Wednesday, 24 October 2018

દિવ્ય ભાસ્કર * માઇક્રોફિક્શન - 'કળી' * ૨૪-ઓકટોબર-૨૦૧૮

'કળશ' પૂર્તિ (બુધવાર)


કળી
એણે ચોમેર નજર ફેલાવી.
રંગબેરંગી ફૂલો જોઈ એની નજરમાં પતંગિયા ઊડવા માંડ્યાં.
એક લાલચટક ગુલાબની કળી પર એનું મન મોહી પડ્યું.
ડાળખીએથી તોડી; ચૂમી; સજાવી...
થોડાં દિવસોમાં અર્ધ-વિકસિત કળી સૂકાતી ગઈ.
ચૂંથાઈ ચૂકેલી કળીને એણે ઉકરડાને હવાલે કરી.
બીજી સવારે રાબેતા મુજબ એ ઊપડ્યો,
મહિલા-કોલેજનાં કંપાઉન્ડે...
 ચોમેર નજર ફેલાવી.
સપ્તરંગી મેઘધનુષ્યમાંથી આજે એનું મન
પીળી પટ્ટી પર મોહી પડ્યું.
------------
(શબ્દો : ૫૯)



Wednesday, 17 October 2018

દિવ્ય ભાસ્કર * માઇક્રોફિક્શન - 'ભાર' * ૧૭-ઓકટોબર-૨૦૧૮

'કળશ' પૂર્તિ (બુધવાર)
ભાર
પાંચ વર્ષ પછી અમેરિકામાં કાયમી વસવાટ અને
મોટેલમાં નોકરી-ની ખાતરી થતાં,
શાળાએથી પાછા ફરતા બાઘાએ પૂલ પરથી
નદીમાં દફ્તરનો ઘા કર્યો. 
નીચેથી પસાર થતી હોડીમાં પડેલો થેલો ખોલીને જોતાં,
માછીમારનો દીકરો ઉત્સાહથી બોલી ઊઠ્યો,
'હવે હું આગળ ભણી શકીશ...'
પણ પુસ્તકોનો ભાર વર્તાતા હાલકડોલક થયેલી
હોડીને બચાવવા
માછીમાર-બાપે થેલો ઊઠાવીને
ઉંધી દિશામાં વહેતાં પાણીમાં ફંગોળ્યો.
-------------
(શબ્દો : ૫૫)

Saturday, 13 October 2018

'જલારામદીપ' સામયિક (ઓક્ટોબર-૨૦૧૮ દીપોત્સવી અંક) * 'મોટી રાત'

-આ માટે 'જલારામદીપ'ના તંત્રીશ્રી સતીશ ડણાક સાહેબનો
ખૂબ ખૂબ આભાર,
કે જેમણે આ દીપોત્સવી અંકમાં વાર્તા લખવા માટેનું
મને વિશેષ આમંત્રણ પાઠવ્યું!

આ સિવાય ખાસ મિત્રો - ઉઝમા શેખ
('મોટી રાત' નવલિકાની નાયિકાનું પણ આ સંદર્ભમાં જ 'ઉઝમા' નામ રાખ્યું છે!)
તથા સોલી ફિટર તેમજ પ્રજેશ ગાંધી -ને તહે-દિલ સે શુક્રિયા...!

આ ત્રણેય મિત્રોએ નવલિકા માટે અનિવાર્ય એવી
'ઇસ્લામ' અંગેની સચોટ માહિતી,
જેવી કે - 'મગરિબ'... 'શબ-એ-બરાત'... 'કલમો'... 'ઝોહરની અઝાન'...
'વુઝૂ'... 'નમાજ'... વગેરે
હોંશે હોંશે પૂરી પાડી એ ખરેખર કાબિલે-તારીફ જ ગણાય!
------------


મોટી રાત
    (ધર્મેશ ગાંધી)

