Tuesday, 23 July 2019

અપરાજેય (‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’)

#DGprize
અપરાજેય
-------------
કુદરત વિરુદ્ધ માનવીનો સંઘર્ષ...
અર્થાત ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’!
-------------
'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યક પ્રવૃત્તિ કરતી સંસ્થા 'સાહિત્ય સેતુ - રાજકોટ' દ્વારા જૂન-૨૦૧૯માં 'મારું પ્રિય પુસ્તક' વિષય ઉપર સ્પર્ધા યોજવામાં આવી હતી, જે અંતર્ગત મને 'પ્રોત્સાહક વિજેતા' તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો.

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા કવિ-નાટ્યકાર-ઉધઘોષક ડો. શૈલેશ ટેવાણીએ સેવા આપી હતી.
સ્પર્ધામાં મોકલેલ અને પુસ્કાર પ્રાપ્ત કરેલ મારી રચના 'અપરાજેય' (પુસ્તક પરિચય) અહીં પ્રસ્તુત કરું છું. વાંચીને યોગ્ય પ્રતિભાવો આપશો.
◆ અપરાજેય ◆
---------------------
અર્નેસ્ટ હેમિંગ્વે... નોબલ પુરસ્કાર...
અને કુદરત વિરુદ્ધ માનવીનો સંઘર્ષ...
અર્થાત ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’!
૧૯૫૧માં ક્યુબામાં લખાયેલી અને ૧૯૫૨માં પ્રકાશિત થયેલી લઘુનવલ ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ અમેરિકન સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેના જીવનકાળ દરમ્યાનની આખરી મજબૂત કૃતિ તરીકે લેખાય છે. ખૂબ જ ઓછાં પાત્રો ધરાવતી આ આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરનો સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ ૧૯૯૧માં શ્રી રવીન્દ્ર ઠાકોરે ‘અપરાજેય’ નામે કર્યો છે.
આ પુસ્તકમાં સંઘર્ષ છે, દ્રઢતા છે, જીજીવિષા છે...
એટલે એ મારું ગમતું પુસ્તક!
આ નવલ એક વૃદ્ધ-અનુભવી માછીમાર તથા મહાકાય માછલી મર્લિન વચ્ચેના સંઘર્ષની ગાથા છે. અશક્ત છતાં દ્રઢ મનોબળ ધરાવતા મુખ્ય પાત્ર સેન્તિઆગોએ સતત ચોર્યાસી દિવસથી એક પણ માછલી જાળમાં ફસાવી હોતી નથી. પરંતુ પંચ્યાસીમા દિવસનો સૂર્ય એની જિંદગી હંમેશ માટે બદલી નાખવા માટે ઊગે છે. એક અસાધારણ અને વિશાળકાય મર્લિન માછલી સેન્તિઆગોના કાંટામાં ફસાય છે. માછીમાર તરીકેની પોતાની નિયતિ જેટલી વાસ્તવિક છે એટલી જ વાજબી એક કદાવર માછલીની નિયતિ પણ છે જ, એ સ્વીકારીને વૃદ્ધ સેન્તિઆગો મર્લિનની તાકાત, મહત્તા, અને તેની ઓળખની વફાદારીને વખાણતો સંઘર્ષ આદરે છે; કુદરત સામે બાથ ભીડવાનું જારી રાખે છે! એક જીવલેણ સંગ્રામ ખેલીને એ મર્લિનનો વધ કરે છે; એને પોતાની હોડી સાથે બાંધીને કિનારા તરફ પ્રયાણ કરે છે.
