હિન્દુસ્તાનનું વિભાજન અને
'અપાયેલા વચનની ભૂમિ' - પાકિસ્તાન -નો જન્મ...
'અપાયેલા વચનની ભૂમિ' - પાકિસ્તાન -નો જન્મ...
આ લોહિયાળ જંગમાં કોણે વધારે સહ્યું?
સરહદની આ પારના લોકોએ કે
પેલી પારના?
પેલી પારના?
જવાબ છે -
સ્ત્રીઓએ - બન્ને તરફની, બંને મુલ્કની...
સ્ત્રીઓએ - બન્ને તરફની, બંને મુલ્કની...
આવી જ એક સ્ત્રીની લાગણીઓ જ્યારે
વિભાજન પામીને વેદનાનું રૂપ ધરે છે ત્યારે...
વિભાજન પામીને વેદનાનું રૂપ ધરે છે ત્યારે...
--------
વાંચો,
'વાર્તાસૃષ્ટિ' ત્રેમાસિકના દિવાળી અંકમાં
મારી વાર્તા 'ઊંડા અંધારેથી...'
(તંત્રી : શ્રી રવીન્દ્ર પારેખ)
મારું શરીર એવી
રીતે ફંગોળાયું જાણે કે મડદું!
‘અરે, કોઈક તો
જુઓ... હું હજી જીવું છું!’ મેં ચીસ પાડીને એમને જાણ કરવાની એક ભરપૂર કોશિશ કરી.
પણ તેઓ મડદાંમાં જ વ્યસ્ત રહ્યા. મારી ચીસ ધીરેધીરે આજીજીમાં ફેરવાઈ રહી હતી. પણ કોઈપણ
કશું સાંભળી શકવા ક્યાં સમર્થ હતું! કશુંયે જોવા કોઈ ટેવાયેલું હોત તો આટલાં
હુલ્લડો નહિ થયાં હોત. સદીઓથી સાથે રહેનારા શું આમ એકબીજાને નફરત કરતા હોત?
તમે પ્રગાઢ
નિદ્રામાં હોવ કે મૂર્છામાં, તમારી આંતરિક ચેતના ક્યારેય મરી પરવારતી નથી. તમને
બહારથી જોવાવાળા માટે ભલે તમે એક જીવતી લાશ સમાન હોવ, પણ તમારી અંદર તો એક રમખાણ
મચ્યું હોય છે - ચીસ પાડતા વિચારોનું રમખાણ! અમુક લોકો તો કબરમાં પણ સળવળાટ કરતા
હોય છે, પરંતુ એ સનેપાતને બહારના લોકો ક્યાં જાણી કે સમજી શકતાં હોય છે! જયારે હું
તો...
ઊંડો અંધકાર મને ઘેરી
વળ્યો હતો. એ ભારેભરખમ અંધારપટનો બોજ મને અસહ્ય જણાઈ રહ્યો હતો. આસપાસનું જલદ વાતાવરણ
મને અકળાવી મૂકતું હતું. હુલ્લડભરી હવામાં શ્વાસ લેવા માટેની મારી મથામણ હું ખુદ
અનુભવી શકતી હતી. મોત જેવી આ બેશુદ્ધ નિદ્રા મેં ક્યારેય નહોતી કલ્પી. હું બેશુદ્ધિમાં
હતી. પરંતુ, એ તો બહારથી મને જોનારાઓ માટે... અંદરથી તો હું અર્ધજાગૃત - અજંપાગ્રસ્ત!
મારો મૂંઝારો મારી અંદર ને અંદર હાહાકાર મચાવી રહ્યો હતો.
મારું
ફંગોળાયેલું શરીર મડદાની માફક પટકાયું. મારા શરીરને મારા જેવાં જ બીજાં ઢગલેબંધ
શરીરોનો સ્પર્શ થયો. ચોતરફ મારા શરીરના અંગો અન્ય મડદાંઓને અડી રહ્યાં હતાં.
