અરે, બાપુ...
નથી હું કોઈ સ્ટીફન કિંગ 🕵
કે નથી એડગર એલન પો..👺
પણ, એનો મતલબ એવો થોડો કે મારાથી 'હોરર' 👽નહિ લખાય! એટલીસ્ટ, ટ્રાય તો કરાય ને?
તો લો આ કરી! હેપ્પી? ડરી ગયાં? તો ચાલો, વાંચી પણ લો...
મમતા - હોરર વિશેષાંક - જુલાઈ 2019
-----------------------------------------------
આ વાર્તા વાંચીને 'મમતા મંડળી' અવાક બની જાય છે.👻
-ઐસા ખુદ ગબ્બર (મમતા મંડળી)ને બોલા હૈ!
હવે જોઈએ, વાચકો શું બની જાય છે!🙊
----------------
નથી હું કોઈ સ્ટીફન કિંગ 🕵
કે નથી એડગર એલન પો..👺
પણ, એનો મતલબ એવો થોડો કે મારાથી 'હોરર' 👽નહિ લખાય! એટલીસ્ટ, ટ્રાય તો કરાય ને?
તો લો આ કરી! હેપ્પી? ડરી ગયાં? તો ચાલો, વાંચી પણ લો...
મમતા - હોરર વિશેષાંક - જુલાઈ 2019
-----------------------------------------------
આ વાર્તા વાંચીને 'મમતા મંડળી' અવાક બની જાય છે.👻
-ઐસા ખુદ ગબ્બર (મમતા મંડળી)ને બોલા હૈ!
હવે જોઈએ, વાચકો શું બની જાય છે!🙊
----------------
ચીબરી
ચીબરીએ
એવી તીણી ચીસ પાડી જાણે કે કોઈએ પેટ ચીરીને આંતરડાં ખેંચી નાખ્યાં હોય!
મારા
શરીરમાંથી ભયનો ટાઢો સૂસવાટો પસાર થઈ જાય છે. મને આંખ ખોલીને આસપાસ જોઈ લેવાની તીવ્ર
ઈચ્છા થઈ આવી. પરંતુ, ગાઢ ઊંઘ મને એવી રીતે ઘેરી વળી છે કે મારું શરીર એ માટે
આનાકાની કરી ઊઠે છે. મારી ઈચ્છાને દફનાવીને ફરી એક વાર હું નિશ્ચિંત બનીને ઊંઘવાની
કોશિશ કરું છું. સતત ત્રણ મહિનાની માંદગીનો થાક કેટલો અસહ્ય હોય એ અત્યારે હું
તમને સમજાવી શકવાની પરિસ્થિતિમાં નથી, છતાં એટલું કહીશ કે લાંબા અરસા પછી મને આજે
નિરાંતે ઊંઘ આવી છે!
હું
પૂર્ણરૂપે સંતુષ્ટ થાઉં એ પહેલાં તો મારો આખો કમરો ધ્રૂજી ઊઠે છે. જાણે કે
ધરતીકંપના આંચકા આવી રહ્યા હોય એમ ચારે તરફથી હું કંપન મહેસૂસ કરું છું. મેં
અનુભવ્યું કે કોઈક અજાણી વ્યક્તિઓ પોતાની અલૌકિક શક્તિઓથી છત અને દીવાલો ઉપર એકધારા
પ્રહારો કરી રહી છે. આ એવી શક્તિઓ છે જેમને જોઈ શકવા માટે હું સાવ અસમર્થ છું, કેમકે
– એક તો હું ગાઢ નિદ્રામાં છું; બીજું – હું ભયભીત છું! અને આમ પણ એમની રહસ્યમય
દુનિયાથી હું સાવ અલિપ્ત છું. વળી આ એકલતા પણ મારા માટે હંમેશા ડરાવનારી જ રહી છે!
માણસ ગાઢ નિદ્રામાં સરી પડે એટલે એ સાવ એકલો થઈ જાય છે. દિવસ દરમ્યાનના વિચિત્ર
કહેવાય એવા વિચારો સ્વપ્નમાં પરિવર્તિત થઈ જાય છે. ખબર નહિ છેલ્લાં કેટલાંય દિવસોથી
કે મહિનાઓથી આ સ્વપ્નોએ મને શાંતિથી સૂવા દીધો ન હતો! ડોકટરોએ આરામ કરવાની, પૂરતી ઊંઘ લેવાની મને ખાસ તાકીદ કરી હતી, પણ...