આમ છતાં, સેન્તિઆગોના થકવી નાખનારા પ્રયાસો એળે જાય છે. કારણ - હોડી કિનારે પહોંચે એ પહેલાં ભયાનક શાર્ક માછલીઓ જાળમાં બંધાયેલી મર્લિન ઉપર હુમલો કરે છે. સેન્તિઆગો શાર્ક સાથે પણ એકલે હાથે જીવસટોસટનું યુદ્ધ કરીને એમને મહાત કરે છે; વારાફરતી હણી નાખે છે. પરંતુ ત્યાં સુધીમાં અન્ય શાર્ક મૃત મર્લિનનું સંપૂર્ણ માંસ આરોગી ચૂકી હોય છે. આખરે સેન્તિઆગો હતોત્સાહ થઈને ખાલી હાથે બંદર ઉપર પાછો ફરે છે. એની હોડી સાથે બંધાયેલું રહી જાય છે મહાકાય મર્લિનનું માત્ર બિહામણું હાડપિંજર!
વાર્તામાં શબ્દચિત્ર થકી હેમિંગ્વે દર્શાવે છે કે વૃદ્ધ માછીમાર પોતાના ઘર સમાન સમુદ્રને ખૂબ ચાહે છે. એના મૂલ્યોની, એના જળચરોની અત્યંત કદર કરે છે. પરંતુ માછીમારીના પોતાના વ્યવસાયમાં એ શિકાર કરવાનો દ્રઢ નિશ્ચય કરીને રોજ સમુદ્રની સફરે નીકળે છે, એ પણ એટલું જ વાસ્તવિક છે. પોતાની પીડાદાયક એકલતા તેમજ નિરાશાજનક પરિસ્થિતિમાં પણ એ જિંદગીની દરેક સંઘર્ષમય પળને આનંદથી માણે છે; અસ્તિત્વ ટકાવી રાખવા માટે સદંતર ઝઝૂમે છે. સાથે સાથે એ મેનોલિન નામના એક યુવાન છોકરાને - જે એક માત્ર એની કદર કરતો હોય છે - યાદ કરતો રહે છે.
નિષ્ફળતાથી ઘેરાઈને ઊંડી હતાશામાં ગરક થયેલો સેન્તિઆગો ઘરે જઈને સૂઈ જાય છે. દરમ્યાન, અન્ય લોકો તેની હોડી સાથે બંધાયેલું વિશાળ હાડપિંજર જુએ છે અને દંગ રહી જાય છે! સેન્તિઆગો પાસે માછીમારી શીખતો યુવાન છોકરો મેનોલિન ફરી એક વાર એની સાથે જોડાવાની જીદ કરે છે. અંતે બંને સાથે મળીને માછીમારી કરવા જવા માટે સંમત થાય છે.
પોતાના કામ પ્રત્યે સમર્પણ, અડગતા તથા શારીરિક-માનસિક સ્થિતિસ્થાપકતા સાથે મનુષ્યના દ્રઢ સંકલ્પનું ઉત્તમ વિષય-વસ્તુ ધરાવતી આ લઘુનવલ એનાં પાત્રો તેમજ વાચકોને પરાજયમાંથી વિજય ભણી દોરી જાય છે. વૃદ્ધ સેન્તિઆગો હંમેશા એકલો એકલો મોટેથી બબડતો રહેતો હોય છે... ક્યારેક શિકાર કરેલી મર્લિનને જોઈને, ક્યારેક હુમલો કરી રહેલી શાર્કોને ઉદ્દેશીને, ક્યારેક ભગવાનને આડકતરો ઈશારો કરીને, તો ક્યારેક મનોમન...
આખી વાર્તામાં મહાકાય મર્લિન માછલી એ ગૌરવ, પ્રતિષ્ઠા, શૌર્ય, કોઠાસૂઝ અને ધૈર્યનું પ્રતીક બની રહે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફ ગતિ કરતી આ નોબલ પુરસ્કાર વિજેતા કૃતિ અર્નેસ્ટ હેમિંગ્વેનું અવિસ્મરણીય સર્જન મનાય છે!
-------------
ધર્મેશ ગાંધી 23.7.19
-------------
અર્નેસ્ટ હેમિંગ્વેને 'નોબલ' પુરસ્કાર અપાવનાર પુસ્તક ‘ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી’ માટેના મારા આલેખે મને પણ નાનકડો પુરસ્કાર અપાવ્યો એ આનંદ!
આ માટે આયોજક શ્રી Anupam Doshi; તથા Sayaji Vaibhav Libraryનાં ખૂણેથી આ પુસ્તક શોધી આપનાર બહેનશ્રી Preeti Paresh Soniનો ખૂબ ખૂબ આભાર.
--------------


Friday, 12 July 2019

ચીબરી (મમતા - હોરર વિશેષાંક - જુલાઈ 2019)

