Wednesday, 27 May 2020

Will u be my Quarantine? * किताबें सहम कर बोल पड़ी...

Will u be my Quarantine?
-----------
किताबें सहम कर बोल पड़ी,
मुझे तो सेनेटाइज़ कर लोगे,
पर मेरे अल्फ़ाज़ों का क्या करोगे?
वो तुम्हारी आंखों के ज़रिये
दिल को छू लेंगे,
दिमाग में संक्रमण कर देंगे,
तब क्या करोगे?
क्या कह पाओगे-
'Will u be my Quarantine?'
जिन हाथों को कंधो पे लिए घूमते थे
वो हाथ ऐसे बिछड़ गये जैसे
कंधा कोई अछूत हो।
वो दोस्त जो कभी
नजदीकियां बनाये रखते थे
वो सोशियल डिस्टेंसिंग का ज़रिया लेके
अब दूर रहते हैं
जैसे कह रहे हो-
'Will u be my Quarantine?'
----------------
© धर्मेश गांधी
नवसारी 27.5.20

 

Tuesday, 5 May 2020

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી... (part-5 * END)

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...
*
બ્લોક–૫ (અંત)
---^---^----^---^---
‘જાણે કે સદંતર બધું ‘બ્લોક’ થઈ જવું...’ લેપટોપના કેમેરામાંથી ડૉ. માનસીનો અવાજ ગૂંજી રહ્યો હતો, ‘મસ્તિષ્ક ધુમ્મસભર્યું લાગવું... માનસિક તાણ... આ અવસ્થા ‘રાઇટર્સ બ્લોક’ છે. આવી હાલતમાં લેખક માટે કંઈ પણ લખવું-વિચારવું જાણે કે સાવ મુશ્કેલ થઈ પડે! દરેક લેખકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવો તબક્કો આવતો જ હોય છે, ડિયર! તારો આ તબક્કો લાંબો ચાલ્યો, નિહારિકા, ખૂબ જ લાંબો...’
નિહારિકાએ પાણીનો ઘૂંટ ભર્યો.
‘સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહેલી, તારું મનોબળ તોડી નાખતી દરેક પોસ્ટ્સનો જવાબ તારે તારા લખાણથી આપવાનો છે. ત્રણ વર્ષથી આગળ નહિ વધી શકેલી તારી એ ‘સાઇકો’ નવલકથા-સિરીઝ હવે તારે આગળ વધારવાની છે, નિહારિકા...’

 
નિહારિકા સૂનમૂન બનીને ડૉ. માનસીને તાકી રહી.
‘હું સમજી શકું છું, ડિયર! ત્રણ વર્ષથી જીવાતું એકાકી જીવન કોઈપણ વ્યક્તિને...’
નિહારિકાની પાછળ એકદમ લગોલગ આવી પહોંચેલો સાઇકો સ્તબ્ધ થઈ ગયો. વિચારી રહ્યો – ‘સાઇકો’? નવલકથા? તો હું કોણ છું? શું મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી? આ... આ નિહારિકા એક લેખિકા છે? અને હું એની નવલકથાનું માત્ર એક કાલ્પનિક પાત્ર..? એ મારી સર્જનહાર? અને એનાં ‘રાઇટર્સ બ્લોક’ને કારણે જ હું આમ ત્રણ વર્ષથી પોતાની જાતને નિષ્ક્રિય અનુભવી રહ્યો હતો?
ધીમે ધીમે નિહારિકાએ સ્વસ્થતા મેળવવા માંડી. એણે ડાયરી ખોલી. ફાઉન્ટન પેન ઉપાડી. મોટેથી બોલી, ‘મનને વિચલિત કરી દે એ દરેક બાબતોને હવે હું એ અવગણીશ. મારી આ એકલતા એ અવરોધ નહિ, આઝાદી છે... સર્જન માટેની આઝાદી!’ ધીમેં ધીમે ડાયરીના કોરા કાગળો ઉપર કાળી સ્યાહીના લસરકા પડવા માંડ્યા; શબ્દો ફૂટવા માંડ્યા... ને ધુમ્મસ વિખેરાતું ગયું.
સાઇકોએ ફરી એક વખત પોતાની જાતને કાચના કબાટમાં રહેલા પુસ્તકોની ઓથે મેળવી. ફરી એક વખત એણે માથું ઊંચક્યું. ખંજરવાળો એનો હાથ સખતાઈથી ઊંચકાયો. એ મક્કમ કદમે આગળ વધ્યો અને કમરાનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો, નવા શિકારની શોધમાં... કતલ કરવાની કોઈક અનોખી રીત લઈને...
દસમે દિવસે સોશિયલ મીડિયા ફરી એક વાર ધમધમી ઊઠ્યું – ‘સીરીયલ કિલર ‘સાઇકો’ ઇઝ બેક...’ -વાંચો બેસ્ટસેલર લેખિકા નિહારિકાની કલમે...
***સમાપ્ત***
---^---^----^---
© ધર્મેશ ગાંધી (નવસારી)
---^---^---^----
(મારી આ નવલિકા ‘વાર્તાસૃષ્ટિ’ સામયિકના અંક ‘એપ્રિલ-૨૦૧૯’માં પ્રકાશિત થઈ ચૂકી છે.)
---^---^---^----^---
【Facebook - પ્રકરણ લિંક-】
બ્લોક-૧
----------

