Monday, 27 May 2019

FB uploads #DGfiction


'મત્સ્યા'
ચિત્રકાર / મિત્ર - નિરંજનગીરી ગૌસ્વામી..





Tuesday, 7 May 2019

બ્લોક (વાર્તાસૃષ્ટિ એપ્રિલ-૨૦૧૯)

બ્લોક
-----
     જાણે કે સદંતર બધું બ્લોકથઈ ગયું હતું. મસ્તિષ્ક સંપૂર્ણપણે ધુમ્મસભર્યું... મન તો જરાયે એકાગ્ર થઈ શકતું ન હતું. અને સતત માનસિક તાણ અનુભવાઈ રહી હતી. નવા વિચારોને પણ ન તો સ્પષ્ટપણે કોઈ દિશા સાંપડી રહી હતી, ન કોઈ વેગ... આત્મસ્ફૂરણા તો જાણે કે સાવ જ મૃતઃપાય થઈ ચૂકી હતી!
લાંબા અરસાની આ નિષ્ક્રિય અવસ્થા એને અકળાવી રહી હતી. છેલ્લાં ત્રણ વર્ષમાં તો એણે કેટલાંય પ્રયત્નો કરી જોયા, પણ... દરેક વખતે શિકાર સામે ઊભો હોય, પોતાના હાથમાં ધારદાર ખંજર હોય, એકાંત પણ એ હદની તરફેણમાં હોય કે ન તો કોઈ ચીસ સાંભળી શકે કે ન તો કતલની કોઈ સાબિતી છૂટે. આમ છતાં, ખંજરવાળો પોતાનો હાથ એ ઉગામે એ પહેલા તો એકાએક જ ધ્રૂજી ઊઠતો. પોતે જાણે કે રેતીનું પૂતળું હોય એમ ધીમે-ધીમે એક પછી એક કાંકરીઓ ખરવા માંડતી, ને મિનિટોમાં તો કકડભૂસ... અને ફરી પાછી એ જ નિષ્ક્રિયતા છવાઈ જતી. ઊંડો અફસોસ તો એને એ વાતનો હતો કે એનો પણ એક જમાનો હતો કે જયારે પોતાના જેવા નિર્દયસીરીયલ કીલરને લોકો દ્વારા સાઇકોનું ખોફનાક બિરુદ આપવામાં આવ્યું હતું. આજે એ બિરુદ પોતાની સંપૂર્ણ પ્રતિષ્ઠા ગુમાવી ચૂક્યું હતું!
એની તીક્ષ્ણ નજર ઘરના એકાંતમાં ફરી વળી. બાજ જેવી આંખોએ ઝાંખી થઈ ચૂકેલી રોશનીનું નિરીક્ષણ કરવા માંડ્યું. એણે જોયું કે ઘરના મુખ્ય દરવાજાનો લેચ ફરી રહ્યો હતો. બહારથી કોઈક ચાવી ઘૂમાવી રહ્યું હતું. બીજી જ ક્ષણે નિહારિકાએ દરવાજો હડસેલીને ઘરમાં પ્રવેશ કર્યો. ખભે લેડીઝ-પર્સ અને આંખે કાળા ગોગલ્સ... ઉતરેલો ચહેરો અને થાકની ચાડી ખાતું શરીર...
ઓકે, ડિયર... ટેબ્લેટ્સ લઈ લઈશ!’ કાન અને ખભા વચ્ચે દબાવેલા સ્માર્ટફોનમાં નિહારિકા બોલી રહી હતી, ‘હા બાબા... હમણાં જ લઉં છું, ઓકે?’