અરે, બાપુ...
નથી હું કોઈ સ્ટીફન કિંગ 🕵
કે નથી એડગર એલન પો..👺
પણ, એનો મતલબ એવો થોડો કે મારાથી 'હોરર' 👽નહિ લખાય! એટલીસ્ટ, ટ્રાય તો કરાય ને?
તો લો આ કરી! હેપ્પી? ડરી ગયાં? તો ચાલો, વાંચી પણ લો...
મમતા - હોરર વિશેષાંક - જુલાઈ 2019
-----------------------------------------------
આ વાર્તા વાંચીને 'મમતા મંડળી' અવાક બની જાય છે.👻
-ઐસા ખુદ ગબ્બર (મમતા મંડળી)ને બોલા હૈ!
હવે જોઈએ, વાચકો શું બની જાય છે!🙊
----------------


ચીબરી
ચીબરીએ એવી તીણી ચીસ પાડી જાણે કે કોઈએ પેટ ચીરીને આંતરડાં ખેંચી નાખ્યાં હોય!
મારા શરીરમાંથી ભયનો ટાઢો સૂસવાટો પસાર થઈ જાય છે. મને આંખ ખોલીને આસપાસ જોઈ લેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. પરંતુ, ગાઢ ઊંઘ મને એવી રીતે ઘેરી વળી છે કે મારું શરીર એ માટે આનાકાની કરી ઊઠે છે. મારી ઈચ્છાને દફનાવીને ફરી એક વાર હું નિશ્ચિંત બનીને ઊંઘવાની કોશિશ કરું છું. સતત ત્રણ મહિનાની માંદગીનો થાક કેટલો અસહ્ય હોય એ અત્યારે હું તમને સમજાવી શકવાની પરિસ્થિતિમાં નથી, છતાં એટલું કહીશ કે લાંબા અરસા પછી મને આજે નિરાંતે ઊંઘ આવી છે!
હું પૂર્ણરૂપે સંતુષ્ટ થાઉં એ પહેલાં તો મારો આખો કમરો ધ્રૂજી ઊઠે છે. જાણે કે ધરતીકંપના આંચકા આવી રહ્યા હોય એમ ચારે તરફથી હું કંપન મહેસૂસ કરું છું. મેં અનુભવ્યું કે કોઈક અજાણી વ્યક્તિઓ પોતાની અલૌકિક શક્તિઓથી છત અને દીવાલો ઉપર એકધારા પ્રહારો કરી રહી છે. આ એવી શક્તિઓ છે જેમને જોઈ શકવા માટે હું સાવ અસમર્થ છું, કેમકે – એક તો હું ગાઢ નિદ્રામાં છું; બીજું – હું ભયભીત છું! અને આમ પણ એમની રહસ્યમય દુનિયાથી હું સાવ અલિપ્ત છું. વળી આ એકલતા પણ મારા માટે હંમેશા ડરાવનારી જ રહી છે! માણસ ગાઢ નિદ્રામાં સરી પડે એટલે એ સાવ એકલો થઈ જાય છે. દિવસ દરમ્યાનના વિચિત્ર કહેવાય એવા વિચારો સ્વપ્નમાં પરિવર્તિત થઈ જાય છે. ખબર નહિ છેલ્લાં કેટલાંય દિવસોથી કે મહિનાઓથી આ સ્વપ્નોએ મને શાંતિથી સૂવા દીધો ન હતો! ડોકટરોએ આરામ કરવાની, પૂરતી ઊંઘ લેવાની મને ખાસ તાકીદ કરી હતી, પણ...
જોકે છેલ્લાં અમુક મહિનાઓથી મારી સારસંભાળ રાખવામાં કોઈએ કસર નહોતી છોડી. દિવસ-રાત સગાં-સ્નેહીઓનો સંગાથ... મહેમાનોની અવરજવર... હું સૂતો હોઉં કે જાગતો, મારી દવાઓ તથા ખોરાકને લઈને તેઓ હંમેશા સજાગ... અને એટલે જ તો બીમારીમાંયે મારું શરીર હૃષ્ટપુષ્ટ બની ગયું હતું. ડોકટરોને તો જાણે કે અખતરા કરવાનીયે મઝા પડી ગઈ હતી. ક્યારેક તેઓ કોઈક ઇન્ટર્નશિપવાળા યુવક-યુવતીઓને મારું શરીર ‘એક્સ્પ્લેઇન’ કરવા માટે લઈ આવતા. એમને સમજાવતા કે મનુષ્યના શરીરના કયા અંગોમાં ક્યારે અને કેવી હરકત થાય! જયારે કોઈ ફૂટડી, નાજુક અને શરમાળ યુવતી મારા શરીરના વળાંકોને એકીટશે કુતૂહલથી જોયા કરતી ત્યારે મને ઉત્તેજનાવશ થઈ આવતું કે કાશ હું બીમાર ન હોત...