મગરિબની અઝાન થઈ ચૂકી હતી. સંધ્યાકાળની આરતીનો ગુંજારવ સૂર્યની સાથે આથમી ચૂક્યો હતો. ઘંટડીઓનો રણકાર પણ શમી ચૂક્યો હતો. દૂર ટેકરી પર એકલવાયા રહી ગયેલા એક ખોરડામાં આરતી પછી એક આશ્કા હજુયે પ્રગટી રહી હતી. નકાબમાં ગોંધાયેલી બે નિર્જીવ આંખો ખીણની ગહેરાઈમાં સ્થિર થયેલી હતી. આજે ‘મોટી રાત’ હતી, ‘શબ-એ-બરાત’ની પાક રાત... ઉઝમાનાં હાથ દુઆમાં ઉંચે ઊઠ્યા, ‘યા અલ્લાહ... જાનતી હૂં મેરા મજહબ મુઝે ઈસકી ઈજાઝત નહીં દેતા, મગર...’ એણે આખરી વક્તનો ક્લ્મો પઢયો – ‘લા ઈલાહા ઇલ્લલા મહમદ રસુલુલ્લા…’
એનું બદન ખીણની અંધારી ગહેરાઈમાં ઝુકે એ પહેલાં એણે એક ઝાટકે પોતાનો બુરખો ખેંચી કાઢતાં યાચના કરી, ‘યા ખુદા...’ એ સાથે જ પૂરી કાયનાત તાજ્જુબ થઈ જાય એવા રૂપના આ પહાડી પ્રકૃતિને દીદાર થયા. આછા અજવાળામાં એનું સૌન્દર્ય ચાંદની ફેલાવી ઊઠયું. લગભગ ત્રણેક મહિનાથી કાળા કપડામાં ગૂંગળાતી રહેલી રૂહ જીંદગી સામે બગાવત કરી બેઠી.
ઉઝમાએ વ્હિલચેર પરથી પોતાનું શરીર ખીણ તરફ ઝુકાવ્યું, ને પડતું મૂક્યું. એ સાથે જ વ્હિલચેર નજીકમાં રહેલા એક ખડક સાથે અથડાઈને ઉંધી વળી ગઈ. ઉઝમાનું અર્ધ-નિર્જીવ શરીર બે ક્ષણ માટે હવામાં ફંગોળાયું. પછી કાંટાળા ઝાડી-ઝાંખરામાં પટકાયું. ડુંગરાળ જંગલી વેલાઓ વીંટાળતું, નાનાં-મોટાં પથ્થરો ગબડાવતું એનું શરીર અંધારી ખીણમાં અદ્રશ્ય થઈ જાય એ પહેલાં એક મોટી ચટ્ટાન સાથે અફળાયું. જાણે કે એક ક્ષણ શ્વાસ લેવા થંભ્યું! ઉઝમા હોશોહવાસ ખોવા માંડી હતી, પણ મકસદ એનો હજુયે કાયમ હતો. ફરી એકવાર ગહેરાઈમાં ગોતા મારવા – જાતને ખતમ કરવા એણે પોતાનું શરીર ઢસડવા માંડ્યું. પોતાના મજબૂત મનસૂબામાં કામયાબ થઈને મોતને આગોશમાં સમાવી લે એ પહેલાં બે હાથોએ એને સખતાઈથી જકડી લીધી. જીવવા માટેના ધમપછાડા કરીને આખરે હારી ચૂકેલી ઉઝમાએ મરવા માટે હવાતિયાં મારવા માંડ્યા, ‘ક..કૌન હો તુમ..? છોડો મુઝે... મૈ અપાહિજ ઈસ... ઈસ ઝીલ્લતભરી જિંદગી સે...’ અધૂરા વાક્યે જ એણે પૂરો હોશ ગુમાવી દીધો. અશક્ત શરીરની ઊર્જા ખતમ થઈ ચૂકી હતી. બેહોશીની હાલતમાંયે એ ક્યાંય સુધી બડબડાટ કરતી રહી, ‘ઉડના મેરી ખ્વાહિશ હૈ... ચાંદ કો છૂના મેરા ખ્વાબ... ઝિંદાદિલી મેરી આરજૂ હૈ, ઔર ખુશહાલી હી મેરી હસરત! લેકિન...’
* * *


