તજ્જ્ઞ સાહિત્યકારો સાથે એક સામયિકમાં સ્થાન પામવું એ સર્જક તરીકે મારું અને નિમિત્ત તરીકે મારી કલમનું અહોભાગ્ય!
'જલારામદીપ'ના દિવાળી અંક - ૨ (નવેમ્બર-૨૦૧૯)માં છપાયેલી મારી નવલિકાનાં મુખ્ય અંશો:
--------------------
ઘાટ વિનાની ગલી
---------------------
મૌની અમાવસ્યાના ‘શાહીસ્નાન’નો લાભ લેવા માટે કરોડો શ્રદ્ધાળુઓ દેશ-દુનિયાના ખૂણેથી પ્રયાગરાજમાં પધાર્યા હતા...
◆
વિવિધ પ્રદેશોમાંથી વહી આવેલી બિનવારસી ચીજવસ્તુઓ જાણે કે ગંગા-ઘાટ ઉપર કાયમી વસવાટ કરવા માટે ફંગોળાઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી હતી...
◆
શું પ્રાપ્ત થતું હશે? મોક્ષ? અને જેઓ સંસારમાં જ રહી ગયા છે એમનું શું? કોઈ પરિવાર નહિ હોય આવા અલગારીઓનો? કોઈ રાહ જોવાવાળું, શોધવાવાળું, જીવ બાળવાવાળું... કોઈ જ નહિ હોય? સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જઈ રહેલા જટાધારીને એ જોઈ રહ્યો...
◆
સાધ્વી તો, જેને જિંદગીથી વૈરાગ્ય આવી ગયો હોય એ... પણ પિહુ... એ તો જિંદગીને જીતવા માગતી હતી! સ્વપ્નોને હકીકતમાં જીવવા માગતી હતી! ના, ના, એ મારી દીકરી હતી; પડકારોને સાશ્વતતાથી સ્વીકારીને આગળ વધનારી! એ સાધ્વી નહિ બને... ક્યારેય નહિ!
◆
આખી વાર્તા વાંચો-
કપાળેથી ખરી રહેલી રાખની રજકણો આંખમાં પેસીને એને
ખૂંચવા માંડી. હોઠના ખૂણેથી સરકીને જીભ ઉપર ફેલાઈ ગયેલી રાખનો બળેલો સ્વાદ અસહ્ય
જણાયો. શા માટે અમુક
લોકો આમ બાવા બનીને રખડતા હશે? એ વિચારી રહ્યો. અલગારીની જેમ ભ્રમણ કરતા
રહેવાથી આખરે શું પ્રાપ્ત થતું હશે? મોક્ષ..? અને જેઓ સંસારમાં જ રહી ગયા છે એમનું
શું? કોઈ પરિવાર નહિ હોય આવા અલગારીઓનો? કોઈ રાહ જોવાવાળું, શોધવાવાળું, જીવ
બાળવાવાળું... કોઈ જ નહિ હોય? સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જઈ રહેલા એ જટાધારીને
જોઈને એણે એક નિસાસો નાખ્યો અને કપાળ ઉપર ચોંટેલી ભસ્મ ખંખેરી નાખી.
‘સારિકા તો...’ પછી થોડું અટકીને
બોલ્યા હતા, ‘મારી સ્વપ્નશીલ દીકરી તો વિદેશમાં!’ એની સામે મીઠાઈ ધરતા ભારપૂર્વક બોલ્યા હતા, ‘કોઈક કંપનીમાં
સારી તક ઝડપી લીધી હતી. અને હા, દસ હજાર રૂપિયા પણ મોકલ્યા - આઇ મીન
ટ્રાન્સફર કર્યા... મેસેજ હતો - દર મહિનાની પહેલીએ મોકલતી રહેશે. ને ખાસ ઉમેર્યું
છે - પપ્પા, તમારે નથી હવે કોઈ કામ કરવાની જરૂર કે નથી મારી ચિંતા કરવાની જરૂર;
બહુ વેઠયું...’
'જલારામદીપ'ના દિવાળી અંક - ૨ (નવેમ્બર-૨૦૧૯)માં છપાયેલી મારી નવલિકાનાં મુખ્ય અંશો:
--------------------
ઘાટ વિનાની ગલી
---------------------
મૌની અમાવસ્યાના ‘શાહીસ્નાન’નો લાભ લેવા માટે કરોડો શ્રદ્ધાળુઓ દેશ-દુનિયાના ખૂણેથી પ્રયાગરાજમાં પધાર્યા હતા...