જોકે
છેલ્લાં અમુક મહિનાઓથી મારી સારસંભાળ રાખવામાં કોઈએ કસર નહોતી છોડી. દિવસ-રાત સગાં-સ્નેહીઓનો
સંગાથ... મહેમાનોની અવરજવર... હું સૂતો હોઉં કે જાગતો, મારી દવાઓ તથા ખોરાકને લઈને
તેઓ હંમેશા સજાગ... અને એટલે જ તો બીમારીમાંયે મારું શરીર હૃષ્ટપુષ્ટ બની ગયું હતું.
ડોકટરોને તો જાણે કે અખતરા કરવાનીયે મઝા પડી ગઈ હતી. ક્યારેક તેઓ કોઈક
ઇન્ટર્નશિપવાળા યુવક-યુવતીઓને મારું શરીર ‘એક્સ્પ્લેઇન’ કરવા માટે લઈ આવતા. એમને સમજાવતા
કે મનુષ્યના શરીરના કયા અંગોમાં ક્યારે અને કેવી હરકત થાય! જયારે કોઈ ફૂટડી, નાજુક
અને શરમાળ યુવતી મારા શરીરના વળાંકોને એકીટશે કુતૂહલથી જોયા કરતી ત્યારે મને ઉત્તેજનાવશ
થઈ આવતું કે કાશ હું બીમાર ન હોત...
પણ
આ લોકો... કમરાની છત ઉપર થતા પ્રહારો હવે મને સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા છે. તેઓ
તદ્દન નજીક છે. મારું હૃદય થડકારો અનુભવી રહ્યું છે. મારું શરીર સાવ ઠંડુ પડી
ચૂક્યું છે, જાણે કે કાપો તો લોહી પણ ન નીકળે! ભય કોને કહેવાય એ ક્યારેક મને પૂછજો,
સમજાવીશ... હું આંખો ખોલવાની અથાગ કોશિશ કરું છું પણ ડોકટરોએ મને આરામ કરવાની રીતસરની
ધમકી આપી છે. એમને મારા ઉપર ગળા સુધીનો વિશ્વાસ હતો કે હું પણ દરેક સામાન્ય
દર્દીની જેમ જ વર્તીશ; એમની શિખામણની અવગણના જ કરીશ... એટલે તો એમણે મને ઇન્જેક્શન
પણ આપી જ દીધું હતું. એનાથી મને મારા માટે દુર્લભ થઈ ચૂકેલી ઊંઘ પ્રાપ્ત થઈ હતી. અને
મઝાની વાત તો એ હતી કે તેઓ જાણે કે મારી મજાક ઉડાવતા હોય એમ અંદર અંદર ગૂસપૂસ કરી
રહ્યા હતા – જોઈએ હવે આજે ઊંઘે છે કે નહિ... બીજો બોલ્યો – ઊંઘશે તો ખરો જ, પણ ઊઠે
છે કે નહિ એ જોઈએ... મારી આંખના પોપચાં ભારે થાઈને ઢળી પડે એ પહેલાં એમના ચહેરા
ઉપર મારા પ્રત્યેનો ઉપહાસ હું સ્પષ્ટપણે જોઈ શક્યો હતો.
કોઈક
વજનદાર વસ્તુના ઘા પડી રહ્યા હોય એમ ધીમે ધીમે મારા કમરાની લાકડાની દીવાલો કંપન
કરી ઊઠી. ક્યારેક લોખંડનો કોઈક અણીદાર પદાર્થ છત ઉપરથી કમરામાં પ્રવેશવા માટે જોર
લગાવે છે, તો ક્યારેક એ અદ્રશ્ય લોકો કમરાની દીવાલ ચીરીને મારા શરીરના ટુકડા કરી
નાખવા માંગતા હોય એમ એમના હથિયારો મારી લગોલગ ધસી આવે છે. અત્યારે હું મારી
વિવશતાને ભારોભાર કોસી રહ્યો છું, સાથે સાથે ડોકટરોની ક્રુરતા ઉપર પણ મને દાઝ ચઢવા
માંડી છે. ચાલો માન્યું, મને આરામની જરૂર હતી, ઊંઘની સખત આવશ્યકતા હતી... પરંતુ આ
હદની નિષ્ક્રિયતા..? મને લાગ્યું જાણે કે મારી અકળામણ એનો સીમાડો વળોટીને કમરાની
છત સાથે અફળાઈ રહી છે. ગમે તે ઘડીએ એ અણદીઠા આગંતુકો મારી છાતીની પાંસળીઓ તોડીને મારું
હૃદય બહાર ખેંચી લેશે, મારા આંતરડાં કાપીને મારું તંદુરસ્ત શરીર ખોખલું કરી નાખશે...
