન માઉન્ટ આબુ રવાના થવા માટે સજીધજીને તૈયાર હતી. શોફરે જયારે નીચા નમીને દરવાજો ખોલ્યો ત્યારે છેક અરમાન નવ્યાનાં મોહપાશમાંથી છૂટીને લિમોઝીનમાં પ્રવેશ્યો. એની આંખો ચકચકિત થઈ ઊઠી, જાણે કે ધરતી પર હરતાંફરતાં સ્વર્ગમાં ઉતરી આવ્યો હોય! પર્પલ રંગની થીમથી સજાવેલું લિમોઝીન કારનું ઇન્ટિરિઅર એક માદક વાતાવરણ ઊભું કરી રહ્યું હતું. ગાડીની છત તથા દીવાલો ઝાંખા ગુલાબી-વાદળી રંગની લાઇટોથી ઝળાહળા થતી હતી. ડ્રાઇવરની કેબીનથી પાછળના વિશાળ કમ્પાર્ટમેન્ટને અલગ પાડતું અપારદર્શક કાચનું એક પાર્ટીશન હતું. ગાડીની એક તરફની દીવાલને અડીને લાંબા કદના પર્પલ રંગના મખમલી કવર ચઢાવેલા મુલાયમ ગાદીવાળા સોફા ગોઠવેલા હતા. એની સામેની તરફ નાનાં કદનું રેફ્રીજરેટર, ટેબલ, મ્યુઝીક-સીસ્ટમ સરસરીતે સજાવ્યા હતા. પાર્ટીશનની દીવાલ પર લટકતા એલ.ઇ.ડી. ટીવી ઉપર કોઈક અંગ્રેજી ચલચિત્ર ચાલી રહ્યું હતું. મરોડદાર સોફાને કિનારે એક પુશબેક ચેર હતી. પાર્ટીશન અને સોફાની વચ્ચે પડતી થોડી જગ્યામાં બે મધ્યમ કદની સીટ હતી જેની ઉપર અગાઉથી જ હઝરત કુરેશીના બે મુસ્તંડા કાળા રંગના સુટમાં બિરાજમાન હતા. બ્લેક-કેટ કમાન્ડો જેવા, કોઈપણ પ્રકારના ભાવ વિનાનો તદ્દન સપાટ ચહેરો ધરાવતા મુસ્તંડાઓએ અરમાનને આવકાર આપ્યો. અરમાનની પાછળ નવ્યાએ પણ પ્રવેશ કર્યો. અરમાને જાજરમાન સોફા પર બેઠક લીધી તો નવ્યાએ ખૂણામાં રહેલી પુશબેક ચેર ઉપર! ને સુંદર તેમજ સ્વચ્છ નવસારી શહેરના હાર્દસમા ગોળાકાર લુન્સીકુઈ વિસ્તારને અલવિદા કહેતી લિમોઝીનની સવારી મારવાડના માઉન્ટ આબુ તરફના રસ્તે રવાના થઈ...

આથમી ચૂકેલા સૂર્યએ છોડેલી લાલીમા પણ જાણે કે ઉગી રહેલા ચાંદની દૂધિયા રોશનીને આવકારવા બેતાબ જણાતી હતી! બહારનું આછકલાં વાદળોમઢ્યું વાતાવરણ આહલાદક હતું તો અંદરનું ઉષ્ણતામાન પણ હૂંફનો તિખારો આપી રહ્યું હતું. ક્યારેક ત્રાંસી આંખે અરમાન નવ્યા ભણી જોઈ લેતો તો ક્યારેક નવ્યા કતરાતી નજરે અરમાન તરફ તાકી રહેતી. કુરેશીના બંને કમાન્ડો અંધારા ભણી સરકી રહેલી રાતે પણ આંખો પર કાળા રંગના ગોગલ્સ ચઢાવીને તદ્દન નિર્લેપ આકારમાં બેઠાં હતા. તેઓ જાગે છે કે સૂઈ ગયા એ કળવું પણ મુશ્કેલ હતું. સ્પીકરમાં વાગતી હળવી ધૂન સાંભળતા લગભગ બે કલાક જેવા વીત્યા, ને ભરૂચ નજીક ગાડી અટકી પડી.

‘આપણે નર્મદાનાં કેબલબ્રિજ ઉપર છીએ, મે’મ.’ આગળની કેબિનમાંથી શોફરે ઇન્ટરકોમ ઉપર માહિતી આપી, ‘આગળ ટ્રાફિક જામ છે!’



નવ્યા તથા અરમાનની નજર લિમોઝીનના પારદર્શક કાચની આરપાર ફંગોળાઈ. કદાવર થાંભલા અને ધાતુનાં દોરડાઓ બ્રિજ ઉપર કૃત્રિમ પિરામીડનો આભાસ ફેલાવી રહ્યા હતા. રાતના અંધારામાં બ્રિજના લોખંડી દોરડા લાલ-પીળી રોશનીથી ઝળુંબી રહ્યા હતા. અને એ રોશનીનું રંગબેરંગી પ્રતિબિંબ ઝીલી રહેલી નર્મદાની ધારા બેફામપણે બ્રિજ નીચેથી વહી રહી હતી. જોકે પેલા બંને પઠ્ઠાઓને એમને સોંપાયેલા ખાસ કામ સિવાયની આવી કોઈ પણ બાબતોમાં લેશમાત્ર રસ હોય એવું જણાતું નહોતું. કદાચ વિધાતાએ એનાં લેખમાંથી દુન્યવી સુંદરતાની મઝા માણવાનો આમનો અધિકાર છીનવી લીધો હશે!