◆
વિવિધ પ્રદેશોમાંથી વહી આવેલી બિનવારસી ચીજવસ્તુઓ જાણે કે ગંગા-ઘાટ ઉપર કાયમી વસવાટ કરવા માટે ફંગોળાઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી હતી...
◆
શું પ્રાપ્ત થતું હશે? મોક્ષ? અને જેઓ સંસારમાં જ રહી ગયા છે એમનું શું? કોઈ પરિવાર નહિ હોય આવા અલગારીઓનો? કોઈ રાહ જોવાવાળું, શોધવાવાળું, જીવ બાળવાવાળું... કોઈ જ નહિ હોય? સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જઈ રહેલા જટાધારીને એ જોઈ રહ્યો...
◆
સાધ્વી તો, જેને જિંદગીથી વૈરાગ્ય આવી ગયો હોય એ... પણ પિહુ... એ તો જિંદગીને જીતવા માગતી હતી! સ્વપ્નોને હકીકતમાં જીવવા માગતી હતી! ના, ના, એ મારી દીકરી હતી; પડકારોને સાશ્વતતાથી સ્વીકારીને આગળ વધનારી! એ સાધ્વી નહિ બને... ક્યારેય નહિ!
◆
આખી વાર્તા વાંચો-
ઘાટ વિનાની ગલી
ગંગાનું હિલોળા લેતું પાણી અનેક પ્રકારનો કચરો એના
કિનારે ઠાલવી રહ્યું હતું. વિવિધ પ્રદેશોમાંથી વહી આવેલી બિનવારસી ચીજવસ્તુઓ જાણે
કે ગંગા-ઘાટ ઉપર કાયમી વસવાટ કરવાનો હોય એમ ફંગોળાઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી
હતી. ક્યારેક સ્વચ્છ રહેતું પાણી થોડા દિવસોથી સાવ મેલું જણાઈ રહ્યું હતું. મૌની
અમાવસ્યાના ‘શાહીસ્નાન’નો લાભ
લેવા માટે કરોડો શ્રદ્ધાળુઓ દેશ-દુનિયાના ખૂણેથી પ્રયાગરાજમાં પધાર્યા હતા. જાણ્યે-અજાણ્યે
પોતાનાથી થયેલાં પાપોને પવિત્ર ગંગામાં ડૂબકી લગાવીને સમૂળગા ધોઈ નાખવા માટે દરેક ભક્તોમાં
તાલાવેલી જોવા મળી રહી હતી. ‘હર હર મહાદેવ’ના નારાથી સમગ્ર વાતાવરણ ગૂંજી રહ્યું
હતું. કુંભ નગર આ દિવસોમાં વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું નગર બની જતું.
ઘેરો રંગ પકડી ચૂકેલું પાણી જોઈને એને સહેજે
વિચાર આવી ગયો, શું આ જ ગંગાજળ..? મરી રહેલા મનુષ્યના મુખમાં આ જ પાણી મૂકવાનો
આગ્રહ સેવાય છે? મરનારના આત્માને શરીરથી અલિપ્ત થતી વેળાએ કષ્ટ ન થાય?
‘સબ મોહ-માયા હૈ, બચ્ચા, કુછ સાથ નહિ
આયેગા...’ મુઠ્ઠી ભરીને ભભૂત એના કપાળે ચોપડી દેતા જટાધારી સાધુએ આકાશ ભણી જોયું. મોટા
અવાજે એ બોલી રહ્યો હતો. ‘તું અકેલા યહાઁ આયા થા, ઔર અકેલે હી જાના હોગા,
બચ્ચા!’