Monday, 4 May 2020

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી... (part-4)

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...
---*---*---
બ્લોક–૪
---^---^---
એને વેદનાથી બૂમો પાડવાનું મન થઈ આવ્યું – હા, મને નફરત છે, મારા પિતા પ્રત્યે પણ... એની નજર સામે પિતાનો કમજોર પડી ચૂકેલો, હિંમત હારી ગયેલો ચહેરો તરવરી ઊઠ્યો. નાસીપાસ થઈ ચૂકેલા પિતાનો પંખા સાથે લટકતો લાચાર મૃતદેહ એ ક્યારેય ભૂલી શકે એમ ન હતો!
એણે જોયું, નિહારિકાએ ફરી પાછા ડાયરી-પેન બાજુએ હડસેલી દીધાં છે. માથે હાથ દઈને બેઠેલી નિહારિકા જાણે કે સાઇકોને અકળાવી રહી હતી. નિહારીકાએ પોતાના સૂકા હોઠ ઉપર જીભ ફેરવી. બરછટ થઈ રહેલા ગળા ઉપર હાથ ફેરવ્યો. સૂકી ખાંસી ખાધી. ઓચિંતી જ એ ઊભી થઈ ગઈ. ફરી એક વાર ફ્રીઝમાંથી કાચની એ બોટલ ખેંચી કાઢી જેનથી એની તરસ મટી શકે એમ હતી. બોટલમાં રહેલા લાલ દ્રવ્યને જોઈને એનાં હોઠ કંપવા લાગ્યા. હૃદય થડકારો અનુભવી રહ્યું. રક્ત જેવી રતાશમાં એ પોતે જ ડૂબી રહી હોવાનું અનુભવી રહી. એણે સખતાઈથી બંને આંખો મીંચી દીધી. થોડા દિવસોથી જ તો આ વમળમાંથી છૂટીને એ બહાર ફંગોળાઈ હતી. હવે ફરી એ જ લાલાશમાં કેદ થવાનું..?
નિહારિકાએ દાંત કચકચાવ્યા. મુઠ્ઠી ભીંસી. આખરે સામેની દીવાલ તરફ એ આખરી બોટલનો પણ ઘા કરી દીધો. બીજી જ ક્ષણે ટુકડાઓમાં વિભાજીત થઈ ગયેલી કાચની બોટલ તથા લાલ પ્રવાહીના રેલાથી આખી દીવાલ જાણે કે લોહિયાળ બની ઊઠી. એની નજર સમક્ષ દીવાલ ઉપરથી નીતરતા તાજા લોહીના રેલા તરવરી ઊઠ્યા... લાલચટક લોહીના એ રેલામાં કપાળે બંને હાથ દાબીને ફસડાઈ પડેલી નિહારિકા એની સમક્ષ તરવરી ઊઠી. અને એ લોહિયાળ દીવાલ સાથે એને પોતાને પણ લોહી નીગળતી હાલતમાં સદાને માટે છોડીને જઈ ચૂકેલા પતિના પગલાં એની નજર સામે તરવરી ઊઠ્યા...
અતીતમાં ગડથોલાં ખાઈને પાછી ફરેલી નિહારિકાએ સ્વસ્થ થઈને લેપટોપ ખોલ્યું અને વિડિયો-ચેટ ‘ઓન’ કર્યું...

