સાહિત્યકાર/સંપાદક/વિવેચક શ્રી બાબુભાઈ સુથાર સાહેબના વિશેષ સૂચનોના સથવારે
'ચીલે ચીલે ન ચાલતી' (ચીચીનચા) 'પ્રયોગશીલ' વાર્તા અંતર્ગત મારા એક
પ્રયાસને મમતા વાર્તામાસિકના દિવાળી અંક (ઓકટો-નવે-૨૦૧૮)માં સ્થાન પ્રાપ્ત થયું!
હૂબહૂ
ગળે કોઈ ટૂંપો દઈ રહ્યું હોય એમ તમારો શ્વાસ રૂંધાઈ રહ્યો
હતો. તમે ગરદનને એક ઝાટકો માર્યો. આમ-તેમ નજર ફેરવી ઝડપભેર મંચનાં પગથિયાં ઉતરી ગયા. તમે થોડી રાહત અનુભવી. ચહેરા પરનો પરસેવો લૂછીને તમે ધબકતા હૃદયને અંકુશમાં લીધું ને એ સાથે જ તમને હવાની લહેરખી મહેસૂસ થઈ. વિશાળ પંખા હોલમાં તેજ હવા ફંગોળી રહ્યા હતા.
તમે ચોતરફ નજર ઘુમાવી. રાખોડી રંગની દીવાલ પર લટકતાં કદાવર ચિત્રો સૌનાં આકર્ષણનું
કેન્દ્ર બન્યાં હતાં. જાણે કે સળગતી સંવેદના
સજીવન થઈ ઊઠી હતી. ચિત્રનું સ્વરૂપ ધરેલી
એક એક લકીર અને રંગોના દરેક છાંટા જીવંતતા પ્રગટાવી રહ્યા હતા. ચિત્રકારે જાણે કે વાસ્તવિકતાને પોતાના કેન્વાસ ઉપર કંડારી હતી. એવાં જ એક અદ્ભુત ચિત્ર
આગળ તમારા કદમ થંભી ગયા. તમારી નજર એ ચિત્ર ઉપર ચોંટી
ગઈ અને હોઠેથી ધગધગતો એક નિસાસો સરી પડ્યો, ‘આહ... આ પીડા! અનંત મૃત્યુની પીડા!’ આગમાં લપેટાયેલી સ્ત્રીનો ચહેરો તમને કમકમા લાવવા માટે
પૂરતો હતો. અદ્ભુત જીવંતતા
ચિત્રિત થયેલી હતી! તમારી આંખો મીંચાઈ
ગઈ; તમને લાગ્યું કે તમને શૂન્યાવકાશ ઘેરી રહ્યો છે.
અચાનક તમારા કાને ધીમો
ગણગણાટ અથડાયો. ને ધીમેધીમે એ કોલાહલ
બની ગયો. હોલમાં હળવી ભાગદોડ મચી ગઈ. તમે પણ એ ભીડમાં સામેલ થઈ ગયા.
‘ભાગો... દોડો... અરે, કોઈ ફાયર-બ્રિગેડ...’
‘કોઈ આગ ઓલવો... કોઈ પેલી સ્ત્રીને...’
કોલાહલ કારમી ચીસોમાં ફેરવાઈ ચૂક્યો હતો. ચિત્ર-પ્રદર્શનવાળા હોલની છેવાડે એકાએક ભડકી ઊઠેલી આગમાં એક
સ્ત્રી લપેટાઈ ચૂકી હતી. સ્ત્રીનાં ચહેરા ઉપર તમે એક નિ:સહાય ખામોશી નિહાળી. સળગતી સ્ત્રીનો ચહેરો પેલા ચિત્રમાંની અગનજ્વાળામાં લપેટાયેલી સ્ત્રીને હૂબહૂ મળતો
આવતો હતો. તમે સ્તબ્ધ બની ગયા; એકાએક ફરીથી એ ચિત્ર ભણી દોડ્યા. ચિત્રની આગળ થંભી તમે હાંફતી નજરે તાકી રહ્યા. મનોમન તમે એ સ્ત્રીનાં ચહેરાની અને એ ચહેરા ઉપર લીંપાયેલી નિ:સહાયતાની ખાતરી કરી - એજ ચહેરો... એજ નિર્દય અગનજ્વાળા.... એજ કારમી પીડા... અને એ જ મોતની કરુણતા! તમે ચિત્રકારની કાબેલિયત માપી રહ્યા.
તમે ઘેર આવવા નીકળ્યા. રસ્તામાં એક કાળી બિલાડીએ તમારો રસ્તો કાપ્યો. બિલાડી પાકી સડક તરફ સડસડાટ દોડી ગઈ. એ સાથે જ એને અપશુકન નડ્યા. ધસમસતી આવતી એક ટ્રક એ બિલાડી ઉપર ફરી વળી. ટ્રકના ટાયરોની ચિચિયારી સાંભળી તમે એ તરફ તમારા
કદમોને વાળ્યા. બિલાડીનું ચિરાઈ
ગયેલું પેટ અને લોહિયાળ અવસ્થામાં રસ્તા ઉપર વેરવિખેર થઈ ગયેલા આંતરડા મૃત બિલાડીને
ભયાવહ બનાવી રહ્યા હતા. કાળાં-ધોળાં એનાં બચ્ચાં ભીડ વચ્ચે પણ એકલતા મહેસૂસ કરી રહેલાં
તમને જણાયાં. અરેરાટી ઉપજાવે એવા દ્રશ્ય આગળથી નજર હટાવતા તમે
એક ઊંડો નિસાસો નાખ્યો. પછી તમે ઘરમાં પ્રવેશ્યા.
ઘરના બેઠકખંડમાં પ્રવેશતાં જ તમારી નજર તમારા ઘરની દિવાલ પર પડી. ત્યાં એક ચિત્ર લટકી રહ્યું હતું. એમાં રસ્તા પર એક બિલાડી હતી. તમે જોયું: એ બિલાડી મૃત અવસ્થામાં હતી અને એનાં બચ્ચાં ભીડ વચ્ચે પણ એકલતા મહેસૂસ કરી રહ્યાં હતાં.
***સમાપ્ત***




No comments:
Post a Comment