કપાળેથી ખરી રહેલી રાખની રજકણો આંખમાં પેસીને એને
ખૂંચવા માંડી. હોઠના ખૂણેથી સરકીને જીભ ઉપર ફેલાઈ ગયેલી રાખનો બળેલો સ્વાદ અસહ્ય
જણાયો. શા માટે અમુક
લોકો આમ બાવા બનીને રખડતા હશે? એ વિચારી રહ્યો. અલગારીની જેમ ભ્રમણ કરતા
રહેવાથી આખરે શું પ્રાપ્ત થતું હશે? મોક્ષ..? અને જેઓ સંસારમાં જ રહી ગયા છે એમનું
શું? કોઈ પરિવાર નહિ હોય આવા અલગારીઓનો? કોઈ રાહ જોવાવાળું, શોધવાવાળું, જીવ
બાળવાવાળું... કોઈ જ નહિ હોય? સંપૂર્ણ નગ્ન અવસ્થામાં જઈ રહેલા એ જટાધારીને
જોઈને એણે એક નિસાસો નાખ્યો અને કપાળ ઉપર ચોંટેલી ભસ્મ ખંખેરી નાખી.
ગંગા-ઘાટ તરફ એના પગ ઉપડ્યા. જુદા-જુદા અખાડાના
સંતો પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી પહોંચ્યા હતા. સંગમ કિનારે બનેલા
જુદા-જુદા ઘાટ ઉપર કરોડો શ્રદ્ધાળુઓના શાહીસ્નાન વેળા હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા થઈ
રહી હતી. સ્નાન કરીને સ્વચ્છ બનેલી સાધ્વીઓ ઘાટ ઉપર બિરાજી ચૂકી હતી. અન્ય
શ્રદ્ધાળુઓની જેમ એ પણ હાથ જોડીને દરેક સાધ્વીની નજીકથી પસાર થયો. આશીર્વાદ મેળવવાના
બહાને એમનાં ચહેરાઓની સ્થિરતાને એ અપલક તાકી રહ્યો. શાંત મુદ્રા, યુવાન ચહેરો અને સંસારથી
સાવ અલિપ્ત થઈ ચૂકેલી અકળ તટસ્થતા એ આંખોમાં ડોકાઈ રહી હતી.
‘દેવીમા, આશીર્વાદ આપો...’ એક સ્ત્રી પોતાની નાની
બાળકીને છાતીએ વળગાડીને તપસ્વિનીઓ આગળ વાંકી વળી. ‘મારી દીકરીની દરેક ઈચ્છાઓ-સપનાઓ
પૂર્ણ થાય!’
દેવીમાએ ચહેરા ઉપર હળવું સ્મિત રેલાવીને પાંપણનો
એક પલકારો માર્યો. ચરણસ્પર્શ કરીને આગળ વધી ગયેલી એ સ્ત્રીને એણે ભીડમાં ખોવાઈ જાય
ત્યાં સુધી જોયા કર્યું. છાતીએ દબાવેલી બાળકીની ગૂંગળામણ જોઈ એને દયા ઉપજી.
એની બળતી આંખો ચારે તરફ ફેલાયેલા માનવ-મહેરામણમાંથી
આગળ વધવાનો માર્ગ ખોળી કાઢે એ પહેલાં ભગવા રંગે રંગાયેલું એક ટોળું એની પાછળથી
પસાર થયું. ઝાંખા કેસરી
રંગની કોટનની સાડી, એ જ રંગની લાંબી બાંય અને ગોળ ગળાવાળી બ્લાઉઝ, ગળામાં
રુદ્રાક્ષના મોટા-મોટા મણકાવાળી નાભિ સુધી લટકતી માળા, કમર સુધી
ફેલાયેલા છૂટ્ટા કોરા વાળ, તળિયેથી ખરબચડાં થઈ ચૂકેલા ઉઘાડા પગ.... લગભગ એકસમાન પરિવેશ
અને સપાટ ચહેરો ધરાવતી દરેક સાધ્વીઓ ‘હર હર ગંગે’ના પ્રતિઘોષથી વાતાવરણ
ગૂંજાવતી એક નિયત દિશામાં આગળ
વધી રહી હતી.
એણે પાછળ ફરીને જોયું. ઉંધી દિશામાં ફરી જઈને દોડવાની ગતિએ પગ
ઉપાડ્યા. ચીપિયો ખખડાવતા અને ચલમ ફૂંકતા નાગા બાવાઓ ધસારો કરતા સામા પ્રવાહે આવી રહ્યા
હતા. ભજન ગાતા શ્રદ્ધાળુઓ સાથે અથડાતો એ આગળ વધવાના પ્રયાસો કરવા માંડ્યો. શાહીસ્નાનનો અવસર
પામવા માટે જયજયકાર કરતા લોકોના ઝૂંડમાંથી રસ્તો કાપતો એ આખરે સાધ્વીઓની આગળ જઈ
પહોંચ્યો. દરેકને વારાફરતી તાકી રહ્યો. પલકારો માર્યા વગર દરેક શાંત ચહેરાની ઊંડાઈમાં
ડોકિયું કરી જોયું, પણ પોતીકાપણું સાવ ગેરહાજર... સતત ચાર દિવસથી ચાલી
રહેલી સાધ્વીઓના ચહેરાઓની ઓળખવિધિથી એની આંખો થાકની ફરિયાદ કરી રહી હતી.