પણ આ લોકો... કમરાની છત ઉપર થતા પ્રહારો હવે મને સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા છે. તેઓ તદ્દન નજીક છે. મારું હૃદય થડકારો અનુભવી રહ્યું છે. મારું શરીર સાવ ઠંડુ પડી ચૂક્યું છે, જાણે કે કાપો તો લોહી પણ ન નીકળે! ભય કોને કહેવાય એ ક્યારેક મને પૂછજો, સમજાવીશ... હું આંખો ખોલવાની અથાગ કોશિશ કરું છું પણ ડોકટરોએ મને આરામ કરવાની રીતસરની ધમકી આપી છે. એમને મારા ઉપર ગળા સુધીનો વિશ્વાસ હતો કે હું પણ દરેક સામાન્ય દર્દીની જેમ જ વર્તીશ; એમની શિખામણની અવગણના જ કરીશ... એટલે તો એમણે મને ઇન્જેક્શન પણ આપી જ દીધું હતું. એનાથી મને મારા માટે દુર્લભ થઈ ચૂકેલી ઊંઘ પ્રાપ્ત થઈ હતી. અને મઝાની વાત તો એ હતી કે તેઓ જાણે કે મારી મજાક ઉડાવતા હોય એમ અંદર અંદર ગૂસપૂસ કરી રહ્યા હતા – જોઈએ હવે આજે ઊંઘે છે કે નહિ... બીજો બોલ્યો – ઊંઘશે તો ખરો જ, પણ ઊઠે છે કે નહિ એ જોઈએ... મારી આંખના પોપચાં ભારે થાઈને ઢળી પડે એ પહેલાં એમના ચહેરા ઉપર મારા પ્રત્યેનો ઉપહાસ હું સ્પષ્ટપણે જોઈ શક્યો હતો.
કોઈક વજનદાર વસ્તુના ઘા પડી રહ્યા હોય એમ ધીમે ધીમે મારા કમરાની લાકડાની દીવાલો કંપન કરી ઊઠી. ક્યારેક લોખંડનો કોઈક અણીદાર પદાર્થ છત ઉપરથી કમરામાં પ્રવેશવા માટે જોર લગાવે છે, તો ક્યારેક એ અદ્રશ્ય લોકો કમરાની દીવાલ ચીરીને મારા શરીરના ટુકડા કરી નાખવા માંગતા હોય એમ એમના હથિયારો મારી લગોલગ ધસી આવે છે. અત્યારે હું મારી વિવશતાને ભારોભાર કોસી રહ્યો છું, સાથે સાથે ડોકટરોની ક્રુરતા ઉપર પણ મને દાઝ ચઢવા માંડી છે. ચાલો માન્યું, મને આરામની જરૂર હતી, ઊંઘની સખત આવશ્યકતા હતી... પરંતુ આ હદની નિષ્ક્રિયતા..? મને લાગ્યું જાણે કે મારી અકળામણ એનો સીમાડો વળોટીને કમરાની છત સાથે અફળાઈ રહી છે. ગમે તે ઘડીએ એ અણદીઠા આગંતુકો મારી છાતીની પાંસળીઓ તોડીને મારું હૃદય બહાર ખેંચી લેશે, મારા આંતરડાં કાપીને મારું તંદુરસ્ત શરીર ખોખલું કરી નાખશે...