ઉઝમાને અધકચરો હોશ આવતાં જ ઘરના સર્વેને હાશકારો થયો. એક આભારભરી નજર સૌ કોઈ એ આગંતુક સ્ત્રી પર નાખીને ઉઝમાનાં કમરામાંથી સહર્ષ વિદાય થયાં, ‘તમે બંને સહેલીઓ નિરાંતે વાતે વળગો. હમ ખાના લગાતે હૈ...’ ઘરની સ્ત્રીઓ બોલી ઊઠી.
વડીલ ખાલાજાન ઉઝમાને માથે હાથ ફેરવતા બોલ્યા, ‘તુમ્હારી ઈસ સહેલી કી વજહ સે તુમ ખૈરિયત મેં હો, બેટા. ઔર યે છોટી-મોટી ચોટ તો તુમ સેહ હી લોગી, હંમેશા કી તરહ, હૈ ના..? તુમ તો આયા કો લેકર પહાડી પે ઘૂમને ચલી ગઈ. ફિર આયા કો આધે ઘંટે બાદ આને કા ફરમાન દે કર ઉસે ‘સનસેટ પોઇન્ટ’ સે ભેજ ભી દિયા.’
ઉઝમા ખાલાજાનને કોરી નજરથી તાકી રહી.
‘-વો તો શુક્ર ખુદા કા, કી તુમ્હારી યે સહેલી નજદીક હી અપની પઢાઈ કર રહી થી. તુમ્હારી યે વ્હિલચેર હવા કે તેજ ઝોંકો સે હિલ ઊઠી; તુમ ગીર ગઈ; સર ચટ્ટાન સે ટકરાયા; ઔર તુમ બેહોશ હો ગઈ...’ ઉઝમા મૂંઝાતા મને ખાલાને જતાં જોઈ રહી.
‘સહેલી...?’ ઉઝમાએ વિસ્મયતાથી કમરામાં ચોતરફ નજર દોડાવી.
હું, પ્રેરણા... આપનાં વિશે જાણીને દુઃખ થયું.’ આગંતુક સ્ત્રી થોડું મુસ્કાઈ.
‘મૈ યહાં... કેવી રીતે...? આપ...?’
‘હું હમેશની માફક સાંજે પહાડી પર ‘માઉનટેઇન કલાઇમેટ’ વિષય પર મારું પ્રોજેક્ટ-વર્ક કરી રહી હતી – કે આવું આહલાદક વાતાવરણ માનવજીવનને કેટલી માત્રામાં હકારાત્મક ઉર્જા આપી શકે!’
‘ઔર મૈ... હું તો...’
‘જાણું છું. બટ, ડોન્ટ વરી. તમારાં ઘરના સભ્યોથી મેં તમારી એ ખીણવાળી ચેષ્ટા છૂપાવી છે...’ પ્રેરણાએ ઉઝમાનો હાથ ધીરેથી દબાવ્યો, ‘ખુદાએ આપેલી ખૂબસૂરત જિંદગીનો આમ અંત...? ક્યૂં?’
‘ખૂબસૂરત!’ ઉઝમાએ ઠંડાપોરનો એક દઝાડી દે એવો નિસાસો મૂક્યો.
‘હતાશાનો હાર પહેરીને જિંદગી ક્યાં જીવાય છે! શું હું કોઈ સહાય કરી શકું? હું પોતે એક નર્સ છું.’
ઉઝમાએ ત્રાંસા હોઠ કરીને તિરસ્કારભર્યું સ્મિત વેર્યું.
‘ચિંતા ના કરશો, ઍડવાન્સમાં એનો કોઈ ચાર્જ નહીં લઉં, તમને ફરક લાગે તો વિચારજો...’ પ્રેરણાએ પણ સામે એક મક્કમ સ્મિત વેર્યું.