વજનદાર થઈ ગયેલાં પોપચાં ઉપર ઓચિંતો જ કશાક
પ્રવાહીનો છંટકાવ થયો. બંધ પોપચાં હેઠળ છૂપાઈ ગયેલી કીકીઓથી એ છાલકનો ભાર નહિ
સહેવાતાં ધ્રૂજી ઊઠી. રવિવાર આવતો ને વહેલી સવારે પિહુ એની ઉંઘથી
ઘેરાયેલી બંધ આંખો ઉપર પાણીનો છંટકાવ કરી દેતી, ને એની આંખો ઉઘડી જતી. આજે ત્રણ વર્ષ
બાદ એવી જ ઠંડી છાલક મહેસૂસ થતાં કીકીઓ બંધ પોપચામાં જ કંપી ઊઠી. આંખો ઉઘડી, પણ સામે
પિહુ નહોતી.
‘કહાં ખો ગયા, બાલક! સંભલ જા! ઈતિહાસ ગવાહ હૈ, ઈસ કુંભ કે મેલે
મેં બચ્ચે હી નહિ, બડે ભી ગુમરાહ હો જાતે હૈ!’ ત્રિશૂળધારી બાવાએ
કમંડળમાંથી ગંગાજળનો ખોબો ભર્યો, ને ફરી એક વાર એના મોં ઉપર છંટકાવ કર્યો.
એક નવી રાહ પકડીને એણે ફરીથી ભટકવાનું શરૂ
કર્યું. નહિ નહિ, એ સાધ્વી નહિ બને... ક્યારેય નહિ! એણે મનોમન બબડી લીધું. સાધ્વી
તો, જેને જિંદગીથી વૈરાગ્ય આવી ગયો હોય એ.... પણ પિહુ... એ તો જિંદગીને જીતવા
માગતી હતી! સ્વપ્નોને હકીકતમાં જીવવા
માગતી હતી! ના, ના, એ મારી દીકરી હતી; પડકારોને સાશ્વતતાથી
સ્વીકારીને આગળ વધનારી!
પત્નીના બોલાયેલા વેણ કોઈક અલગારીની માફક જ સતત
એના મસ્તિષ્કમાં ભમ્યા કરતા હતા... જયારે એ કહેતો, ‘આપણી પિહુ તો સોનેરી
સ્વપ્નોનો પીછો કરી રહી છે!’
પત્ની એકીટશે એને તાકી રહેતી.
‘થોડો સમય તો લાગે ને! હા, આપણાથી જરા સરખી દૂર જરૂર
નીકળી ગઈ છે. પણ, જલ્દી જ પાછી ફરશે...’
ઊંડો શ્વાસ ફેફસામાં ભરીને પત્ની ખાલી પડેલી એક
ખુરશીને જોયા કરતી. પછી ધીમે રહીને બોલતી, ‘સ્વપ્નો..? પીછો..?’ એનો હાથ પકડીને વળી એ ધીમેથી કહેતી, ‘હવે તો
સમજી જાઓ! દીકરી ભાગી ગઈ છે, ઘર છોડીને... ક્યાં સુધી મનને
મનાવ્યા કરશો?’ અને પછી તો એ જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડતી.
પછી એ તેને મનાવવાની કોશિશ કરતો. એક એનું મન અને બીજી
એની પત્ની, બંનેનો સ્વભાવ બિલકુલ અલગ. એક એનું કહ્યું તરત જ માની જાય, ને બીજું ક્યારેય
નહિ! પિહુનું પણ એવું
જ ને - એ મનોમન હસ્યો - ધાર્યું જ
કરવાનું... ને એની બહેનપણી
પણ એનાં જેવી જ... પિહુ અને સારિકા - બંને ખાસ સહેલીઓ! બંનેના વિચારોયે
સરખા ને સ્વપ્નોયે! એમની કોલેજમાં તો તેઓ કોયલ-મેનાની જોડી
તરીકે જ ઓળખાતી. સાથે ભણવાનું, સાથે ફરવાનું, સાથે ખાવાનું,... જ્યાં પણ હોય
બંને સાથે જ! જ્યાં સારિકા ત્યાં પિહુ, ને જ્યાં પિહુ ત્યાં
સારિકા... વિચારોનો મહેરામણ એને ઘેરી વળ્યો.