મારી ઊંઘમાં ખલેલ ન પહોંચે એ આશયે જયારે સગાં-સંબંધીઓ મને કમરામાં સૂતેલો છોડીને જતાં રહ્યાં હતાં ત્યારે લગભગ ખરા બપોર હતા એવું અધકચરું મને યાદ છે. જયારે અત્યારે... સન્નાટાથી જડ બની ચૂકેલું અંધારું હું અનુભવી શકું છું! એટલા માટે નહિ કે હું આંખો ખોલવા માટે અસમર્થ છું, પણ એટલા માટે કે કમરામાં છવાયેલા અંધકારને હું મહેસૂસ કરી શકું છું. આ અંધકાર ભીતરનો હોય કે બહારનો, સર્વત્ર અપશુકનિયાળ જ નીવડે છે! અને એમાં મારી એકલતા ભળી ગઈ હોય એમ હું શૂન્ય બની જાઉં છું. અંધકાર અને એકલતા – બંને એકબીજાના પૂરક છે. તમે એકલા હોવ ત્યારે તમને ભીતરથી અંધકારની અનુભૂતિ થાય છે. એ જ પ્રમાણે જયારે તમારા જીવનમાં અંધકાર પથરાય છે ત્યારે તમને એકલતાની અનુભૂતિ થવા માંડે છે... અને એ સાહજિક છે! એકલતા અને અંધકાર – બંને જાણે કે એક કમરાના બે ખૂણા... બંને એકબીજાને સતત તાકતા જ રહે!
અચાનક કમરાની બહારનો ગણગણાટ મારા કાનમાં ઘસરકા પાડી ઊઠે છે. અને એ અવાજ અંદર પ્રવેશી શકવાનું કારણ હતું –કમરાની દીવાલોમાં ઠેર ઠેર પડી રહેલાં બાકોરાં... છત ફાટી ગઈ છે. દીવાલો લગભગ ધરાશાયી થઈ ચૂકી છે. ટોર્ચનો પ્રકાશ મારા શરીરનું વિશ્લેષણ કરી રહ્યો છે. બંધ આંખે પણ મેં મહેસૂસ કર્યું કે એ અજાણ્યા અને બિહામણા પડછાયાઓ મારા કમરાની અંદર આગમન કરી ચૂક્યા છે. તેમના અણિયાળા નખવાળા પંજાઓ હવે મારા આખા શરીરને એક કઠોર સ્પર્શ આપી રહ્યા છે. મારી છાતી ઉપર વિખેરાયેલા ફૂલો તથા સુખડના હારને ફેંદીને મારા વસ્ત્રો ચીરી રહ્યા છે. હું કંઈ પણ સમજું-વિચારું એ પહેલાં મારી કમરની ઉપર તરફ પેટની બંને બાજુએ એક હૂંફાળો અને અણીદાર સ્પર્શ થાય છે. છરી જેવું કોઈક તીક્ષ્ણ હથિયાર મારા પેટને ચીરતું અંદર સુધી ફરી વળ્યું હોવાનું હું મહેસૂસ કરું છું. મને આંખ ખોલીને આસપાસ જોઈ લેવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે. પરંતુ, હું તો ચિરનિદ્રામાં ઘેરાઈ ચૂક્યો છું! 
એક ચિર ક્ષણ સ્તબ્ધ નીરવતામાં પસાર થઈ જાય છે... ગણગણાટ શમી જાય છે... ને ફરી એ જ ભેંકાર ખામોશી, સર્વત્ર...
સૂરજનું પહેલું કિરણ મારી ત્વચાને સ્પર્શે છે. આસપાસ કોલાહલી વાતાવરણ મને અનુભવાય છે. એ ઘોંઘાટ મારી અંદરથી ઊઠી રહ્યો છે કે બહારથી એ જાણવા મેં કાન સરવા કર્યા. એ કોલાહલમાંથી તારવેલો થોડો અસ્પષ્ટ અવાજ મારા મસ્તિષ્કમાં અથડાય છે–
‘રેસ્ટ ઇન પીસ!’
‘લાગે છે હવે કબરોને પણ રખેવાળ જોઈશે...’
‘ચાલો, ચાલો... પીંખાયેલાં આંતરડાં નથી જોયા કે શું..?’
-ને ફરી એક વાર ચીબરીની તીણી ચીસ મારા કાનમાં પેસી ગઈ હોય એવી ભ્રમણા મને ઘેરી વળે છે!
***સમાપ્ત***
ધર્મેશ ગાંધી