ઉઝમા વિચારી રહી બોલવું કેટલું સરળ હોય છે. બહારથી દેખાતા દુઃખ માટે હર કોઈ દિલાસો આપે, પણ આંતરિક ઉલઝન શું હોય, કોઈ કેમનું કલ્પી શકે? જયારે પોતાની ઉપર આવી પડે ત્યારે સૌને ભાન થાય કે એ દુઃખ કેમનું જીરવાય. આ અગાઉ પણ તો ઘણાં આવ્યાં જ ને, મને ઠીક કરવા. શારીરિક તથા માનસિક બિમારીનો ઈલાજ કરવાવાળા ડૉક્ટરો, માયૂસી ખંખેરીને આગળ વધવાનો રસ્તો સૂઝાડનારા વ્યાવસાયિકો, આધ્યાત્મિક અનુભૂતિ કરાવનારા અનુયાયીઓ. ઘણાંયે આવ્યાં ને ગયાં. ભારે-ભરખમ ફી પણ વસૂલી. મારી વિવશતા પર અફસોસ વ્યક્ત કર્યો. મને હતાશાની ગર્તામાંથી મહત્વાકાંક્ષાનાં શિખર પર પહોંચાડવાના અખતરાયે ઘણાં કર્યા, પણ...
હું તમારો વધારે સમય  નહીં લઉં, ફક્ત સાત દિવસ... પ્રેરણાએ મુદ્દત માંગી, જિંદગી જીતવાની મુદ્દત.
ઉઝમાનું મન સળવળ્યું, ‘સમય...? જ્યાં જિંદગી આખી ફાજલ પડી છે ત્યાં..આયાએ આવીને એને બેડ પરથી ઉઠાડીને પ્રેરણાની મદદથી વ્હિલચેર પર બેસાડી. જમવાનું તૈયાર હતું. આયાએ વ્હિલચેરને હળવો હડસેલો માર્યો, ને ઉઝમાએ થોડી ગતિ અનુભવી.
‘બેટા, પ્રેરણા... થોડે દિન રુક જાતી તો તુમ્હારી સહેલી કા ભી દિલ બહેલ જાતા. વૈસે ભી તો તુમ હોસ્ટેલ મેં હી તો...’ ડીનર કરતી વખતે ખાલાજાને આંખોમાં એક ઉમ્મીદ લઈને હળવેથી ગુજારીશ કરી.
પ્રેરણાએ સામેથી મળેલો મોકો ઝડપી લીધો.
પછી તો રાત પડી, ને બીજો દિવસ પણ રોજની જેમ જ ઉગ્યો. પ્રેરણાએ ઉઝમા વિશે ભેગી કરેલી માહિતીની પુષ્ટિ કરી. ‘અમન વિહાર’ પાર્કમાં થયેલો બોમ્બ-બ્લાસ્ટ... શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ચૂકી હતી. લોકોએ ભાગદોડ કરી મૂકી હતી. ધક્કા-મૂક્કીમાં ઉઝમા પણ પોતાનો જીવ બચાવવા ઘર તરફ ભાગી હતી. ને કોઈકનો ધક્કો લાગતા સડક પર ચત્તીપાટ પડી. બસ એ જ ક્ષણે પૂરપાટ ઝડપે આવતી એક ટ્રક એનાં બંને પગ પર બેરહમીથી ફરી વળી...
અકસ્માત પહેલાંની એની મોજ-મસ્તી, એનું અલ્લડપન, એની ખુશમિજાજી... પતંગિયાની જેમ ખુલ્લા આકાશમાં વિહરતી બેગુનાહ ઉઝમા અકસ્માતનો ભોગ બની. પોતાના બંને પગ ગુમાવી વ્હિલચેર પર કાયમ માટે સ્થિર થઈ ગઈ. જીવન પ્રત્યે એ હતાશ થઈ ગઈ. એની વહેતી રહેતી પાણીદાર આંખો ખુદાને ફરિયાદ કરતી રહી. જોકે પ્રેરણા સાથેની આ બધી માહિતીઓ-ચર્ચાઓ ઉઝમા માટે એક રૂટીન સમાન જ હતી જે આ અગાઉ પણ ઘણાં સાથે થઈ ચૂકી હતી. ઉઝમાને તો ખ્યાલ જ હતો કે આનું કશું જ પરિણામ નથી આવવાનું. જીવન પ્રત્યેની એની ઉદાસી ઓછી નથી જ થવાની. એનું ભાંગેલું મનોબળ હવે મજબૂત નથી જ થવાનું.