‘બ્રિજ ઉપર આ ટોળું શેનું છે, જેક?’ નવ્યાએ ગાડીઓની લાંબી કતારની આગળ નજર દોડાવતાં પૂછ્યું.

દરેક ગાડીઓની ગતિ હાલ પૂરતી સ્થગિત થઈ ગઈ હતી. એક કમાન્ડો ગાડીમાંથી ઉતર્યો અને થોડીવારે પાછો ફરતા બોલ્યો, ‘મે’મ, ચીફ મિનિસ્ટર સાહેબનો કોઈક ઓચિંતો કાર્યક્રમ ઘડાયો છે. કોઈક અનાથાશ્રમના બાળકોને પીકનીક ઉપર લઈ ગયા હતા. રસ્તે વળતા બધાં બાળકોને કેબલ બ્રિજની લાઇટીન્ગ્સ બતાવવા રોકાયા છે.’

અરમાનના ચહેરા પર ખુશી અને સંતોષ એકસાથે ઝળકી ઉઠ્યાં. ચાલો, કોઈક નેતા તો એવો નીકળ્યો જે આવા અનાથ બાળકોની લાગણીનું વિચારે છે. એણે નવ્યા તરફ કૈક એવા અંદાજમાં જોયું કે જાણે કહી રહ્યો હોય, ‘શીખો કૈક..!’ પણ નવ્યાનાં મોં પર ફરી વળેલી કટુતા જોઈને અરમાન એક ક્ષણ માટે એની સુંદરતાને નેવે મૂકીને એને ધ્રુણા કરવાનું વિચારી રહ્યો. એક કલાક મોડું પહોંચાશે તો કયું આબુની ‘નકી ઝીલ’નું પાણી સુકાઈ જવાનું હતું! પણ એ ખામોશ રહ્યો. એ જાણતો હતો કે એણે દરેક કદમ સાવચેતીથી ઉઠાવવાના છે, નહિ તો આ ખૂંખાર લોકો એને ઊઠાવી લેશે.





અચાનક નવ્યા ગાડીમાંથી બહાર આવી. ઉતરતી વખતે એ સાથે પેડ-પેન્સિલ લેવાનું નહિ ભૂલી. ડાબી તરફના રોડ પરની રેલીંગ કૂદીને એ પુલના કઠેરા પાસે પહોંચી. નીચે તરફ બંને કાંઠે ખળખળ વહેતી નર્મદાનાં વહેણ અને ઉપર ફૂંકાતી પવનની ઠંડી લહેર... કાળા વાદળો સાથે સંતાકૂકડી રમતો ચંદ્ર આતુરતાથી નવ્યાને તાકી રહયો. અરમાન પણ ગાડીમાંથી ઉતરી નવ્યાથી એક વ્યવસ્થિત અંતર રાખીને ઊભો રહ્યો. અર્પિતા પણ આમ જ ક્યારેક ઊભી હતી અહીં, અરમાન મીઠી યાદ મમળાવી રહ્યો. આજે સાંજે જયારે અર્પિતાને એ મળ્યો ત્યારે પણ એ એવી જ નમણી લાગતી હતી જેવી આ કેબલબ્રિજની એમની પહેલી મુલાકાત વખતે... માઉન્ટ આબુ નીકળતાં પહેલાં એ અર્પિતાને મનભરીને મળી પણ નહિ શક્યો. મળે પણ કેવી રીતે અને બોલે પણ શું? આ મુસ્તંડાઓ ક્યાં એનો પીછો છોડતા હતા! એની નજર સામે વારેવારે એ વિડીયો ક્લિપ્સ તરી આવતી હતી જેમાં અર્પિતા પર જાણે કે દરેક ક્ષણનો એક અદ્રશ્ય પહેરો ગોઠવાઈ ચૂક્યો હતો. એ માત્ર એટલું જ કહી શક્યો હતો, ‘અર્પિ, જવું જરૂરી છે. બોસનો અર્જન્ટ કોલ હતો. રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં નવરાત્રી પૂર્વેનું ફેન્સી કપડાઓનું ‘સેલ’ છે, દસ દિવસો માટે. અને તું તો જાણે જ છે સ્વિટુ, સેલ્સમેનની નોકરી એટલે...’