 
‘આ નિષ્ક્રિયતા એ ફક્ત એક ‘ટેમ્પરરી’ અવસ્થા છે, નિહારિકા...’ સામેથી અવાજ આવ્યો.
નિહારિકા માથે હાથ દઈને સાંભળતી રહી.
‘જાણે કે સદંતર બધું ‘બ્લોક’ થઈ જવું...’ લેપટોપના કેમેરામાંથી ડૉ. માનસીનો અવાજ ગૂંજી રહ્યો હતો, ‘મસ્તિષ્ક ધુમ્મસભર્યું લાગવું... માનસિક તાણ અનુભવાવો... આ અવસ્થા ‘રાઇટર્સ બ્લોક’ છે. આવી હાલતમાં લેખક માટે કંઈ પણ લખવું-વિચારવું જાણે કે સાવ મુશ્કેલ થઈ પડે! દરેક લેખકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવો તબક્કો આવતો જ હોય છે, ડિયર! તારો આ તબક્કો લાંબો ચાલ્યો, નિહારિકા, ખૂબ જ લાંબો...’
---^---^---
(ક્રમશઃ)
© ધર્મેશ ગાંધી
--^---^---^----^---

Sunday, 3 May 2020

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી... (part-3)

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...

---*---*--
બ્લોક–૩
---^---^---
સોશિયલ મીડિયા ઉપર ‘વાઇરલ’ થઈ રહેલી અનેક પોસ્ટ્સ એના દિમાગમાં ઘૂમરાઇ રહી હતી - ‘‘સાઇકો’ ઇઝ નો મોર..! ત્રણ વર્ષ પહેલાં હાહાકાર મચાવી દેનાર ‘સીરીયલ કિલર’ અન્ડરગ્રાઉન્ડ...’ એ પોતાના અસ્તિત્વ ઉપર બેહદ શરમ અનુભવવા માંડ્યો...
નિહારિકા સોફા ઉપરથી ઊભી થઈ. વિન્ડો પાસે મૂકેલી એક રિવોલ્વિંગ-ચેર ઉપર બેઠી. ડેસ્ક ઉપર અસ્તવ્યસ્ત પડેલાં ડાયરી-પેન ઊઠાવ્યાં. એની પીઠ પાછળ દબાતે પગલે આવી રહેલા સાઇકોએ પોતાના મનને મક્કમ કરતાં કહ્યું, ‘યેસ્સ, આઇ કેન ડુ ઇટ... આઇ કેન કિલ...’ થીજી ગયેલી કાર્યક્ષમતાને એ ઢંઢોળવા માંડ્યો.
ઓચિંતી જ એને અપેક્ષા યાદ આવી ગઈ... એ નર્મદાના પુલ ઉપર ઊભી હતી. ચાંદની રાતમાં ઝળહળતી રોશની વચ્ચે અવરજવર નહિવત હતી. ને અચાનક...
‘શું કરે છે, પાગલ છોકરી?’ વહેતાં પાણી તરફ ઝૂકી રહેલાં એનાં શરીરને પોતાના મજબૂત હાથો વડે કઠેરા ઉપરથી ખેંચી નાખી હતી.