અને એક દિવસ બંને એકસાથે જ ઊડી ગઈ. નહિ, નહિ, ભાગી નથી ગઈ
- એ પોતાના મનને સમજાવતો - સપનાના આકાશમાં ઉડાન લીધી કહેવાય એ તો! જિંદગી
પોતાની શરતો મુજબ જીવવા માટે... આવી જશે એ તો! પિહુ જાણે જ છે - ઘરે એની રાહ જોવાઈ
રહી છે. જોકે પત્નીનાં
અત્યાગ્રહે પોલીસ-ફરિયાદ પણ નોંધાવેલી. પરંતુ...
એમ કંઈ મારી દીકરી તપસ્વિની બનીને... ના,
ના, ક્યારેય નહિ!
ક્યારેક સારિકાના પપ્પા સાથે એની મુલાકાત થઈ
જતી. બંને એકબીજાના ગુનેગાર હોય એવી ગ્લાનિથી એકમેક સાથે નજર પણ મેળવી ન શકતા. અને જો ત્રાંસી થયેલી
નજરોનો ક્યારેક મેળાપ થઈ
જતો તો બંને નજરો એકબીજાને કોસતી રહેતી. વચ્ચે છવાઈ જતી ખામોશી જાણે કે ચિત્કાર કરી
ઊઠતી, ‘તારી દીકરીના લીધે જ મારી દીકરી પણ...’
પણ, એક દિવસ ઓચિંતા જ સારિકાના પપ્પા સામે
ચાલીને એને ઘેર આવી ચઢ્યા, હાથમાં મીઠાઈના બોક્સ સાથે... આંખોમાં ચમક અને
ચહેરા ઉપર સંતોષની લાગણી લીંપીને કહેવા લાગ્યા હતા, ‘તે તમે જાણ્યું કે..?’
એણે પ્રશ્નાર્થ નજરે જોયા કર્યું હતું.
‘સારિકા તો...’ પછી થોડું અટકીને
બોલ્યા હતા, ‘મારી સ્વપ્નશીલ દીકરી તો વિદેશમાં!’ એની સામે મીઠાઈ ધરતા ભારપૂર્વક બોલ્યા હતા, ‘કોઈક કંપનીમાં
સારી તક ઝડપી લીધી હતી. અને હા, દસ હજાર રૂપિયા પણ મોકલ્યા - આઇ મીન
ટ્રાન્સફર કર્યા... મેસેજ હતો - દર મહિનાની પહેલીએ મોકલતી રહેશે. ને ખાસ ઉમેર્યું
છે - પપ્પા, તમારે નથી હવે કોઈ કામ કરવાની જરૂર કે નથી મારી ચિંતા કરવાની જરૂર;
બહુ વેઠયું...’
પછી તેઓ હસતે મોઢે વિદાય લેવા માટે ઊભા થયા. જતા
જતા કંઈક યાદ આવ્યું હોય એમ ઉંબરે અટક્યા. એના ઘરમાં અછડતી નજર નાખી ને બોલવાની રહી ગયેલી
વાત બોલ્યા હતા, ‘તે પિહુના કોઈ સમાચાર..?’ બે ઘડી એની સામું
ફરી એ જ પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા બાદ મીઠાઈનો એક ટુકડો પોતાના મોંમાં મૂકીને એમણે
ચાલતી પકડી હતી.
એમ ને એમ દિવસો વિતતા રહ્યા. એક દિવસ વળી
ગામમાં ખોડીયાર-માતાના મંદિરનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો હતો. વર્ષો પછી એકાએક ઘનશ્યામનો
ભેટો થઈ ગયેલો. જોતાંની સાથે જ એ તો વળગી પડેલો. કહેવા માંડ્યો, ‘યાર, કોલેજમાં ભણતા
હતા ત્યારે પણ તું આવો જ હતો. ને આજે પચીસ વર્ષે તને જોયો, હજીયે એવો ને એવો
જ! કોઈ પરીવર્તન નહિ!’