અરમાને નિરિક્ષણ કર્યું કે નર્મદાની નજાકત માણતી નવ્યા પેડમાં કશુંક ચીતરી રહી હતી, જાણે કે થંભી ગયેલો સમય કેદ કરી લેવા માગતી ન હોય! નવ્યાની આંખોની માંજરી કીકીઓમાં અરમાનને એક ખૂંખાર જંગલી બિલાડી ભાસી રહી હતી. એનાં હાથમાં નાજુક પેન્સિલ પણ એટલી જ બંધબેસતી હતી જેટલી જર્મન-મેડ રિવોલ્વર! ટ્રાફિક ધીરેધીરે હળવો થઈ રહ્યો હતો. જો લિમોઝીનનાં આગળ વધવાનાં એંધાણ વર્તાયા ન હોત તો શાયદ નવ્યા હજુયે એની ચિત્રકળામાં ચૂર જ રહી હોત. બંને જણ ત્વરાએ ગાડીમાં ગોઠવાયાં.

‘અફસોસ! આપનું ચિત્ર અધૂરું રહી જવા પામ્યું!’ અરમાને વાંકા હોઠ કરીને એક મુસ્કાન વેરી.

‘નવ્યાનું કોઈ કામ અધૂરું નથી રહેતું, ક્યારેય...’ નવ્યાએ ‘સી.બી.આઇ.’ની ભરતી માટે પોતાનો પરિચય આપી રહી હોય એ અદામાં કહ્યું, ‘આ ચિત્ર પણ પૂર્ણ થઈ ચૂક્યું હશે, જલ્દી જ.’

રાત વીતતી રહી. બરોડા, અમદાવાદ જેવાં શહેરો પસાર થતાં રહ્યાં. અને બીજી સવારના સૂર્યએ એનાં કિરણો લિમોઝીન ઉપર લાદવાની શરૂઆત કરી ત્યાં જ આબુ રોડની કઢી-પકોડાની મસાલેદાર મહેક બારીનાં કાચ સોંસરવી ઊતરવા માંડી. એ સાથે જ નવ્યાનાં મોબાઇલમાં મેસેજ-ટોન રણક્યો, ‘એક્સચેન્જ!’ એણે આજુબાજુ નજર દોડાવી; મુસ્તંડાઓને ખાસ ઈશારાથી સમજાવ્યું. બધાં સડસડાટ ઉતરવા માંડ્યાં. લિમોઝીનને લગોલગ આવીને પાર્ક થયેલી એક કદાવર એસ.યુ.વી. ગાડીમાં દરેક જણ ગોઠવાઈ ગયા. અરમાન માટે આ બધી ગતિવિધિને સમજવું એટલું જ કઠીન હતું જેટલું પેલા બે મુસ્તંડાઓ માટે સાહિત્યને સમજવું! એણે મનોમન સ્વીકારી લીધું કે અપરાધની અંધારી આલમનો કદાચ વણલખ્યો નિયમ હશે, કે ગાડી અને લાડી સમય અનુસાર બદલતાં રહેવું!

‘આબુના ઢોળાવવાળા જોખમી ચઢાણ માટે લિમોઝીનની લચક નહિ, એસ.યુ.વી.ની સખતાઈ જરૂરી છે, લેખકબાબુ.’ નવ્યાએ વચ્ચેની સીટ પર આરામદાયક મુદ્રામાં પોતાનાં એક પગ પર બીજો પગ ચઢાવીને બેસતાં કહ્યું, ‘સરનો ઓર્ડર છે!’

‘બધાંના જરૂરી કપડાં તથા સામાનની બેગ ડીકીમાં મોજૂદ છે, મેં’મ.’ ડ્રાયવરે નવ્યાને સંબોધીને કહ્યું અને ગાડીએ પહાડી રસ્તાઓનું ખેડાણ શરુ કર્યું...

સાંકડા રસ્તાની એક તરફ ચટ્ટાનોની અભેદ્ય દીવાલ હતી તો બીજી તરફ ધીરેધીરે ઊંડી થતી જતી ખીણ... અને એ ખીણમાંથી ડોકાતા ડુંગરોની હારમાળા! દૂર દેખાતી નાનીમોટી ટેકરીઓ આછાં ધુમ્મસના શણગારથી સુશોભિત થઈ ઊઠી હતી. રસ્તાની ધારે બનાવેલી પથ્થરની પાળીઓ પર ઠેરઠેર કપીરાજો આરામ ફરમાવી રહ્યા હતા. એકધારું ઉંચાઈ તરફનું ગાડીનું આરોહણ હવાને પાતળી થતું મહેસૂસ કરાવી રહ્યું હતું. અરમાન મીઠી મૂંઝવણમાં હતો - આબુનું અદભૂત સૌન્દર્ય માણે કે નવ્યાનું અફાટ ઐશ્વર્ય! એ મનોમન બોલી ઊઠયો, ‘કિડનેપ થયેલી વ્યક્તિની જો હું વાર્તા લખું અને એને અપાતી યાતનાઓમાં આ રળિયામણી સુવિધાઓનો ઉલ્લેખ કરું તો જરૂર વિવેચકો મારા માથે માછલાં ધુએ. પરંતુ આ હકીકત હતી, અને એ હકીકતનો અચંબો એક કિડનેપ થઈ ચૂકેલી વ્યક્તિ જ સમજી શકે એમ હતું!’

એક કલાક પછી...

ખુશનુમા વાતાવરણમાં એક માદક ધૂન લહેરાઈ ઊઠી, ‘કેસરિયા બાલમ... પધારો ની મ્હારે દેસ રે...’