 
‘છોડી દો મને... મારે આવી દોજખ જેવી જિંદગી નથી જીવવી!’ અપેક્ષા રડી પડી હતી.
વર્ષોના અનુભવ પરથી પોતે તો સમજી જ ગયો હતો કે જુવાન છોકરીઓના આપઘાત કરવાના શા કારણો હોઈ શકે! પ્રેમીએ દગો દીધો... પરીક્ષામાં નિષ્ફળ રહી... ઘરમાં માતા-પિતાએ ઠપકો આપ્યો...
એણે અપેક્ષાને ખૂબ સમજાવી હતી. પ્રેરણાત્મક પાઠ ભણાવ્યા હતા. આખરે એ માની ગઈ અને ઘેર જતી રહી. પરંતુ, થોડા દિવસોથી પોતે જયારે એની હિલચાલ ઉપર નજર રાખી રહ્યો હતો ત્યારે એને જાણવા મળ્યું કે એ છોકરી હજી હતાશામાં જ ડૂબેલી છે. સાવ નાસીપાસ થઈ ચૂકેલી... જિંદગીથી કંટાળેલી, થાકેલી, હારેલી... આખરે એક દિવસ લાગ જોઈને એ અપેક્ષાના ઘરમાં ઘૂસી ગયો. એકાંતનો ફાયદો ઊઠાવીને એને એનાં જ ઘરના પંખા સાથે લટકાવી દીધી... એને અપેક્ષાની સાથે સાથે યામિની, તૃપ્તિ, શીતલ - બધી જ છોકરીઓ યાદ આવવા માંડી; બધી જ હતાશ છોકરીઓ...
જીવનમાં નાની-મોટી તકલીફોથી ગભરાઈ જઈને હિંમત ખોઈ બેસનારાઓ પ્રત્યે મને ધૃણા છે, એ મનોમન બબડ્યો, હતાશાથી હાંફી જઈને હકારાત્મક વલણ નહિ અપનાવનારાઓ પ્રત્યે મને ભારોભાર અણગમો છે. નિષ્ફળતાથી નાસીપાસ થઈને આત્મહત્યા કરનારાઓ પ્રત્યે તો સખત નફરત છે. ઊંડો શ્વાસ ફેફસામાં ભરીને એને જાણે કે વેદનાથી બૂમો પાડવાનું મન થઈ આવ્યું – હા, મને નફરત છે, મારા પિતા પ્રત્યે પણ... એની નજર સામે પિતાનો કમજોર પડી ચૂકેલો, હિંમત હારી ગયેલો ચહેરો તરવરી ઊઠ્યો. નાસીપાસ થઈ ચૂકેલા પિતાનો પંખા સાથે લટકતો લાચાર મૃતદેહ એ ક્યારેય ભૂલી શકે એમ ન હતો!
---^---^---
(ક્રમશઃ)
© ધર્મેશ ગાંધી
--^---^---^----^---

Saturday, 2 May 2020

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી... (part-2)

 

【'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...
---*---*---
બ્લોક–૨
---^---^----
પારદર્શક બોટલની અંદરના લાલ પ્રવાહીને નિહારિકા એકીટશે તાકી રહી. એની આંખોમાં રતાશ તરી આવી. માથાને એક હળવો ઝાટકો મારીને એણે બોટલ ફરીથી ફ્રીઝમાં ગોઠવી દીધી. હવે નહિ... ક્યારેય નહિ! ફેફસામાં લથડિયા ખાઈ રહેલો શ્વાસ એણે કમરાની બંધિયાર હવામાં મુક્ત કર્યો.
કાચના કબાટમાં ખડકાયેલા ઢગલેબંધ પુસ્તકોની ઓથેથી સાઇકોએ અનુમાન લગાવ્યું કે નિહારિકા એની હાજરીથી તદ્દન અજાણ છે. એ તો જાણે કે પોતાની જ કોઈક દ્વિધામાં ડૂબેલી હતી. દ્વિધા? હા, દ્વિધામાં તો એ પોતે હતો. લાંબા અરસાથી એક નવી તરેહના કતલ માટે એ મરણીયા પ્રયાસો કરી રહ્યો હતો. પણ દરેક અવસર કતલ વગરનો પસાર થઈ જતો. એનું મનોબળ સાવ જ મરી પરવાર્યું હતું. એણે મન મક્કમ કર્યું, આજે તો પોતાની સક્રિયતા પૂરવાર કરવી જ છે. ત્રણ-ત્રણ વર્ષની નિષ્ક્રિયતાએ એને અંદરથી તોડી નાખ્યો હતો. એણે ક્ષણિક સેલ્ફ-એનાલીસીસ કર્યું. ઝીણી-ઝીણી બાબતોને નાહકની ઊંડાણમાં અનુસરવામાં, પોતાના કામમાં વધુ પડતાં પરફેક્શનની બળવત્તર થતી જતી ઘેલછામાં એનું કામ બિલકુલ સ્થગિત થઈ ચૂક્યું હતું. હંમેશા કંઈક નવી રીતથી કતલ કરવાના અભરખાથી એના હાથને જાણે કે લકવો મારી ગયો હતો.