ઘરમાં પ્રવેશતાં જ નિહારિકાએ ફ્રીઝમાં મૂકેલ પાણીની બોટલ ઊઠાવીને મોંએ માંડી. અડધી બોટલ ગટગટાવી જઈને પણ એને પોતાનું ગળું સૂકાઈ રહ્યું હોવાનું મહેસૂસ થયું. તરસ છીપાવવા માટે એણે એક જ ઝાટકે અન્ય એક બોટલ ખેંચી કાઢી. બોટલને આંખો સામે ધરીને એ સ્થિર ઊભી રહી ગઈ. એનું હૃદય તેજીથી ધડકી ઊઠ્યું. કાચની પારદર્શક બોટલની અંદર કેદ થયેલા લાલ પ્રવાહીને એ એકીટશે તાકી રહી. હોઠ ઉપર જીભ ફેરવી. સૂકાઈ રહેલું થૂંક ગળા નીચે ઉતાર્યું. સજ્જડરીતે પોતાની આંખો મીંચી દીધી. ફેફસામાં ઊંડો શ્વાસ ભર્યો. માથાને એક હળવો ઝાટકો માર્યો. અને બોટલ ફરી એની જગ્યાએ ગોઠવી દીધી. મનોમન બોલી, ‘હવે નહિ... ક્યારેય નહિ!’
કાચના કબાટમાં ખડકાયેલા ઢગલેબંધ પુસ્તકોની ઓથેથી સાઇકોએ જોયું કે પોતાની હાજરીથી નિહારિકા તદ્દન અજાણ છે. પોતાની તરફ એનું લગીરે ધ્યાન નથી. એ તો જાણે કે પોતાનામાં જ ડૂબેલી હતી! જોકે આ કંઈ આજની વાત તો હતી નહિ. લાંબા અરસાથી એ પોતે એક નવી તરેહના કતલ માટેના મરણીયા પ્રયાસો કરતો આવ્યો હતો. પણ દરેક અવસર કતલ વગરનો પસાર થઈ જતો... નિરાશામાં પલટાઈ જતો... એનું મનોબળ સાવ જ મરી પરવાર્યું હતું. સાઇકોએ મન મક્કમ કર્યું, આજે તો પોતાની સક્રિયતા પૂરવાર કરવી જ છે! ત્રણ-ત્રણ વર્ષની નિષ્ક્રિયતાએ એને અંદરથી તોડી નાખ્યો હતો. ઝીણી-ઝીણી બાબતોને નાહકની ઊંડાણમાં અનુસરવામાં, પોતાના કામમાં વધુ પડતાં પરફેક્શનની બળવત્તર થતી જતી ઘેલછામાં એનું કામ બિલકુલ સ્થગિત થઈ ચૂક્યું હતું. હંમેશા કંઈક નવી રીતથી કતલ કરવાના અભરખાથી એના હાથમાં જાણે કે લકવો પેસી ગયો હતો.
પોતાની જાતને છૂપાવતા એણે હળવે રહીને તિરાડમાંથી જોયું... નિહારિકાએ પોતાનું ટી-શર્ટ કાઢીને એક ખૂણામાં ફંગોળી દીધું. ખભે લટકતા પર્સનો ટેબલ ઉપર ઘા કર્યો, અને સોફા ઉપર પોતાના શરીરને બેપરવાઈથી પડતું મૂક્યું. ડાબા હાથ વડે એણે પોતાનું કપાળ દબાવ્યું. સૂતાં-સૂતાં જ ટેબલનું ખાનું ખોલીને એમાંથી અમુક ટેબ્લેટ્સ કાઢીને મોંમાં મૂકી. પાણીના ઘૂંટડા સાથે ટેબ્લેટ્સને એક શ્વાસે ગળા નીચે ઉતારી દીધી. પછી આંખો બંધ કરીને કોઈપણ પ્રકારના હલનચલન વગર એ પડી રહી, જાણે કે યોગના એક પ્રકાર સવાસનની અવસ્થા...