રાજસ્થાનની ધરતીએ માઉન્ટ આબુની ભેખડધારી કાયામાં દરેકનું ગુલાબી ઠંડી અને વરસાદી ફોરાંથી ભાવભીનું સ્વાગત કર્યું!

આબુના બજારમાં પ્રવેશતાં જ નવ્યાએ એક ચાઇનીસ વાસ્તુશાસ્ત્રની દુકાન નજીક ગાડી થોભાવી. થોડીવાર પછી જયારે એ પાછી ફરી ત્યારે એનાં હાથમાં એક ખંજર હતું - કાચનું પારદર્શક ખંજર! ‘વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈપણ નવા કામની શરૂઆત પારદર્શકતાથી કરવી જોઈએ!’ નવ્યાએ ખંજરથી પોતાની ગરદન સહેલાવી. જોકે એને એવો ખુલાસો કરવાની કોઈ જરૂર નહોતી.

થોડીવાર પછી ગાડી એક રળિયામણા કોટેજ પાસે આવીને ઊભી રહી ગઈ. કોટેજની છત રંગેબેરંગી અને સુગંધિત ફૂલોની વેલથી આચ્છાદિત હતી. મોહેંજો-દરો જેવી જૂની ઢબની પથરીલી દીવાલોથી અનેરું આકર્ષણ પેદા થઈ રહ્યું હતું. આસપાસ ફેલાયેલા ગાઢ વ્રુક્ષોએ તરછોડેલા હૃદય આકારના ઢગલેબંધ સૂકા-પીળા પાંદડાઓએ આસપાસની જમીન ઢાંકી દીધી હતી. બહારની ચારે તરફ મોટી પરસાળ હતી અને એમાં હારબંધ ગોઠવેલાં ફૂલછોડના સંખ્યાબંધ કૂંડાઓ... બહારથી મધ્યમ કદના દેખાતા કોટેજની વિશાળતા અંદર પ્રવેશ્યા પછી છતી થતી હતી.. ભોંયતળિયે અને ઉપરના કાતરિયે થઈને કુલ પાંચ અટેચ-બાથ-બેડરૂમ હતા. નીચે એક સજાવટભર્યો બેઠકખંડ, કોટેજમાં લગભગ ઘર જેવી બધી જ સગવડો હતી.

આબુનો પ્રથમ દિવસ બધાંએ કોટેજમાં જ પોતપોતાના કમરામાં વિતાવ્યો.

રાતે નવ્યાને કોટેજથી દૂર ફરવા નીકળેલી ભાળી અરમાન એનાં રૂમમાં પ્રવેશ્યો. ચોતરફ એક આછકલી નજર ફેરવતા એની આંખે એક ચિત્ર ટકરાયું. એ કુતૂહલતાવશ ચિત્રને જોઈ રહ્યો. ચીફ મિનિસ્ટર સાહેબ મીઠાઈ વહેંચી રહ્યા હતા. નાનાં અનાથ બાળકો મુક્ત કિલ્લોલ કરી રહ્યા હતા. સૌ ભૂલકાઓ એમને વીંટળાઈ વળ્યાં હતાં. પણ એના શરીરમાંથી એક હળવી ધ્રુજારી પસાર થતી એણે ત્યારે મહેસૂસ કરી જયારે ચિત્રમાં એણે જોયું કે... એક નાની બાળકી પોતાનો હાથ કોણીએથી વાળી ચૂકી હતી. બાળકીનાં હાથમાં ખંજર હતું. અને એ ખંજર સી.એમ. સાહેબના પેટ તરફ ગતિ કરી રહ્યું હતું. એ ખંજર અદ્દ્લોઅદ્દ્લ એવું જ કાચનું પારદર્શક ખંજર હતું જેવું આજે સવારે આબુમાં આવતાં જ નવ્યાએ એક ચાઇનીસ વાસ્તુશાસ્ત્રની દુકાનમાંથી ખરીદ્યું હતું. એના કાનમાં નવ્યાનાં શબ્દો પડઘાઈ ઊઠ્યા, ‘નવ્યાનું કોઈ કામ અધૂરું રહેતું નથી! આ ચિત્ર પણ જલ્દી જ પૂર્ણ થઈ ચૂક્યું હશે!’

અરમાન સ્તબ્ધ બની ગયો! શું આ હતી ચિત્રની પૂર્ણતા? શું એક નિષ્પાપ નેતા અને સાચા સમાજસેવકનો જીવ જોખમમાં...? મારા કિડનેપ થવા પાછળ અને સી.એમ. સાહેબના જીવના જોખમને કોઈ ઘેરો સંબંધ હશે? મારી વાર્તા અને આ ચિત્ર શું કોઈ મજબૂત તાંતણે જોડાયેલા હશે? આ તે કેવો જેહાદ? પ્રશ્નો અનેક હતા, પરંતુ

એના ઉત્તર...?
-------------------------
(ક્રમશઃ)