મારી
ઊંઘમાં ખલેલ ન પહોંચે એ આશયે જયારે સગાં-સંબંધીઓ મને કમરામાં સૂતેલો છોડીને જતાં
રહ્યાં હતાં ત્યારે લગભગ ખરા બપોર હતા એવું અધકચરું મને યાદ છે. જયારે અત્યારે... સન્નાટાથી
જડ બની ચૂકેલું અંધારું હું અનુભવી શકું છું! એટલા માટે નહિ કે હું આંખો ખોલવા
માટે અસમર્થ છું, પણ એટલા માટે કે કમરામાં છવાયેલા અંધકારને હું મહેસૂસ કરી શકું
છું. આ અંધકાર ભીતરનો હોય કે બહારનો, સર્વત્ર અપશુકનિયાળ જ નીવડે છે! અને એમાં
મારી એકલતા ભળી ગઈ હોય એમ હું શૂન્ય બની જાઉં છું. અંધકાર અને એકલતા – બંને એકબીજાના
પૂરક છે. તમે એકલા હોવ ત્યારે તમને ભીતરથી અંધકારની અનુભૂતિ થાય છે. એ જ પ્રમાણે જયારે
તમારા જીવનમાં અંધકાર પથરાય છે ત્યારે તમને એકલતાની અનુભૂતિ થવા માંડે છે... અને એ
સાહજિક છે! એકલતા અને અંધકાર – બંને જાણે કે એક કમરાના બે ખૂણા... બંને એકબીજાને
સતત તાકતા જ રહે!
અચાનક
કમરાની બહારનો ગણગણાટ મારા કાનમાં ઘસરકા પાડી ઊઠે છે. અને એ અવાજ અંદર પ્રવેશી
શકવાનું કારણ હતું –કમરાની દીવાલોમાં ઠેર ઠેર પડી રહેલાં બાકોરાં... છત ફાટી ગઈ
છે. દીવાલો લગભગ ધરાશાયી થઈ ચૂકી છે. ટોર્ચનો પ્રકાશ મારા શરીરનું વિશ્લેષણ કરી
રહ્યો છે. બંધ આંખે પણ મેં મહેસૂસ કર્યું કે એ અજાણ્યા અને બિહામણા પડછાયાઓ મારા
કમરાની અંદર આગમન કરી ચૂક્યા છે. તેમના અણિયાળા નખવાળા પંજાઓ હવે મારા આખા શરીરને
એક કઠોર સ્પર્શ આપી રહ્યા છે. મારી છાતી ઉપર વિખેરાયેલા ફૂલો તથા સુખડના હારને
ફેંદીને મારા વસ્ત્રો ચીરી રહ્યા છે. હું કંઈ પણ સમજું-વિચારું એ પહેલાં મારી
કમરની ઉપર તરફ પેટની બંને બાજુએ એક હૂંફાળો અને અણીદાર સ્પર્શ થાય છે. છરી જેવું કોઈક
તીક્ષ્ણ હથિયાર મારા પેટને ચીરતું અંદર સુધી ફરી વળ્યું હોવાનું હું મહેસૂસ કરું
છું. મને આંખ ખોલીને આસપાસ જોઈ લેવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે. પરંતુ, હું તો ચિરનિદ્રામાં
ઘેરાઈ ચૂક્યો છું!
એક
ચિર ક્ષણ સ્તબ્ધ નીરવતામાં પસાર થઈ જાય છે... ગણગણાટ શમી જાય છે... ને ફરી એ જ
ભેંકાર ખામોશી, સર્વત્ર...
સૂરજનું
પહેલું કિરણ મારી ત્વચાને સ્પર્શે છે. આસપાસ કોલાહલી વાતાવરણ મને અનુભવાય છે. એ ઘોંઘાટ
મારી અંદરથી ઊઠી રહ્યો છે કે બહારથી એ જાણવા મેં કાન સરવા કર્યા. એ કોલાહલમાંથી
તારવેલો થોડો અસ્પષ્ટ અવાજ મારા મસ્તિષ્કમાં અથડાય છે–
‘રેસ્ટ
ઇન પીસ!’
‘લાગે
છે હવે કબરોને પણ રખેવાળ જોઈશે...’
‘ચાલો,
ચાલો... પીંખાયેલાં આંતરડાં નથી જોયા કે શું..?’
-ને
ફરી એક વાર ચીબરીની તીણી ચીસ મારા કાનમાં પેસી ગઈ હોય એવી ભ્રમણા મને ઘેરી વળે છે!
***સમાપ્ત***
ધર્મેશ ગાંધી





No comments:
Post a Comment