જોતજોતામાં અનેક મૃતદેહો મારા શરીર ઉપર ખડકાવા લાગ્યા. મારા શરીરમાંથી નીકળતી
રક્તધારાઓ થીજી રહી હતી, ને અન્ય મૃતદેહોનું લોહી મને રગદોળી રહ્યું હતું. મેં
બેશુદ્ધ અવસ્થામાં પણ મૂંઝવણ અનુભવી - શું મારી જેમ જ કોઈ અન્ય પણ આ લાશોના ઢેરમાં
હોઈ શકે જે બેશુદ્ધ અવસ્થામાં મૂક આક્રંદ કરી રહ્યું હોય? બહાર ટ્રકોની ધણધણાટી સંભળાઈ
રહી હતી. મેં ફરી એક કારમી ચીસ પાડી, ‘હું જીવિત છું. કોઈ મને રાહતકેમ્પમાં લઈ
જાઓ... મારા પતિ બાવરા બનીને મને શોધી રહ્યા હશે...’ પણ ફરી એકવાર મારી ચીસ મારા ગળામાં
જ ગૂંગળાઈને રહી ગઈ. મારા શરીર ઉપર ગુજારાયેલા અત્યાચારોએ મારી યાદદાસ્ત થોડી પાંગળી
બનાવી દીધી હતી. મેં મારી સાચી હાલતનો તાગ મેળવવા માટેના પ્રયાસો આદર્યા...
‘ક્યાં આપણે નહિ,
ક્યાં તો એ કોમ નહિ,...’ પતિએ તલવાર ખેંચી કાઢતાં લલકાર કર્યો હતો.
‘આપણા એકનું કતલ
બરાબર એમના દસનું...’
લોકો હાકોટા ભરી
રહ્યા હતા. ‘ધર્મ’ અને ‘મજહબ’ને બચાવવાનો જંગ આપસમાં જ છેડાઈ ચૂક્યો હતો. હિંદુસ્તાનના
વિભાજને દરેક ધર્મ-જાતિ સાથે લોકોના હૃદયના પણ જાણે કે ભાગલા પાડી દીધાં હતાં. એક
તરફ દેશની આઝાદીની લડતનો વિજય હતો તો બીજી તરફ ‘તારી જમીન – મારી જમીન’ની લાલચમાં
માણસાઈ પોતે લોહિયાળ જંગથી પરાસ્ત થઈ રહી હતી. સદીઓથી સહિયારું જીવન ગુજારનારી સહિષ્ણુ
જાતિઓ સામસામે આવી ગઈ હતી. આપસની ખૂનામરકીએ માણસના માણસ પરના વિશ્વાસનું પણ બેરહમીથી
કતલ કરી નાખ્યું હતું. માનવતા શરમથી દમ તોડીને ચિત્કાર કરી ઊઠી હતી. હિંદુઓ ભારત
તરફ અને મુસ્લિમો પાકિસ્તાન તરફ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હિજરત કરી રહ્યા હતા.
બંગાળથી શરૂ થયેલાં કોમી રમખાણો બિહાર થઈને પંજાબને પણ એના કાળમુખમાં ફસાવી ચૂક્યાં
હતાં. મહેનતથી કમાયેલું-ભેગું કરેલું ધન, ઘર-બાર, જમીન-જાયદાદ – બધું જ તરછોડીને
માત્ર પોતાનો તથા પોતાનાંનો જીવ બચાવીને લોકો પોતપોતાના મુલક ભણી નાસી રહ્યા હતા.
આમાં સૌથી વધુ જો કોઈએ ભોગવ્યું હોય તો એ સ્ત્રીઓએ... પછી એમાં કોઈ કોમ કે ધર્મ અછૂત
નહોતો રહ્યો. સ્ત્રીઓની આબરૂના ધજાગરા ઊડી રહ્યા હતા. કેટલીયે સ્ત્રીઓને પરધર્મીઓ
દ્વારા ભગાડી જવામાં આવી રહી હતી. બળજબરીથી પત્ની બનાવી દેવાઈ હતી.
‘કોઈ મારી
પત્નીને આંગળી પણ અડકાડશે તો એનું માથું વાઢી નાખીશ...’ મને ઘરમાં ધકેલીને મારા
પતિ મારી આગળ અડીખમ ઊભા રહી ગયા હતા, જાણે કે ચટ્ટાન!
એક જોરદાર આંચકા
સાથે તમામ ગતિ થંભી ગઈ. થોડી જ વારમાં લાશોનો ઢગલો ફરી વેરવિખેર થઈને જમીન પર ખડકાયો.
ઢગલામાંથી કોઈનું ન તો કરુણ આક્રંદ સંભળાતું હતું કે ન તો કોઈની જીવલેણ ચીસ. શું
બધાં મૃતદેહો જ હશે? કે પછી કોઈક મારી જેમ બેશુદ્ધ, બિચારું, બેબાકળું ને ખામોશ
પણ...!
‘જલદી બીજા ખાડાઓ
તૈયાર કરો. હજુ ઘણી ટ્રકો લાવવી પડશે.’ બહારનું તંગ વાતાવરણ મારી અંદર સુધી પડઘા
પાડી રહ્યું હતું.