સાઇકો ધીમે પગલે આગળ વધ્યો. આજે એણે મનસૂબો ઘડી જ નાખ્યો હતો. પોતાનામાંથી જ પ્રેરણા લઈને આજે તો કોઈપણ સંજોગોમાં કતલ કરવું, નવી શરૂઆત કરવી. લોકોમાં પોતાનો ખોફ ફરીથી જાગ્રત કરવો. અગાઉ પોતે ક્યારેય આવી વિકટ માનસિક તાણ નહોતી અનુભવી. નિરાશાની ગર્તામાં સરી પડેલાં લોકોને તો એ પોતે જ ધિક્કારતો હતો. પરંતુ, છેલ્લા કેટલાંક વખતથી એ ખુદ હતાશ થઈ ગયો હતો! કતલ કરવા અગાઉ હંમેશા એ મનોમન બબડતો - ‘જેને જિંદગી પ્યારી નથી, એ વ્યક્તિ મને પ્યારી નથી...’ -ને સખતાઈથી એનો હાથ ખંજર સાથે ઉંચે ઊઠતો. એક જીવલેણ ઘા અને શિકારના ગરમ લોહીની ધાર ઉડાડતો એ ઝૂમી ઊઠતો. પરંતુ, અત્યારે... સોશિયલ મીડિયા ઉપર વાઇરલથઈ રહેલી પોસ્ટ્સ એના દિમાગમાં ઘૂમરાઇ રહી હતી - ‘ત્રણ વર્ષ પહેલાં હાહાકાર મચાવી દેનાર સીરીયલ કીલરની સદંતર નિષ્ક્રિયતા... ‘સાઇકો ઇઝ નો મોર નાવ...’ અને એ પોતાના અસ્તિત્વ ઉપર બેહદ શરમ અનુભવવા માંડ્યો...
એણે જોયું... નિહારિકા સોફા ઉપરથી ઊભી થઈ. વિન્ડો પાસે મૂકેલી એક રિવોલ્વિંગ-ચેર ઉપર બેઠી. ડેસ્ક ઉપર અસ્તવ્યસ્ત પડેલાં ડાયરી-પેન ઊઠાવ્યાં. એની પીઠ પાછળ દબાતે પગલે આવી રહેલા સાઇકોએ પોતાની થીજી ગયેલી કાર્યક્ષમતાને ઢંઢોળવી હતી...
એને અપેક્ષા યાદ આવી ગઈ...
અપેક્ષા નર્મદાના પુલ ઉપર ઊભી હતી. ચાંદની રાતમાં ઝળહળતી કૃત્રિમ રોશની વચ્ચે અવરજવર લગભગ નહિવત હતી. ને અચાનક...
શું કરે છે, પાગલ છોકરી?’ વહેતાં પાણી તરફ ઝૂકી રહેલાં એનાં શરીરને પોતાના મજબૂત હાથથી ઝાલીને એને પુલના કઠેરા ઉપરથી ખેંચી નાખી હતી.
છોડી દો મને... મારે આવી દોજખ જેવી જિંદગી નથી જીવવી!’ અપેક્ષા રડી પડી હતી.
વર્ષોના અનુભવ પરથી પોતે તો સમજી જ ગયો હતો કે જુવાન છોકરીઓના આપઘાત કરવાના શા-શા કારણો હોઈ શકે! પ્રેમીએ દગો દીધો... પરીક્ષામાં ફેઇલથઈ... ઘરમાં માતા-પિતાએ ઠપકો આપ્યો... કે એવું જ કોઈક ફાલતૂ કારણ!
તોયે એણે અપેક્ષાને ખૂબ સમજાવી હતી. પ્રેરણાના પાઠ ભણાવ્યા હતા. અને આખરે એ માની પણ ગઈ અને પોતાના ઘેર જતી રહી હતી. પરંતુ, થોડા દિવસોથી પોતે જયારે એની હિલચાલ ઉપર નજર રાખી રહ્યો હતો ત્યારે એને જાણવા મળ્યું હતું કે એ છોકરી તો હજી હતાશામાં જ ડૂબેલી છે. તદ્દન નાસીપાસ થઈ ચૂકેલી... જિંદગીથી કંટાળેલી, થાકેલી, હારેલી... આખરે એક દિવસ પોતે લાગ જોઈને અપેક્ષાના ઘરમાં ઘૂસી, એકાંતનો ફાયદો ઊઠાવીને એને એનાં જ ઘરના પંખા સાથે લટકાવી દીધી હતી...