 
પોતાની જાતને છૂપાવી રાખીને એણે હળવે રહીને તિરાડમાંથી જોયું. નિહારિકાના શરીર ઉપરથી અળગું થઈ રહેલું ટી-શર્ટ એક અજીબ પ્રકારની ખુમારી ફેલાવી રહ્યું હતું. એણે એકીટશે જોયા કર્યું. સોફા ઉપર બેપરવાઈથી ફંગોળાયેલું મદમસ્ત શરીર થોડી ક્ષણો સુધી ખામોશ રહ્યું. ડાબા હાથ વડે નિહારિકા પોતાનું કપાળ દબાવી રહી હતી. સૂતાં-સૂતાં જ ટેબલનું ખાનું ખોલીને એમાંથી અમુક ટેબ્લેટ્સ કાઢીને મોંમાં મૂકી. આંખો બંધ કરીને એ સવાસનની મુદ્રામાં પડી રહી.
સાઇકો ધીમે પગલે સક્રિય થવા માટે આગળ વધ્યો. આજે મનસૂબો ઘડાઈ ચૂક્યો હતો. પોતાનામાંથી જ પ્રેરણા લઈને આજે તો કોઈપણ સંજોગોમાં કતલ કરવું, નવી શરૂઆત કરવી. લોકોમાં પોતાનો ખોફ ફરીથી જાગ્રત કરવો. અગાઉ પોતે ક્યારેય આવી વિકટ માનસિક તાણ નહોતી અનુભવી. નિરાશાની ગર્તામાં સરી પડેલાં લોકોને તો એ પોતે જ ધિક્કારતો હતો. પરંતુ, છેલ્લા કેટલાંક વખતથી એ ખુદ હતાશ થઈ ગયો હતો! કતલ કરવા અગાઉ હંમેશા એ મનોમન બબડતો, ‘જેને જિંદગી પ્યારી નથી, એ વ્યક્તિ મને પ્યારી નથી!’ સખતાઈથી એનો હાથ ખંજર સાથે ઉંચે ઊઠતો. એક જીવલેણ ઘા અને શિકારના ગરમ લોહીની ધાર ઉડાડતો એ ઝૂમી ઊઠતો. પરંતુ, અત્યારે... સોશિયલ મીડિયા ઉપર ‘વાઇરલ’ થઈ રહેલી અનેક પોસ્ટ્સ એના દિમાગમાં ઘૂમરાઇ રહી હતી - ‘‘સાઇકો’ ઇઝ નો મોર..! ત્રણ વર્ષ પહેલાં હાહાકાર મચાવી દેનાર ‘સીરીયલ કિલર’ અન્ડરગ્રાઉન્ડ...’ એ પોતાના અસ્તિત્વ ઉપર બેહદ શરમ અનુભવવા માંડ્યો...
----^-----^----
(ક્રમશઃ)
©ધર્મેશ ગાંધી
--^---^---^----^---

Friday, 1 May 2020

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી... (part-1)