મારા શરીર સાથે
દબાઈને ખડકાયેલા મૃતદેહો જાણે ધીરેધીરે મારાથી અલગ થઈ રહ્યા હતા. મારી મૂર્છિત અવસ્થાએ
અનુભવ્યું કે એક એક કરીને દરેક પાર્થિવ શરીર લઈ જવાઈ રહ્યાં છે; ખાડામાં દટાઈ રહ્યાં
છે. મારું ઘાયલ હૃદય ધડકી રહ્યું હતું. શું મને પણ આમ જ ઢસડી જવામાં આવશે? મને
નિષ્પ્રાણ સમજી ખાડામાં ફંગોળી દેવામાં આવશે? પછી ઉપરથી માટી પાથરી દેવામાં આવશે? મનુષ્યએ
પોતે કરેલાં અધમ કૃત્યોને જાણે કે ભૂગર્ભમાં ધકેલી દેવામાં આવી રહ્યા હતા. અંદર
ધરબાયેલી નિર્દોષ અને અકાળે અટકી પડેલી જિંદગીઓની ઉપરની એ સમતલ જમીન જોઈને પાશવી
હુલ્લડખોરો એક રાહતનો શ્વાસ લેશે; બધું જ દબાઈ ગયાની સાંત્વના આપશે!
પણ... પણ, હું તો
હજી જીવું છું, ફક્ત આ મૂર્છાએ મારા શરીરના અંગોને હલનચલન કરવા લાયક નથી છોડ્યા,
નહિ તો હું ચીસ પાડીને મારી જીવંતતાનો પૂરાવો આપી દેત! પણ, આ શું? મને ઢસડીને લઈ
જતા કદમ એકાએક થંભી કેમ ગયા? આ સૂનકાર કેમ પડઘમ મચાવી રહ્યો છે? કોઈક ગુસપુસ કરી
રહ્યું હોય એવું જણાયું, ‘આ તો જીવે છે...’ મારી છાતી પર ફરી રહેલા હાથે અનાયાસે જ
મારા તેજ ધબકારા પકડી પાડ્યા હતા. એ બરછટ હાથોનો ઈરાદો તો એ જ હતો જે કોઈક બરછટ
દિમાગવાળા જઘન્ય પુરુષનો એક બેબશ સ્ત્રીના ખૂબસૂરત શરીર પરત્વે હોય! અલ્પવિરામમાં અટવાતી
હું એમની નજરમાં હવે એક લાશ મટી જીવિત, રમખાણનો ભોગ બનેલી, લૂંટાઈ ચૂકેલી અબળા બની
ચૂકી હતી. અને પછી તો અનેક હાથોએ વારાફરતી મારી જીવંતતાની પુષ્ટિ કરી જોઈ. એમના
હાથના કંપન પરથી હું અનુભવી રહી હતી કે મારી ચાલી રહેલી ધડકનો એમને ખુશી આપી રહી હતી.
મારી અંદર દાવાનળ ફાટી રહ્યો હતો. પરંતુ બહાર ફાટી નીકળેલી વિભાજનની હિંસક આગ સામે
એ દાવાનળ ઓલવાયેલો જ રહ્યો, આખરે હું મારી બેશુદ્ધિની જાળમાં ફસાયેલી હતી!
એ દિવસે પણ મારું
ખૂબસૂરત શરીર જ મારું દુશ્મન બન્યું હતું. અર્ધી રાતે ક્યાંકથી એક હિંસક ટોળું વસ્તીમાં
ઘૂસી આવ્યું હતું. પરધર્મીઓને શોધી-શોધીને પેટમાં ખંજર-તલવાર હુલાવાઈ રહ્યા હતા.
આતંકની ભીષણ આગમાં જકડાયેલા એ નરાધમોએ ન તો બાળકોને છોડ્યાં કે ન તો વૃદ્ધોને...
અને સ્ત્રીઓ તો જાણે કે આગ ઓકવાનું એક સાધન જ બની રહી... આ સમયગાળો કોઈ સ્ત્રીને જ
નહિ, પરંતુ આખા હિંદુસ્તાનની આબરૂના લીરેલીરા ઉડાડી એક સાલસ ગણાતી સંસ્કૃતિને વિશ્વભરમાં
નગ્ન કરી રહ્યો હતો. ઘરના દરેકને ઘાયલ કરી, ઘરની લાજ સમી એકમાત્ર સ્ત્રીને - મને -
એ પાશવીઓ ઊઠાવી ગયા હતા. એમનો ઈરાદો પોતાના મુલ્કમાં જતાં જતાં હાથ લાગ્યું એ ઝૂંટવીને
ભાગવાનો હતો. એ જ રીતે પેલે પારથી આ પાર પોતાના મુલ્કમાં આવતાં અમુક વિકૃત લોકો ત્યાંની
સ્ત્રીઓને ભગાડી લાવતાં હતા, ઢસડી લાવતા હતા.