Thursday, 11 July 2019

ટીમ-ઇન્ડિયા

#CWC19
વિભાજનમાં માનનારા આપણે હવે બે ગ્રુપમાં વહેંચાઈ જઈશું.
એક – ભારતીય ટીમને ‘કાગનો વાઘ’ કહેનારા...
બે – ‘અમે ટીમ-ઇન્ડિયા સાથે છીએ’ કહેનારા...
ઠીક છે, પણ આ હારમાંથી શીખવા જેવા લાઇફ મેનેજમેન્ટ ફંડા એ કે...
[૧] લોકો તમારો સંઘર્ષ નથી જોતાં, પરિણામ જુએ છે...
તમારી શરૂઆત કે મધ્ય કેવાં સંઘર્ષમય રહ્યાં, એની કોઈને દરકાર નથી.
લોકોને રસ ફક્ત તમારી હાર કે જીતમાં હોય છે!
[૨] વધુ પડતો આત્મવિશ્વાસ ઘાતક નીવડી શકે.
ઓવર-કોન્ફીડંસને અચ્છે અચ્છો કી લી હૈ... (સૌજન્ય મુવી : સ્પેશિયલ ૨૬)
[3] વીતી ચૂકેલા વર્લ્ડ રેકોર્ડ્સના ખડકલાથી આગળ નથી વધાતું...
ભૂતકાળની ભવ્યતા (કે નામોશી)ને વળગી નહિ રહેવું, વર્તમાનમાં જીવવું.
[૪] નિયમોને વળગી રહો.
ભલે છેલ્લી વિકેટ હોય (આખરી પળ), બાકી બચેલો રીવ્યુ લઈ શકાય.
[૫] ભલે ધુરંધરોનો સાથ છૂટી જાય, ધ્યેયપ્રાપ્તિ એ જ કલ્યાણ!
જીતનું ઝનૂન અંતિમ ચરણમાં પણ બતાવી શકાય. આખરી શ્વાસ (બોલ) સુધી.
એટલીસ્ટ, વી મસ્ટ ટ્રાય! (tried…)
જબ દુનિયા કો નામુમકીન લગે, વહી મોંકા હોતા હૈ કરતબ દિખાને કા...
(સૌજન્ય મુવી : ધૂમ 3)
[૬] રીઝલ્ટ ખરાબ આવે ને ઘરનું એકાદ સભ્ય મોં મચકોડીને ટકોર કરે તો શું વીતે?
અહીં તો એકસો-ત્રીસ કરોડ ટકોર...
પરાજયના સ્વીકાર સાથે ટીકાઓનો સામનો કરવાની સહનશક્તિ પણ કેળવો!
[૭] હંમેશા તમારી મહેનતનું ધાર્યું (પોઝિટીવ) પરિણામ નથી આવતું.
કાયમી કશું જ નથી, ન વિજય... ન પરાજય...
પરિવર્તન એ જ દુનિયાનો નિયમ છે!
(સૌજન્ય – ભગવદ્ ગીતા)
એથી સ્પર્ધા છોડી ન દેવાય. ગીવ-અપ..? નો... નેવર...
------------
ધર્મેશ ગાંધી
નવસારી
11.7.19

લિટરરી બ્રિગેડિયર ('સ્ટોરીમિરર' તરફથી મને મળેલ ખિતાબ)

લિટરરી બ્રિગેડિયર
-----------------------------
મારું શબ્દોરૂપી સર્જન!
વાચકોનો સકારાત્મક પ્રતિસાદ!😊
વાર્તાસ્પર્ધાઓમાં હાંસલ કરેલ પુરસ્કારો!🎖
અને કલમની કદરશનાસી!
એટલે...
સાહિત્યના પ્રતિષ્ઠિત વેબ-પોર્ટલ 'સ્ટોરીમિરર'
તરફથી મને મળેલ ખિતાબ!🏆
'લિટરરી બ્રિગેડિયર' -ની નવાજિશ!

This honor is bestowed upon
Dharmesh Gandhi
to be designated as
'Literary Brigadier'
in the 'Army of Literary Warriors'
at StoryMirror for lending a helping hand
in promoting literature.
--------
From:
Bibhu Datta Rout
CEO & Co-Founder
StoryMirror
--------
🙏આભાર વાચકમિત્રો/નિર્ણાયકો/શુભેચ્છકો,
આભાર સ્ટોરીમિરર!🙏StoryMirror Gujarati
----------
ધર્મેશ ગાંધી
નવસારી
5.7.19
#DGprint

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...