દિવસો ઉગતા રહ્યા, ને આથમતા રહ્યા. પ્રેરણાનું હકારાત્મક જીવન પ્રત્યેનું ‘લેકચર’ ચાલતું રહ્યું. ઉઝમા ક્યારેક ક્યારેક પ્રેરણાની – એની નર્સની મજાક ઉડાવતી રહેતી હતી. એની વાત વચ્ચેથી જ કાપી નાખતી. એનું અપમાન કરી બેસતી. પ્રેરણાને ગુસ્સો અપાવવા માટે એ એના ‘મોટીવેશનલ’ પ્રવચનોની પીપૂડી વગાડતી રહેતી, કે જેથી પ્રેરણા કંટાળીને, હારી-થાકીને સાત દિવસ પહેલાં જ ભાગી જાય. એ પોતે તો જોકે આ બધી તોફાન-મસ્તીની મઝા જ લેતી! આમ ને આમ ઉઝમા ઘણીવાર પ્રેરણાને અકળાવી મૂકતી. નિરાશ કરી દેતી.
એક દિવસ આમ જ ઝોહરની અઝાન થઈ. ઉઝમા ગુમશુમ હતી. ન તો એનું અઝાનમાં ધ્યાન હતું કે ન તો એને પરવરદિગાર પર ભરોસો રહ્યો હતો. એનો એક જ સવાલ હતો, ‘અય ખુદા, ઈસ મેં મેરી ક્યા ગલતી? તો ફિર મુઝે કયું યે સજા?’ સામેથી એને કોઈ જવાબ ન મળતો.
જયારે ઉઝમાની આંખો ખૂલી ત્યારે એની વ્હિલચેર નજીક પાણીથી ભરેલી બાલદી પડી હતી. એ ઈબાદતની આનાકાની કરે એ પહેલાં પ્રેરણાએ એનાં નિર્જીવ પગ પર ઠંડું પાણી રેડ્યું. એ માત્ર અચંબાથી જોતી રહી. પછી પ્રેરણાએ એનાં બંને હાથ કોણી સુધી ધોઈ આપ્યાં. ‘નમાજ પહેલાં વુઝૂ જરૂરી છે, હેં ને? દુઆ મેં યાદ રખના...’ બોલી પ્રેરણાએ એને ઉપરવાળા સાથે ઐક્ય સાધવા એકાંત પૂરું પાડ્યું. ઘણાં દિવસો બાદ ઉઝમાનાં હાથ જાણે કે પોતાની મરજીથી ઊઠ્યાં!
મજાક-મસ્તીમાં અને હકારાત્મકતા તથા નકારાત્મકતા વચ્ચે જોતજોતામાં સાત દિવસ વીતી ગયા. ને પ્રેરણા જતી રહી.
ઉઝમા ફરી એકલી પડી ગઈ. ફરી એ જ તનહાઈ. હવે એની પાસે એવું કોઈ નહોતું જેની સાથે એ મસ્તી કરી શકે. એવું કોઈ નહોતું જેનું એ અપમાન કરી શકે, જેની વાત અડધેથી કાપી નાખી શકે. એવું પણ ક્યાં કોઈ હતું જેને એ કંટાળો આપી શકે, નિરાશ કરી શકે! નજીક પડેલાં સામયિકો જે છેલ્લાં ત્રણ મહિનાથી વણખોલ્યાં પડ્યા હતા, એણે નજર સુદ્ધાં નહોતી નાંખી એમાંથી એક સામયિક ઊઠાવ્યું, ને વાંચવાનું શરૂ કર્યું. એમાં છપાયેલાં ટુચકાઓ વાંચી એ ખિલખિલાટ હસવા માંડી. એક લાંબા અરસા પછી જાણે કે એણે પોતાનું મુક્ત હાસ્ય મહેસૂસ કર્યું! થોડાં દિવસો એમ ને એમ વીત્યા.
આખરે એક દિવસ પ્રેરણાનો પત્ર આવ્યો.
