Sunday, 14 April 2019

વાર્તા પાછળની વાર્તા (દોખ્મે-નશીની - મમતા વિજેતા)

#DokhmeNashini #making
વાર્તા પાછળની વાર્તા...
--------------------------
'મમતા વાર્તાસ્પર્ધા ૨૦૧૮' માટે વાર્તા સબમિટ કરવાની આખરી તારીખ ૩૦ જૂન હતી. મેં એક વાર્તા લખીને મોકલી આપી. સમય સમાપ્ત. પાછળથી સ્પર્ધા એક મહિનો લંબાવીને આખરી તારીખ ૩૧-જુલાઈ કરાઈ. આ લંબાયેલી તકનો લ્હાવો લઈને મેં બીજી એક લખી નાખી. અને નસીબ(!)જોગે પહેલી વાર્તા અટવાઈ ગઈ, ને બીજી વાર્તા બાજી મારી ગઈ. મેં મારી સાથેની સ્પર્ધામાં મને જ પ્રથમ તો હરાવ્યો!
આજે 'મમતા'નો એપ્રિલ-૨૦૧૯નો અંક હાથમાં (મોબાઇલમાં/PDF... મોબાઇલ હાથમાં હતો, એટલે હાથમાં આવ્યો - એમ જ કહેવાયને!) આવ્યો...

આતુરતા એ વાતની હતી કે નિર્ણાયકોએ નોંધપાત્ર-વિજેતા ઘોષિત કરેલી મારી વાર્તા 'દોખ્મે-નશીની'ને નિષ્ણાત સમીક્ષકો/વિવેચકો તરફથી કેવો પ્રતિભાવ પ્રાપ્ત થાય છે! એમની કડક વિચારધારામાંથી એ બિચારી હેમખેમ પસાર થાય છે કે પછી...
અને 'ગયા અંકની વાર્તાઓ' તથા 'પંખીનો મેળો' વિભાગોએ 'ગરમી મેં ઠંડી કા અહેસાસ' જેવી હૂંફાળી શીતળતા પ્રદાન કરી. તેમના નિષ્પક્ષ તેમજ ઉત્સાહજનક અભિપ્રાયો મારા માટે 'જોશ-એ-કલમ' તરીકે ઉપસી આવ્યા. આ માટે સમીક્ષક/વિવેચક શ્રી બળવંત જાની, શ્રી Hasmukh Raval, શ્રી Kishore Patel, શ્રી અજય પુરોહિત -નો આભારી છું.


ખાસ કરીને, શ્રી હસમુખભાઈ રાવલના વિધાન - 'આ વાર્તા તારક મહેતા કા ઉલટા ચશ્માંવાળા આસિત મોદીને પણ આકર્ષે એવી છે...' તથા 'વાર્તા કોઈ શ્યામ બેનેગલની પ્રતીક્ષા કરે તેવી છે...' -મારા માટે સાહિત્યિક ધન્યતાની અનુભૂતિ અપાવનારાં છે! ઉપરાંત, એમણે ટાંકયું છે - 'રચનામાં પ્રાપ્ય દસ્તાવેજી વિગતોનો અભ્યાસ વર્તાય છે...' -તે શત-પ્રતિશત 'સહી પકડે હૈં!' જેવું નક્કર!

 'દોખ્મે-નશીની' લખતાં પૂર્વે મેં નજીકના પારસી-પુસ્તકાલયની ઊડતી મુલાકાત (માત્ર ત્રણ કલાક... કોઈનો મૂલ્યવાન સમય નાહકનો બગાડવો!) લીધી હતી. પારસી ધર્મની મરણોત્તર-વિધિ અંગે ત્યાંના સ્ટાફ જોડે ગૂફ્તગૂ કરી; દસ્તાવેજી પુસ્તકો/ચિત્રો/વિગતો મેળવ્યાં...


એ સહકાર બદલ પુસ્તકાલયના એડમિનિસ્ટ્રેટર સુશ્રી Parinaz Gheewalla તથા વડીલ શ્રી મરઝબાન ગિઆરા તેમજ The First Dastoor Meherjirana Library -નો અંતઃકરણપૂર્વક આભાર.
--------------
ધર્મેશ ગાંધી
(નવસારી) 14.4.19
#DokhmeNashini
#making






No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...