ધર્મેશ ગાંધી
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in


Wednesday, 28 November 2018

◆ બ્લાઇન્ડ ગેમ ◆ પ્રકરણ-૨ (વાર્તા નહિ, આઝાદી નહિ...) ◆




◆ બ્લાઇન્ડ ગેમ ◆
પ્રકરણ-૨ (વાર્તા નહિ, આઝાદી નહિ...)
---------------------------------

(પ્રકરણ-૧ માં આપણે જોયું કે...
એક રાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં વિજેતા નીવડનાર નવોદિત વાર્તાકાર અરમાન દીક્ષિતને એક અજાણ્યો ફોન આવે છે. માતબર રકમનું ઈનામ ધરાવતી એ આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા માટે એને નિઃશુલ્ક આમંત્રણ આપવામાં આવે છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે ગયેલા અરમાન સમક્ષ એક આકરી શરત મૂકવામાં આવે છે વિનર થાય એવીબેસ્ટવાર્તાનું સર્જન કરીને એવોર્ડ હાંસલ કરવો! પરંતુ, વાર્તા પોતાના નામે નહિ, અન્યના નામથી લખવી! એને એહસાસ થાય છે કે પોતે એક જાળમાં ફસાઈને કિડનેપ થઈ ચૂક્યો છે!
હવે આગળ...)
લમણે ટેકવાયેલી નાજુક રિવોલ્વર કેવો ભયાનક વિનાશ વેરી શકે એ અરમાન પોતે સમજીને એને પચાવી શકે એ પહેલાં બાથરૂમનો દરવાજો ખૂલ્યો. ને છ ફૂટથીયે ઊંચું એક જાજરમાન વ્યક્તિત્વ ડોકાયું. ચાલીસીમાં પ્રવેશેલું મરદાના શરીર પહોળા ખભા અને વિશાળ છાતીનું માલિક હતું. અર્ધ સોનેરી રંગે રંગાયેલા માથાના સુંવાળા લાંબા વાળ પાછળથીપોની ટેઇલથી વ્યવસ્થિત રીતે બંધાયેલા હતા. મહત્વાકાંક્ષી ચહેરા પર જડબેસલાક રીતે જડાયેલી મક્કમ આંખો પર ગોલ્ડન ફ્રેમના ચશ્માં દ્રઢતાપૂર્વક ગોઠવાયેલા હતા. ઘેરા ભૂરા રંગના સુટમાં શોભતા એ વ્યક્તિના હાથમાં ચમકતા-કાળા રંગનીવોકિંગ-સ્ટીકપ્રભાવ પાડી રહી હતી. એ સ્ટીક મજબૂત પ્રકારના લાકડામાંથી બનાવાઈ હતી જેનોપેનાંગ લોયરતરીકે ઓળખાતો માથાનો ભાગ ગોળ અને લીસો હતો. એની નીચે એક ઇંચની પહોળાઈવાળી ચાંદીની પટ્ટી પર કોઈક નામ કોતરાયેલું હતું. પ્રતિષ્ઠા અને નિર્ભયતાની નિશાની સમી આ સ્ટીક બૂટનાટક ટકઅવાજ સાથે ઓફિસની વુડન-ફર્શ ઉપર પોતાના અનેરા ટકોરા પાડી રહી હતી. એ વ્યક્તિના બંને હાથની લગભગ દરેક આંગળીઓમાં માનવજાતને નડતરરૂપ થનારા વિવિધ ગ્રહો સામે રક્ષણ આપનારા રંગબેરંગી નંગો મઢેલી વીંટીઓ શોભતી હતી.
હેલો, મિ. રાઇટર!પ્રભાવશાળી વ્યક્તિએ અરમાનનું અભિવાદન કર્યું. જોકે અરમાન જે પરિસ્થિતિમાં કચડાઈ રહ્યો હતો એ કોઈ અભિવાદન માટે અનુકૂળ તો ન જ હતી!
તમને કે કોઈને પણ મળીને મને કોઈ ખાસ ખુશી નથી થઈ, મિ... જે પણ હોવ!અરમાન ધૂંધવાઈ ઊઠ્યો.
બેલાશક! અહીં તમારી હાજરી જરૂરી છે, તમારી ખુશી નહિ, રાઇટર બાબુ!
મને અહીં શા માટે... આઈ મીન, આ ધમકી...
ધમકી નહિ, રીક્વેસ્ટ... વાર્તા લખવા માટેની એકહમ્બ્લરીક્વેસ્ટ!જાજરમાન વ્યક્તિએ શાંત સ્વરે અરમાનનો ભ્રમ ભાંગવાની કોશિશ કરી.
અંહ... રિવોલ્વરની અણીએ રીક્વેસ્ટ? એક સર્જકને કેદ કરીને તમે એની પાસેથી શ્રેષ્ઠ સર્જનશીલતાની અપેક્ષા સેવો છો?’
કેદ નહિ, માત્ર નજરકેદ, મિ. દીક્ષિત! તમારું કામ ફક્ત વાર્તા લખવાનું છે. એક અદ્ભુત વાર્તા - મારા નામથી - ધી ગ્રેટ હઝરત કુરેશીના નામથી...રુઆબદાર વ્યક્તિએ પ્રેમાળ સ્વરે સમજાવ્યું.