ઉઝમાએ પત્ર વાંચવાનું શરુ કર્યું, ને નથી ખબર કે એ સાત દિવસોમાં જીવન પ્રત્યેનો તારો અભિગમ કેટલો હકારાત્મક બન્યો, પણ મારાંમાં મેં ખાસ્સું એવું પરિવર્તન અનુભવ્યું છે. તે દિવસે ન તો હું કોઈ ‘માઉનટેન કલાઇમેટ’ પર પ્રોજેક્ટ માટે આવી હતી, કે ન તો તારી કોઈ મદદે... તને હજુયે એવો ભ્રમ હશે કે તારી જિંદગીની હિફાજત માટે ખુદાએ ફરિશ્તારૂપે મને મોકલી. પણ નહીં, હકીકત એ છે કે જિંદગી તો મારી બચી છે, તારા ઝરીયે...! ઉદાસી છોડી પ્રસન્ન રહેવાનું જે વલણ હું તને અપનાવવા પ્રેરતી હતી એ બધું હું ખુદને કહેતી હતી.’
‘અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર... અશહદુ અલ્લાહ ઈલાહા ઈલ્લલ્લા...’ અઝાનનાં પાક સૂર રેલાઈ ઊઠ્યાં.
‘...ત્રણ મહિના પહેલાંના એ ગોઝારા દિવસે ‘અમન વિહાર’ પાર્કમાં થયેલા બોમ્બ-બ્લાસ્ટથી ઘણી જિંદગીઓ તબાહ થઈ ગઈ હતી. એ કાળમુખો દિવસ મારી જિંદગી પણ જહન્નુમ બનાવી ગયો હતો. પાર્કમાં આતંકવાદનો ભોગ બનેલા સેંકડો માસૂમ બાળકોમાં મારો સાત વર્ષનો દીકરો પણ શામેલ હતો. ‘સનસેટ પોઇન્ટ’ ઉપર હું આત્મહત્યા કરવા આવી હતી. તને મોતના મુખમાં ધસી જતી જોઈ, ને એકાએક મારી અંદરની નર્સ જાગી ઊઠી. બેહોશીની હાલતમાં તારાં બડબડાટમાં તારી જીવવા માટેની જીજીવિષા છલકાતી હતી. અમારાં તબીબી વ્યવસાયમાં અમે એક શપથ લઈએ છીએ – છેલ્લાં શ્વાસ સુધી દર્દીને બચાવવાની કોશિશ..! મને ત્યારે અનુભૂતિ થઈ કે તારાં બડબડાટમાં જે જિજીવિષા હતી એ મારી હતાશા દૂર કરશે.’
‘અલ્લાહુ અકબર...’ દૂરથી ધીમા સાદે સંભળાતા અઝાનનાં શબ્દો ઉઝમાને એક અનોખી ઉર્જા પ્રદાન કરી રહ્યા હતા.
તારી સાથે ગાળેલ એ સાત દિવસ પછી મેં આત્મહત્યા નહીં કરવાના શપથ લીધાં. જીવન પ્રત્યેની તારી મજા-મસ્તી જોઈ મેં સ્વીકારી લીધું કે મારે હવે દીકરા સાથે નહીં, દીકરાની રમતિયાળ યાદો સાથે જીવવાનું છે. આભાર, બહેન! થઈ શકે તો મને માફ કરજે.તારી પ્રેરણા'
ઉઝમા હતપ્રભ થઈ ગઈ, પણ દુખી નહીં થઈ કે ન તો અફસોસ કર્યો. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, કદાચ પ્રેરણાનાં! જે વ્હિલચેર માત્ર આયાનાં સહારે આજ દિન સુધી ધકેલાતી રહી હતી એને આજે ઉઝમાનાં પોતાના હાથનો વેગીલો સ્પર્શ થયો, જોશભેર! વ્હિલચેર એક રફતારથી આગળ સરકી રહી. ઉઝમાએક હકારાત્મક ગતિ અનુભવી! ને વુઝૂ-નમાજની તૈયારી કરવા માંડી.
તારી પ્રેરણા...’ પત્રના આખરી શબ્દો દોહરાવતા ઉઝમાએ ફેફસાંમાં ઊંડો શ્વાસ ભર્યો, ‘મારી પ્રેરણા!’
***સમાપ્ત***