એને અપેક્ષા યાદ આવી ગઈ... અને અપેક્ષા જ શું કામ... યામિની, તૃપ્તિ, શીતલ... બધી જ છોકરીઓ વારાફરતી યાદ આવી!
જીવનમાં નાની-મોટી તકલીફોથી ગભરાઈ જઈને હિંમત ખોઈ બેસનારાઓ પ્રત્યે એને ધ્રુણા થતી. હતાશાથી હાંફી જઈને હકારાત્મક વલણ નહિ અપનાવનારાઓ પ્રત્યે એને ભારોભાર અણગમો હતો. નિષ્ફળતાથી નાસીપાસ થઈને આત્મહત્યા કરનારાઓ પ્રત્યે એને સખત નફરત હતી.
પોતાના પિતા પ્રત્યે પણ એને એવી જ નફરત હતી... એની નજર સમક્ષ પિતાનો લબડી પડેલો, હિંમત હારી ચૂકેલો ચહેરો તરવરી ઊઠ્યો. કમજોર પડી ગયેલા, નાસીપાસ થઈ ચૂકેલા પિતાના પંખાએ લટકતા લાચાર મૃતદેહને એ ક્યારેય ભૂલાવી શકે એમ ન હતો!
એણે જોયું... નિહારિકા ફરી પાછી ડાયરી-પેન બાજુએ હડસેલીને માથે હાથ દઈને બેઠી છે. એણે પોતાના સૂકા હોઠ ઉપર જીભ ફેરવી. બરછટ થઈ રહેલા ગળા ઉપર હાથ ફેરવ્યો. સૂકી ખાંસી ખાધી. ઓચિંતી જ એ ઊભી થઈ. ફરી એક વાર ફ્રીઝમાંથી કાચની પારદર્શક બોટલ ખેંચી કાઢી જે એની તરસ છીપાવી શકે એમ હતી. એણે બોટલમાં રહેલા લાલ દ્રવ્યને એકીટશે જોયા કર્યું. એનાં હોઠ કંપવા લાગ્યા. હૃદય થડકારો અનુભવી રહ્યું. એ લાલ પ્રવાહીમાં પોતે જ ડૂબી રહી હોવાનું અનુભવી રહી. એણે સખતાઈથી બંને આંખો મીંચી દીધી. થોડા દિવસોથી જ તો આ વમળમાંથી છૂટીને એ બહાર ફંગોળાઈ હતી, અને હવે ફરી પાછું એ લાલાશમાં કેદ થવાનું..?
એણે દાંત કચકચાવ્યા. મુઠ્ઠી ભીંસી. આખરે સામેની દીવાલ તરફ એ આખરી બોટલનો પણ ઘા કરી દીધો. બીજી જ ક્ષણે ટુકડાઓમાં વિભાજીત થઈ ગયેલી કાચની બોટલ તથા લાલ પ્રવાહીના રેલાથી આખી દીવાલ લોહિયાળ બની ઊઠી. એની નજર સમક્ષ દીવાલ ઉપરથી નીતરતા તાજા લોહીના રેલા તરવરી ઊઠ્યા... લાલચટક લોહીના એ રેલામાં કપાળે બંને હાથ દાબીને ફસડાઈ પડેલી એ પોતે પણ એની નજર સમક્ષ તરવરી ઊઠી.... અને એ લોહિયાળ દીવાલ સાથે પોતાને પણ લોહી નીતરતી હાલતમાં કાયમ માટે છોડીને જઈ ચૂકેલા પતિના પગલાં એની નજર સમક્ષ તરવરી ઊઠ્યા...