એણે કહ્યું હતું, ‘પરિવર્તન તો છે
જે ને, દોસ્ત!’ પછી દોસ્તને પીઠ ઉપર ધબ્બો મારતા કહેલું, ‘ઘનશ્યામ! ચાલ ઘરે... શાંતિથી
બેસીને જૂની યાદો તાજી કરીશું.’
પણ ચા-નાસ્તો કરતા કરતા ઘનશ્યામ ઓચિંતો જ અવાક થઈ
ગયેલો. મોઢું ખૂલ્લું
રહી ગયેલું. શો-કેસમાં મૂકેલો
પિહુનો ફોટો જોઈને એ તો બાઘા જેવો બની ગયેલો.
‘સાધ્વી પિહારિકા દેવી?’ ફોટા ઉપર સ્થિર થઈ
ગયેલી નજરને હટાવ્યા વગર તૂટતા અવાજે એ બોલેલો.
‘સાધ્વી..? પિહારિકા..? પિહુ..?’ અનેક
પ્રશ્નાર્થો હવામાં તરવા માંડ્યા હતા.
‘ગયા અઠવાડિયે જ હું પ્રયાગરાજ
જઈ આવ્યો છું.’ ઘનશ્યામ બોલી રહ્યો હતો. હાથમાં પકડેલા
કપ-રકાબીમાં ધ્રૂજારી ઉત્પન્ન થતા તેણે એ ટીપાઈ ઉપર મૂકી દીધેલા. પિહુના ફોટો તરફ બંને
હાથ જોડીને નતમસ્તક થતા બોલેલો, ‘કુંભના મેળામાં જવાની મારી ઈચ્છા આ વર્ષે ફળી. અરે,
સાધ્વી પિહારિકાજીનાં ચરણસ્પર્શ કરીને પછી જ તો મેં ગંગાસ્નાન કર્યું હતું!’
‘નહિ નહિ, પિહુ...
સાધ્વી..? એ અશક્ય છે. પિહુ સાધ્વી નહિ બને, ક્યારેય નહિ! એને દિક્ષા
લેવાની શી જરૂર? એણે તો એનાં સ્વપ્નો...’ એ અવિરત બોલી
રહ્યો હતો.
‘પિહારિકાજી... તારી દીકરી?
પિહુ?’ ઘનશ્યામ આગળ કશું પૂછી નહિ શકેલો.
‘અલખ-નિરંજન!’ ઓચિંતો જ એક
જટાધારી એના કાન પાસે મોટા સાદે બોલ્યો. તાજો અતીત તરછોડીને ફરી એક વાર એ પ્રયાગરાજના
કુંભમેળામાં પટકાયો. જટાધારીના ગૂંચળું વળી ગયેલા વાળને એ તાકી રહ્યો. એણે લગભગ હવે
સ્વીકારી લીધું હતું કે પિહુ અહીં નહિ મળે. ઘનશ્યામને કોઈ ગેરસમજ થઈ હશે. મોજ-શોખ ને મસ્તીમાં
જીવનારી એની દીકરી વળી એકાએક સાધ્વી બની જાય? પણ પત્નીનું મન નહિ
માન્યું. કહે, ‘એમ કંઈ આશા છોડી દેવાય? આપણે હમણાં ને હમણાં જઈએ અલ્હાબાદ... પિહુને તેડી
લાવીએ!’ જેમતેમ કરીને એ પત્નીને સમજાવીને એકલો જ કુંભમેળાની આ ગીચતામાં આવી પહોંચ્યો
હતો.
કેટલીયે સાધ્વીઓના ચહેરા તપાસી જોયા. કરોડો લોકોમાં
એને ક્યાં શોધું? જે ખોવાયા હોય એ મળી જાય, પણ જે જતાં રહ્યાં હોય એ..? ભારથી એનું માથું
ઝૂકવા માંડ્યું હતું. સૂર્યાસ્ત થતા માનવ મહેરામણ થોડો હળવો થયો. હારી-થાકીને આખરે એ શહેરની
બહાર - કુંભથી થોડે દૂર
નીકળી ગયો.