વાર્તાસર્જન માટે તમને પૂરેપૂરી આઝાદી આપવામાં આવશે. તમારી દરેક જરૂરિયાતોનો પૂરતો ખ્યાલ રાખવામાં કચાશ નહિ રહે.નવ્યાએ પોતાની વાણીમાં એની કમનીય કાયાને શોભે એવી નજાકત લાવીને કહ્યું, સાથે એ ખાસ ધ્યાન રાખ્યું કેદરેકશબ્દ થોડો વજનદાર લાગે!
અને મારી એદરેક જરૂરિયાતવાળી સરભરાનો ખર્ચ રૂપિયા પાંચ લાખ? વાહ! વાર્તા લખું હું; વિજેતા બનું હું; અને ઈનામ-એવોર્ડ મેળવો તમે લોકો! તમારો આ ધંધો ધમધોકાર ચાલે એમ છે. આજકાલ સાહિત્યની મોસમ પૂરબહારમાં મહોરી ઊઠી છે, કુરેશીસાહેબ?’
હઝરત કુરેશીએ નવ્યા સામે એક સૂચક નજર નાખી. નવ્યા એ નજરનો ઈશારો પામી ગઈ હોય એમ અરમાનના લમણેથી રિવોલ્વર ખસેડીને પોતાની કમનીય કમર અને સિલ્કની સાડી વચ્ચે ખોસી દીધી.

અરમાનના કપાળ પર એકસામટી ચાર-પાંચ કરચલીઓ ઉપસી આવી. જોકે એ પોતે પણ કળી શકે એમ નહોતો કે એ કરચલીઓ ભયની છે કે મૂંઝવણની!
મારા નામથી લખાયેલી તમારી વાર્તા વિજેતા નીવડશે તો સ્પર્ધાનું પાંચ લાખનું પુરસ્કાર તમારું... ઉપરથી બીજા પાંચ લાખ રૂપિયા બક્ષીસ... કુલ દસ લાખ!હઝરત કુરેશીએ દરખાસ્ત મૂકી.
અને, હું ઇનકાર કરું તો?’
મિ. દીક્ષિત...હઝરત કુરેશીનો ચહેરો અચાનક તમતમી ઊઠ્યો. આંખોમાં રક્ત ધસી આવ્યું. એ એક જ ઝાટકે ઊભા થઈ ગયા. લાકડીના ગોળાકાર માથા પરની બંને હાથની પકડમાં સખતાઈ લાવીને એ તાડૂકી ઊઠ્યા, ‘હઝરત કુરેશીને ઇનકાર સાંભળવાની આદત નથી, મિ. દીક્ષિત.પછી પોતાની જાત પર થોડો અંકુશ લાવી ધીમા સાદે ઉમેર્યું, ‘તમારી પાસે કોઈ વિકલ્પ નથી, મિ. રાઇટર! આ કોઈ ખેલ નથી કેલાઇફલાઇનહોય! અને ખુદાના ખાસ્તા તમારી લેખક તરીકેની કારકિર્દીનો ઉદય થતાં પહેલાં જ તમારી જીવનયાત્રાનો જો અસ્ત થઈ ગયો તો... હાં..ક..છીં..ઈ..ઈ...

તો...પછીની અપશુકનિયાળ છીંક અને અધૂરાં રહેલાં વાક્યનો તાળો મેળવવાની હિંમત અરમાનમાં ભાંગી પડી.
ફક્ત બે કલાક; વિચારી લો! તમને એક મોકો આપવામાં આવે છે. તમારું અસ્તિત્વ તમારા પોતાના હાથમાં... બે કલાક પછી તમારા હોઠ પર રજામંદી નહિ હોય તો મારા હાથમાં રિવોલ્વર હશે!હઝરત કુરેશી સીધું આખરીનામું આપીને સડસડાટ ઓફિસની બહાર નીકળી ગયા.
અરમાન પાસે સમસમી જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. એ સુન્ન થઈ ગયો હતો. એનું ગળું સૂકાઈ રહ્યું હતું.પ...પ..પાણી... મ..મળશે?’ કુરેશીના આખરીનામાથી અરમાન નખશિખ ધ્રુજી ઊઠ્યો હતો.
સુનકારની થોડી ક્ષણો વીતી.

કોણ છે આ પાગલ?’ નંખાઈ ગયેલા ચહેરે અરમાને નવ્યાને પૂછવાનું સાહસ કર્યું, ‘ગેરરીતિથી સાહિત્યનું સન્માન પામીને એ શું સાબિત કરવાની કોશિશ કરે છે?’ અરમાને હથિયાર હેઠાં મૂકી ખુન્નસભર્યો સવાલ કર્યો.
કિડનેપ થયેલી વ્યક્તિને સવાલ પૂછવાનો અધિકાર હોતો નથી, છતાં... જેને તમે પાગલ વ્યક્તિ કહો છો એ કુરેશીસાહેબનું, અત્યાર સુધી અધૂરું રહેલું સ્વપ્ન છે કે પોતે આલા દરજ્જાના વાર્તાકાર-સાહિત્યકાર બને!નવ્યાએ રૂંધાયેલા અવાજે કહ્યું.
અરમાને અનુભવ્યું કે જાણે લાંબા સમય પછી ઓફિસમાં એક સંવેદનશીલતાએ દબાતા પગલે પ્રવેશ કર્યો છે!