Friday, 12 October 2018

દિવ્ય ભાસ્કર * માઇક્રોફિક્શન - 'મોસમ' * ૨૬-સપ્ટે-૨૦૧૮


(બુધવાર * 'કળશ' પૂર્તિ)
મોસમ
તરડાયેલી જમીનેથી નજર દોડાવતી રુખીની બેજાન આંખો પરસેવો નિતારતા ટપાલીને તાકી રહી. ડોળા બળી જાય એવી કાળઝાળ ગરમીમાં ત્રણ વર્ષથી એકધારું આક્રંદ કરતી ઋતુ નિસાસા નાખી રહી હતી.
કાગળમાંના ભાંગેલા-તૂટેલા અક્ષરોને અધકચરી  નજરોએ ઉકેલ્યા, 'શે'રમાં વરહાદે માઝા મેં'લી; જેમતેમ બાંધેલું ખોરડુંયે તણાયું; મોસમ ફરતાં તન બોલાઈસ...'
રુખીની સૂકીભઠ આંખો એક ટીપાં માટે ફરી તરસી ઊઠી.
--------------
(શબ્દો : ૫૫)


પ્રતિલિપિ (વિજેતા કૃતિ) * અઢારમી સદીનો પ્રેમ * ગુજરાત ગાર્ડિયન (૫-ઓગસ્ટ-૨૦૧૮)


ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત વેબ પોર્ટલ 'પ્રતિલિપિ' પર યોજાયેલી માઇક્રોફિક્શન વાર્તા-સ્પર્ધામાં મારી કૃતિ 'અઢામી સદીનો પ્રેમ' વિજેતા ઘોષિત થઈ..
સ્પર્ધાનાં પરિણામની લિંક :
----------------------
https://gujarati.pratilipi.com/blog/result-thoda-ma-ghanu
મારી વાર્તા 'અઢારમી સદીનો પ્રેમ'ની લિંક :
----------------------------
https://gujarati.pratilipi.com/dharmes…/adharami-sadino-prem







અઢારમી સદીનો પ્રેમ
-----------------------
અઢારમી સદીમાં નિર્માણ પામ્યું હોય એવું એક ખખડધજએન્ટીકસ્કૂટર ગલીનાં નાકેથી ધૂળ ઉડાડતું વળ્યું. કિરીટભાઈના ઘર સુધી આવતાં હાંફી ગયું. થાંભલાના સહારે સ્કૂટરને ટેકવીને એક યુવાન ખુમારીભરેલી ચાલે ઓટલો ચઢ્યો. એણે એના સામાન્ય લાગતા શર્ટ-પેન્ટ પરથી ધૂળ ખંખેરી; તેજસ્વી આંખો પરના જાડા કાચના ચશ્મા સાફ કર્યાં. ઘરમાં આરામ ખુરશીમાં ઝૂલતા કિરીટભાઈ પોતાની અનુભવી આંખોને ઝીણી કરીને યુવાનની ગતિવિધિ નિહાળી રહ્યા હતા.

હું પ્રેમ... અને પૂજા તમારી દીકરી હોવી જોઈએ. ઘરમાં પ્રવેશતા યુવાને જાણે કે અઢારમી સદીમાંથી સીધો એકવીસમી સદીમાં પ્રવેશ કરતા દ્રઢતાપૂર્વક કહ્યું.
હા, બોલો.
લગ્ન-વિષયક વેબ સાઇટ પર રહેલા પૂજાનાં બાયો-ડેટાએ મારું ધ્યાન ખેંચ્યું.
આવવાનું કારણ?
મને પૂજા પસંદ છે.. પાણીનો ગ્લાસ લઈને આવેલી પૂજાના ચહેરાને એની ઓનલાઇન પ્રોફાઇલ સાથે મનોમનકન્ફર્મકરતાં પ્રેમ મક્કમતાથી બોલી રહ્યો હતો, કમ્પયૂટર એન્જીનિયરીંગનું ભણું છું. મહેનતુ અને ખુદ્દાર છું. ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે.

દુનિયાદારીથી છલકાતા કિરીટભાઈએ ઔપચારિક વાતચીત પછી યુવાનમાં રસ બતાવ્યો, કહો કે પૂજા માટે પ્રેમ પસંદ આવ્યો. પ્રેમ ચમક પામી ગયો.

તમારા માતાપિતા અને દીકરી પૂજા સાથે અંગે વાત કરવી ગમશે. કિરીટભાઈ ઊભા થઈને પ્રેમને સહર્ષ ભેટતા બોલ્યા.

ધૂળ ઉડાડતા સ્કૂટર પર સવાર પ્રેમને કિરીટભાઈ ઓટલા પરથી મલકાતા ચહેરે જોઈ રહ્યા, અને પૂજા ધડકતા હૃદયે બારીમાંથી...