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...
પાંચ પ્રકરણોમાં આપની સમક્ષ રજૂ કરું છું.
---*---*---
બ્લોક–૧
---^----^---
જાણે કે સદંતર બધું ‘બ્લોક’ થઈ ગયું હતું. મસ્તિષ્ક સંપૂર્ણપણે ધુમ્મસભર્યું... મન તો જરાયે એકાગ્ર થઈ શકતું ન હતું. સતત માનસિક તાણ અનુભવાઈ રહી હતી. નવા વિચારોને પણ ન તો સ્પષ્ટપણે કોઈ દિશા સાંપડી રહી હતી, ન કોઈ વેગ... આત્મસ્ફૂરણા તો જાણે કે સાવ જ મૃતઃપાય થઈ ચૂકી હતી!
લાંબા અરસાની નિષ્ક્રિય અવસ્થાએ એને અકળાવી મૂક્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં કેટલાંય પ્રયત્નો કરી જોયા, પણ... દરેક વખતે... શિકાર સામે ઊભો હોય, પોતાના હાથમાં ધારદાર ખંજર હોય, એકાંત પણ એ હદની તરફેણમાં હોય કે ન તો કોઈ ચીસ સાંભળી શકે કે ન તો કતલની કોઈ સાબિતી રહે. આમ છતાં, ખંજરવાળો હાથ એ ઉગામે એ પહેલા ઓચિંતું જ શરીર ધ્રૂજી ઊઠતું. પોતે જાણે કે રેતીનું પૂતળું હોય એમ એક પછી એક કાંકરીઓ ખરવા માંડતી, ને મિનિટોમાં તો કકડભૂસ... ફરી પાછી એ જ નિષ્ક્રિયતા છવાઈ જતી. ઊંડો અફસોસ એને એ વાતનો હતો કે એક જમાનામાં એના નામનો ભય સર્વત્ર ફેલાયેલો રહેતો હતો. એની નિષ્ઠુરતાએ લોકોમાં ‘સીરીયલ કિલર’ તરીકેનો ખોફ કાયમ કર્યો હતો. અપરાધ જગતના માંધાતાઓ દ્વારા એને ‘સાઇકો’નું બિરુદ આપવામાં આવ્યું હતું. પણ આજે... આજે એ અનુભવી રહ્યો હતો કે ‘સાઇકો’ તરીકેનું એ બિરુદ સંપૂર્ણ પ્રતિષ્ઠા ગુમાવી ચૂક્યું હતું!

 
સમસમી ઊઠેલી એની તીક્ષ્ણ નજર ઘરના એકાંતમાં ફરી વળી. બાજ જેવી આંખો ઝાંખી પડી ચૂકેલી રોશનીનું નિરીક્ષણ કરવા માંડી. ‘ખટ...’ના અવાજે એનું ધ્યાન ઘરના મુખ્ય દરવાજા તરફ દોર્યું. દરવાજાનો લેચ અંદરથી ફરી રહ્યો હતો. ખભે પર્સ અને આંખે કાળા ગોગલ્સ ચઢાવેલી એક યુવતી ઘરમાં પ્રવેશી. એનો ઉતરેલો ચહેરો અને થાકની ચાડી ખાતું શરીર ઉપરથી નીચે સુધી તાકતા સાઇકોએ ખંજરની ધાર ઉપર પોતાની આંગળી ફેરવી; ધીમો ગણગણાટ કર્યો, ‘નિહારિકા... યોર ટાઇમ ઇઝ અપ.’
‘ઓકે, ડિયર... ટેબ્લેટ્સ લઈ લઈશ!’ કાન અને ખભા વચ્ચે દબાવેલા સ્માર્ટફોનમાં નિહારિકા બોલી રહી હતી, ‘હા બાબા... હમણાં જ લઉં છું, ઓકે?’
ઘરમાં પ્રવેશીને નિહારિકાએ ફ્રીઝ ઉઘાડ્યું. ઠંડા પાણીની બોટલ મોંએ માંડી. અડધી બોટલ ગટગટાવી જવા છતાં ગળું હજી સૂકાઈ રહ્યું હતું. એણે એક જ ઝાટકે અન્ય એક બોટલ ખેંચી કાઢી. બોટલને આંખો સામે ધરીને એ સ્થિર ઊભી રહી ગઈ. હૃદય તેજીથી ધડકી ઊઠ્યું. પારદર્શક બોટલની અંદરના લાલ પ્રવાહીને એ એકીટશે તાકી રહી. ધીમે ધીમે એણે હોઠ ઉપર જીભ ફેરવી. સૂકાઈ રહેલા ગળા નીચે થૂંક ઉતાર્યું. ફેફસામાં ઊંડો શ્વાસ ભર્યો. બોટલમાં હિલોળા લઈ રહેલા પ્રવાહીની રક્ત જેવી રતાશ એની આંખોમાં તરી આવી...
---^-----^----
(ક્રમશઃ)
©ધર્મેશ ગાંધી
--^---^---^----^---
【પ્રકરણ લિંક-】
બ્લોક-૧
----------

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...