હઝરતસરના અબ્બુને વાંચનનો પાગલપણાની હદ સુધીનો શોખ હતો.નવ્યાની આંખો પણ હવે એના શબ્દોની માફક પેલી દબાતે પગલે પ્રવેશેલી સંવેદનશીલતાને પોતાનામાં સમાવવા બેબાકળી થઈ રહી હતી, ‘એમના અબ્બુ હંમેશા એમને કહેતા, ‘બેટા હેઝુ, કિસી રોજ મેરે હાથોમેં તેરી લિખી હુઈ કિતાબ હોગી; મૈ સિર્ફ પઢતા હૂં, તું લિખના... દિલકી સુનના, ખૂબ લિખના. ઈસી સાહિત્યને મુઝે તેરી અમ્મી સે મિલવાયા થા. તું ઈસ સાહિત્ય કા સરતાજ બનના બેટે, તેરી અમ્મીજાન કી રૂહકો સુકુન મિલેગા!’-’
તો શું આમ કિડનેપ કરીને, હલકાપણું દાખવીને આ માથાફરેલ માણસ સાહિત્યનો સરતાજ બનશે? એમની મરહૂમ અમ્મીજાન પ્રસન્ન થશે?’ અરમાને નવ્યામાં સળવળી ઊઠેલી સંવેદનાને ધગધગતો સળિયો ચાંપવાની પેરવી કરી જોઈ.

એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ લીટરેચર, મિ. રાઇટર!નવ્યાએ સળવળતી સંવેદનાનાં અંતિમ સંસ્કાર કરીને હઝરત કુરેશીનો મનસૂબો મક્કમ કર્યો, ‘વાર્તા નહિ, આઝાદી નહિ!
મિયાં હઝરત, ઈતિહાસ ગવાહ છે કે આશિક અને કલાકાર કોઈ સરમુખત્યારની બેડીઓમાં બંધાઈ શક્યાં નથી. પલકારો ઝપકાવશો ને હું પરબારો પલાયન થઈ જઈશ. તમારી આ ચુસ્ત ચિબાવલીની ચીકણી ટાંગો પણ મને લપસાવી નહિ શકે!હોઠ સુધી આવી ચૂકેલા ઝનૂની શબ્દો અરમાન ગળી ગયો.  
અગર... સ્પર્ધામાં મારી વાર્તા વિજેતા નહિ નીવડી તો...?’
તો..?’ પોતાનો મોબાઇલ કાઢી નવ્યાએ અમુક ખાસ વિડીયો-ક્લિપ્સ ચાલુ કરી, ‘ફોર યુ, લેખક મહાશય!
વિડીઓ-ક્લિપ્સ જોતાં જ અરમાનના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. દરેક ક્લિપ્સમાં એની પત્ની અર્પિતા મોજૂદ હતી - જોગીંગ કરતી અર્પિતા... ઘર તરફ રવાના થતી અર્પિતા... રસોડામાં શાક સમારતી અર્પિતા... ભૂલાઈ ગયેલો ટુવાલ લેવા બાથરૂમમાંથી ભીના શરીરે નીકળતી અર્પિતા...

અરમાનનું શરીર ફિક્કું પડવા માંડ્યું. જાણે કે એની નસોમાં લોહી નહિ, માત્ર સફેદી વહેતી હોય! એના ચહેરા પર એકસાથે જુદાં-જુદાં ભાવ ઉપસી આવ્યા અને ઉડતી મુલાકાત લઈ ફરાર થઈ ગયા. આંખે અંધારા છવાઈ ગયા. દીવાલને ટેકે ફર્શ પર ઢગલો થઈને બેસી જવાનું એણે મુનાસિબ માન્યું. એને હવે એ સમજાવવાની જરૂર રહી ન હતી કે આ લોકોની નજરકેદમાં માત્ર પોતે જ નહિ, અર્પિતા પણ સપડાઈ ચૂકી હતી!
***