એન્ટીકસ્કૂટર ગલીનું નાકું વળીને મંદિર પાસે ઊભું રહ્યું. પ્રેમ સ્કૂટર પરથી નહી, અઢારમી સદીમાંથી પણ ઊતરી ગયો. નજીકમાં પાર્ક કરેલી સાડા ત્રણ કરોડની રોલ્સ-રોયસની પાછળની સીટ પર રૂઆબભેર ગોઠવાયો. ડ્રાયવરે ગાડી હંકારી મૂકી.

યાહ મોમ, શી ઇઝ ગોર્જીયસ. આઈપેડ પર વિડીઓ ચેટઓનથતાં પ્રેમ ખીલી ઊઠયો, ઈમ્પોર્ટન્ટ થીંગ ઇઝ, એમણે આપણી ધન-દોલત-સધ્ધરતાની જાણ વગર માત્ર મારી લાયકાતના આધારે મને પસંદ કર્યો. યુ કમ સુન, એમને હકીકતની જાણ કરો, અનેઓલ ઇઝ વેલકરો મોમ!

પ્રેમનોકોલપૂરો થયો, અને બીજી તરફ કિરીટભાઈનો મોબાઇલ રણકી ઊઠયો. પૂજા બિટિયા કી શાદી કે બાદ હમકો ભી વો બડી ગાડી મેં એક બાર ઘુમાઈયેગા કિરીટભાઈજી, વો કા હૈ, ગાડીવાલે સા આપકે બારેમે હમકા હી સબ પૂછત રહે થે. મંદિરની સામે આવેલી પ્રસાદની દુકાનમાંથી ભૈયાજીએ ફોન પર બડાઈ હાંક્યે રાખી.
-----------

ગુજરાત ગાર્ડિયન * અઢારમી સદીનો પ્રેમ * ૫-ઓગસ્ટ-૨૦૧૮






પ્રતિલિપિ 'થોડામાં ઘણું...' માઈક્રો-ફિક્શનસ્પર્ધા
આવો જઈએ નાનકડી કલ્પનાઓના વિશ્વમાં! પ્રતિલિપિ ગુજરાતી ટીમ આપ સર્વે વાચકો અને લેખકોને આ 'સુક્ષ્મ વાર્તાઓની સ્પર્ધા' માં ભાગ લેવા આમંત્રિત કરે છે. હા...માઈક્રો-ફિક્શન ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રખ્યાત છે. તેના અલગ-અલગ સ્વરૂપોમાં અતિસુક્ષ્મ વાર્તા (અમુક શબ્દોમાં), સુક્ષ્મ વાર્તા (અમુક વાક્યમાં) અને નાની વાર્તા (એક -બે ફકરાઓમાં) હોય છે. 
 આ થોડા શબ્દો/વાક્યોમાં ઘણુબધું કહેવાની રસપ્રદ સ્પર્ધામાં આપે પોતાની કલ્પનાને આધારે અમને વાર્તા લખી મોકલી આપી શકો છો.
 પ્રતિલિપિ ટીમ આપની મોકલેલી વાર્તાઓને નીચે મુજબ અલગ-અલગ માધ્યમથી રજૂ કરશે. 
૧) પ્રતિલિપિ પર આપની દરેક માઈક્રો-ફિક્શન વાર્તાને અમે પબ્લીશ કરીને તેને લાખો વાચકો સમક્ષ મૂકીશું. 
૨) બધી જ વાર્તાઓમાંથી શ્રેષ્ઠ વાર્તાઓને અમે સોશિયલ મીડિયા થકી વધુ લોકો સમક્ષ રજૂ કરીશું. 
૩) પ્રતિલિપિ ટીમ દ્વારા નિમાયેલ નિર્ણાયક દ્વારા પસંદગી પામેલી દરેક રીતે શ્રેષ્ઠ 15 વાર્તાઓની ઈ-બૂક બનાવીને તેને પબ્લીશ કરીશું, અને વિજેતાઓને સોફ્ટ-કોપી સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરીશું.     
 વાર્તા લખવાના નિયમો: 
૧) વાર્તા આપની જાતે લખેલી (મૌલિક રચના) હોવી ખૂબ જ જરૂરી છે. 
૨) વાર્તાની શબ્દસંખ્યા મહતમ ૫૦૦ શબ્દો સુધી મર્યાદિત છે. 


 

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...