અજાણ્યા રસ્તાની એક ગલીમાં વળતા જ એની આંખોમાં
રંગબેરંગી પ્રકાશ ઝગમગવા માંડ્યો. અહીં ન તો ચરસ-ગાંજાની તીખી વાસ હતી કે
ન તો ગૂગળ-ધૂપની ધૂમાડાભરી
હવા... છેલ્લાં ચાર દિવસથી કાનના પડદા ફાડી રહેલો ભજન-આરતીનો ઘોંઘાટ પણ નહોતો. એક જ ગામના બે
અલગ અલગ સ્થળોમાં જમીન-આસમાનનો ફરક હતો. વાતાવરણમાં પાઉડર-અત્તરની સુગંધ ફેલાયેલી
હતી. ધીમું ધીમું સંગીત વાતાવરણમાં સિસકારા લઈ રહ્યું હતું.
ઓચિંતા જ એની પીઠ પાછળથી કોઈક એને ખેંચી રહ્યું
હોવાનું અનુભવ્યું. એક યુવતી કોઈક અંધારિયા ઓરડા ભણી એને ખેંચી
જવા મથી રહી હતી. એણે પાછળ ફરીને જોયું તો સ્તબ્ધ થઈ જવાયું. શરીરમાંથી એક
ધ્રૂજારી પસાર થઈ ગઈ. યુવતી એની જગ્યા ઉપર થીજી ગઈ હતી. એની ઉપર નજર
પડતાં જ યુવતીએ ઝટપટ બંને હાથો વડે પોતાનો ચહેરો ઢાંકી દીધો.
‘સારિકા!’ એના કંપતા હોઠ
ઉપરથી એક પરિચિત નામ સરી પડ્યું.
ડૂસકાં લેતા ચહેરા આગળથી બંને હાથ ઉંચકાયા. આંખમાંથી ઊડતી માદકતા
વિખેરાઈ જઈને ગલીમાં ભટકવા માંડી હતી. અને એનું સ્થાન એક પોતીકી ભીનાશે લઈ લીધું
હતું.
‘શબનમ...’ ગલીના નાકેથી કોઈક
સ્ત્રીનો ઘાંટો પડઘો પાડી ઊઠ્યો.
‘મારે જવું પડશે... અંકલ, પ્લીઝ,
પપ્પાને નહિ...’ હાથ જોડીને આંસુ વહાવતી સારિકા, ભીની થઈ ચૂકેલી આંખોનું
રૂંધાયેલું રુદન, એનું મોં સીવી દેતું ત્યાંથી પસાર થઈ રહ્યું, ‘કાલે પહેલી
તારીખ છે... પપ્પા રાહ જોતાં હશે!’ હવા સાથે વાતો કરતી એ ઊડી ગઈ. એ જતી રહી... ફરી
એક વાર! ને ત્યાં જઈને અટકી જ્યાં એ ઘોઘરા અવાજવાળી સ્ત્રી બે-ત્રણ આધેડ પુરુષો
સાથે પૈસા બાબતે કંઈક રકઝક કરી રહી હતી
એના ધ્રૂજતા હોઠ ઉપરથી હાંફી રહેલા શબ્દો નીકળી
પડ્યા, ‘નહિ નહિ, પિહુ અહીં ઓછી હોય! એ તો સાધ્વી જ બની ગઈ હશે! હા, ઘનશ્યામ સાચું જ
કહેતો હશે ને! અરે, એણે તો ચરણસ્પર્શ સુદ્ધાં... ને હંમેશા એવું ઓછું હોય કે જ્યાં
સારિકા ત્યાં જ પિહુ..!’
લથડીયાં ખાતા પગે એ અત્તરથી મઘમઘતી ગલીમાંથી
બહાર નીકળી આવ્યો. દૂર એક ઝાડ નીચે ધૂણી ધખાવીને બેઠેલા ત્રિશૂળધારી બાવા પાસે જઈને
પૂછ્યું, ‘તમે જાણો છો ને સાધ્વી પિહારિકા દેવીને? ઠેઠ ગુજરાતથી આવ્યો છું, એમના
ચરણસ્પર્શ... ક્યાં મળશે, મહારાજ?’
લાલચોળ આંખે ફોટા સામું તાકી રહેલા મહારાજ પ્રત્યુત્તર
આપે તે પહેલા એણે ફરી એક વાર ગલીના ઊંડાણ સુધી નજર ફેરવી લીધી.
***સમાપ્ત***
◆ ધર્મેશ ગાંધી