સમય સરકી રહ્યો હતો. એરકંડીશન્ડ ઓફિસમાં આંટા મારી રહેલો અરમાન પરસેવે રેબઝેબ હતો. યોગનું કોઈ આસન પણ એને અત્યારે માનસિક તણાવમાંથી તારી શકે એમ જણાતું નહોતું. ઘડિયાળની ટક-ટક ત્યાં છવાયેલી ખામોશીને ચીરવાની અધકચરી કોશિશ કરી રહી હતી. નવ્યા બિન્દાસ્ત બનીને સોફા પર લેટી હતી. એની છાતીના ઉભારનું કલાત્મક પ્રદર્શન કરતો ખભા પરથી સરકી ગયેલો સિલ્ક સાડીનો છેડો ઠીક કરવાની એને ખાસ દરકાર જણાતી ન હતી; પરંતુ કમરે ખોસેલી રિવોલ્વર પર હાથ પસવાર્યા કરવું એ એનાં માટે અચૂક કાર્ય હતું!
-ને ઓફિસનો દરવાજો ખૂલ્યો. સમયના પાબંદ હઝરત કુરેશીએ અંદર પ્રવેશતા જ સદાયે સજાગ રહેતી દિવાલ-ઘડિયાળ સામે તાકતા અરમાનને આડકતરો ઈશારો આપ્યો, ‘તમારો સમય સમાપ્ત થયો, મિ. દીક્ષિત!
અરમાન પાસે ઇનકાર માટેની કોઈ છટકબારી હાથવગી નહોતી. એણે જિંદગીની હજુ લાંબી મજલ કાપવાની હતી! પરંતુ એક વાત એ સમજી ચૂક્યો હતો કે એને પોતાને મોતને ઘાટ ઉતારવા કરતા હઝરત કુરેશી કંઈક સમાધાન કરવાનું મુનાસિબ માને, આખરે એણે પ્રતિષ્ઠિત વાર્તાસ્પર્ધા જીતીને એક ઉમદા વાર્તાકાર તરીકે પ્રખ્યાત જો થવું છે, નિ:સંદેહ!

વાર્તા રચવી એ એક આર્ટ છે, મિ. કુરેશી...અરમાનનું દિમાગ કૈક વિચારીને એની કલમ કરતા તેજ ભાગવા માંડ્યું, ‘...ને એ આર્ટ માત્ર પ્રફુલ્લિત દિમાગ, હળવું હૃદય અને ખુશનુમા વાતાવરણ દ્વારા જ સોળે કળાએ ખીલી શકે!
બેલાશક!હઝરત કુરેશીએ સંમતિમાં ડોકું ધુણાવ્યું.
શું આપ ધારો છો કે આ અકળામણ ભરેલી બંધિયાર કોટડી મારી શ્રેષ્ઠ રચના ઉપજાવી શકે?’ અરમાને એનાં ભાથામાંથી એક ધારદાર તીર છોડ્યું.
હઝરત કુરેશી થોડી ક્ષણો ખામોશ રહ્યા. કૈંક ઊંડું વિચારતા નવ્યા તરફ ફરીને બોલ્યા, ‘હું એ માની લઉં છું કે દસ મિનીટની અંદર કોઈક હિલસ્ટેશન પર હોટેલનું દસ દિવસ માટે બુકિંગ કન્ફર્મ થઈ ચૂક્યું હશે!
યસ્સ સર!નવ્યાએ એમની માન્યતા ઉપર મહોર મારી.
ફરી એ જ ખામોશી! એ જ ધડિયાળની ટીક-ટીક... અને કમ્પ્યૂટર કીબોર્ડ પર નવ્યાની નાજુક-નમણી આંગળીઓનાં ટકોરા... થોડાં ફોન-કોલ્સ... અને...

માઉન્ટ આબુ!નવ્યાએ એની બદામી આંખો નચાવતા કહ્યું, ‘કોટેજ!
ડુંગરાળ પ્રકૃતિની શીતળતામાં હૂંફાળી નવ્યાનો સંગાથ તમારી રચનાને ઉષ્મા આપશે, મિ. દીક્ષિત.હઝરત કુરેશીએ અરમાનના ખભે હાથ મૂકી મલકાતા ચહેરે ઉમેર્યું, ‘માઉન્ટ આબુમાં નવ્યા તમારો સારી રીતે ખ્યાલ રાખશે, અને અમે અહીં નવસારીમાં તમારી પત્ની અર્પિતાનો...!
ખભે મૂકાયેલા હાથની આંગળીઓમાં શોભતી નીલમ, પોખરાજ અને પન્નાનાં નંગોવાળી વીંટીઓ તરફ સંશયભરી નજરે તાકી રહેલા અરમાનને કુરેશીએ સોંસરો સવાલ કર્યો, ‘ઓહ્હ, આ ગ્રહો... અંધશ્રદ્ધાનો ઈજારો શું ફક્ત તમારો જ છે?’  
બુકિંગ કન્ફર્મ્ડ, સર!નવ્યાએએન્ટરનું બટન અંગૂઠા વડે દબાવ્યું અને નીચલો હોઠ દાંત વડે!
ચમકતી આંખોએ અરમાન પોતાની કાબેલિયતને દાદ દઈ રહ્યો હતો. પોતાના ભાથામાં સાચવી રાખેલા હજુયે કેટલાંયે ધારદાર શસ્ત્રો વણવપરાયા પડ્યા હતા. બસ, દરેક શસ્ત્રનો એક સમય હોય છે! એ મલકાયો, એનું ખાસ ધ્યાન રાખીને કે એ મલકાટ ક્યાંક છલકાઈ ન જાય!
આજના કંટાળાજનક દિવસની આ પહેલી એવી ઘડી હતી કે જયારે ત્રણેય પાત્રો પોતાની અંદર-અંદર જ મલકાઈ રહ્યાં હતાં! મલકાટ એક જ, પણ હોઠે-હોઠે મકસદ અલગ-અલગ!
-------------------(ક્રમશઃ)

ધર્મેશ ગાંધી
dharm.gandhi@gmail.com
facebook.com/DGdesk.in




ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...