દિવસો સુધી અંધારી
કોટડીમાં પૂરી રાખાયેલી હું પાશવી અત્યાચારોનો ભોગ બનતી રહેલી. ભાનમાં હતી ત્યારે
પણ અને મૂર્છામાં હતી ત્યારે પણ... બસ દરેક દશામાં લૂંટાતી જ રહી! આખરે એક દિવસ મને
બેશુદ્ધ હાલતમાં તેઓ કોઈક ખેતરમાં ફેંકી ગયા. ખેતરો અની સીમ પણ કોઈ સ્મશાનથી જુદાં
રહ્યાં નહોતાં.
‘ઇસકો
રાહત-કેમ્પમેં ડાલ દેના, ઇધર કી હી લગતી હૈ...’ કોઈક બોલ્યું, ને મને એક દિલાસો
મળ્યો. મારા પતિ રઘવાયા બનીને આમથી તેમ ફાંફા મારતા રખડતા હશે. બિચારા એ પણ તો
ઘાયલ હશે. એ જીવિત તો હશે ને? મને ધ્રાસકો પડ્યો... કે પછી આ કોમી હુલ્લડમાં...
નહિ, નહિ... હું ક્યાં આવા હલકા વિચારે ચઢી? મારા વગર અધમૂઆ થઈ પોતાની જાતને જ
કોસતા હશે!
મારી દિશા બદલાઈ,
પણ દશા તો હજુ એ જ, બેશુદ્ધિની... રાહત-કેમ્પ પહોંચતા પહોંચતા અમુક હાથો ફરીફરીને
હું જીવિત છું એવી પુષ્ટિ કરતા મારા આખા શરીરે ફરી વળ્યાં હતા. ફરી પાછો મારામાં એ
જ દાવાનળ... ફરી પાછી એ જ લાચારી... અને ફરી પાછી એ જ રમખાણની દુર્ગંધ..!
રાહત-કેમ્પમાં
આવતાં જ મેં થોડી રાહત અનુભવી. થોડાં કલાકોની તબીબી સારવાર પછી મારી બેશુદ્ધિ દૂર થઈ
રહી હતી. મને શરીરમાં કળ વળવા માંડી. મેં આંખો પટપટાવીને ચારે તરફ જોયું. સામે જ મારા
પતિને પોતાને જ માથે હાથ દઈને બેઠેલા જોઈને મારી આંખો છલકાઈ ઊઠી. પરંતુ... આ શું?
એ આ શું બોલ્યા?
‘એંઠી થયેલી
સ્ત્રી મને પત્ની તરીકે નહિ ખપે... લૂંટાયેલી આબરૂ સાથે પાછી ફરી એના કરતા તો કૂવો
પૂર્યો હોત તો...’ પતિની આગઝરતી નફરત જોઈ હું તો હતપ્રભ થઈ ગઈ.
પતિ ચાલ્યા ગયા,
મને તરછોડીને... લૂંટાયેલી અવસ્થામાં મને પડતી મેલીને... મારી લસલસતી લાગણીઓનું વેદનાભર્યું
વિભાજન કરીને...
મેં પણ પગ
ઉપાડ્યા, એમનાથી અલગ દિશામાં... ધીમી ચાલે ફરી એ જ ખેતરમાં આવી પહોંચી જ્યાં હજીયે
કેટલીયે લાશોનો ઢેર લાગ્યો હતો. ખેતરની અડધી કરતાં વધુ જમીન લોહિયાળ બની ચૂકી હતી.
મારા પગ લથડિયાં ખાવા માંડ્યા. હું ત્યાં જ ફસડાઈ પડી અને ફરી એકવાર બેશુદ્ધિમાં
સરી પડી. છેલ્લે છેલ્લે ટ્રકની ધણધણાટી મારે કાને અથડાઈ. ને ફરી એકવાર મારું શરીર
એવી રીતે ફંગોળાયું જાણે કે મડદું!
***સમાપ્ત***
(શબ્દો : ૧૩૪૦)




No comments:
Post a Comment