નિહારિકાએ સ્વસ્થ થઈ લેપટોપ ખોલ્યું અને વિડિઓ-ચેટ ઓન કર્યું...
આ નિષ્ક્રિયતા એ ફક્ત એક ટેમ્પરરીઅવસ્થા છે, નિહારિકા...’ સામેથી અવાજ આવ્યો.
નિહારિકા માથે હાથ દઈને સાંભળી રહી.
જાણે કે સદંતર બધું બ્લોકથઈ જવું...’ લેપટોપના કેમેરામાંથી ડૉ. માનસીનો અવાજ ગૂંજી રહ્યો હતો, ‘મસ્તિષ્ક ધુમ્મસભર્યું... માનસિક તાણ... આ અવસ્થા રાઇટર્સ બ્લોક છે... લેખક માટે કંઈ પણ લખવું-વિચારવું મુશ્કેલ થઈ પડે! અને દરેક લેખકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવો તબક્કો આવતો જ હોય છે, ડિયર! હા, તારો આ તબક્કો લાંબો ચાલ્યો, ખૂબ જ લાંબો...’
નિહારિકાએ પાણીનો ઘૂંટ ભર્યો.
સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહેલી, તારું મનોબળ તોડી નાખતી દરેક પોસ્ટ્સનો જવાબ તારે તારા લખાણથી આપવાનો છે. ત્રણ વર્ષથી આગળ નહિ વધી શકેલી તારી એ સાઇકોનવલકથા-સિરીઝ હવે તારે આગળ વધારવાની છે, નિહારિકા...’
નિહારિકા સૂનમૂન બનીને ડૉ. માનસીને તાકી રહી.
હું સમજી શકું છું, ડિયર! ત્રણ વર્ષથી જીવાતું એકાકી જીવન કોઈપણ વ્યક્તિને...’
નિહારિકાની પાછળ એકદમ લગોલગ આવી પહોંચેલો સાઇકો સ્તબ્ધ બની વિચારી રહ્યો... તો શું મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી? હું નિહારિકાની નવલકથાનું માત્ર એક કાલ્પનિક પાત્ર છું? અને મારી સર્જનહારનાં રાઇટર્સ બ્લોકને કારણે જ હું...
ધીમે-ધીમે નિહારિકાએ સ્વસ્થતા મેળવવા માંડી. એણે ડાયરી ખોલી. ફાઉન્ટન પેન ઉપાડી. મનને વિચલિત કરી દેતી બાબતોને હવે એ અવગણતા શીખી ગઈ હતી. પોતાની એકલતાને અવરોધ નહિ, આઝાદી તરીકે સ્વીકારીને સફેદ કાગળ ઉપર કાળી સ્યાહીના લસરકા પડવા માંડ્યા, શબ્દો ફૂટવા માંડ્યા, ને ધુમ્મસ વિખેરાતું ગયું...
કાચના કબાટમાં રહેલા પુસ્તકોની ઓથેથી ફરી એક વાર સાઇકોએ પોતાનું માથું ઊંચક્યું. ખંજરવાળો એનો હાથ સખતાઈથી ઊંચકાયો. એ ધીમા કદમે આગળ વધ્યો અને કમરાનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો... નવા શિકારની શોધમાં, કતલ કરવાની કોઈક અનોખી રીત લઈને...
દસમે દિવસે સોશિયલ મીડિયા ફરી એક વાર ધમધમી ઊઠ્યું- ‘સીરીયલ કીલર – ‘સાઇકો’ ઇઝ બેક...’ -વાંચો બેસ્ટસેલર લેખિકા નિહારિકાની કલમે...
***સમાપ્ત***
ધર્મેશ ગાંધી
-----------------------------------







ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...