લઘુકથા - વારસાઈ
કુમાર - ડિસેમ્બર ૨૦૧૯
કુમાર - ડિસેમ્બર ૨૦૧૯
ધર્મેશ ગાંધી
છેવટે એણે
મીણબત્તી સળગાવી. એક ખોબા જેટલું અંધારું દૂર થયું. ભીંતે લટકતી ઘડિયાળના થીજી
ગયેલા કાંટા સામે એણે ક્યાંયે સુધી જોયા કર્યું. પિતાને પગલે ચાલવું કે પછી...
આગળ એ કંઈક વિચારે
ત્યાં તો પલંગ જેટલી વધી ગયેલી ચિંકીએ પડખું બદલ્યું. કમજોર થઈ ગયેલા પાયાનો કિચૂડ
કિચૂડ અવાજ કાને અથડાતા એણે એક નિસાસો નાખ્યો. જમીન ઉપર પાતળી ગોદડી પાથરીને સૂતેલી
પત્નીનો ચહેરો ઊંઘમાં પણ નિસ્તેજ જણાતો હતો. એની બંધ આંખો હેઠળ ઢંકાયેલી કીકીઓ હંમેશની
માફક સ્થિર હતી. ખરી પડવાને આરે આવીને લટકતા, ભીંતના વર્ષો જૂના પોપડા જોઈને એને બે
દાયકા બાદ એકઠા થયેલા શાળા-મિત્રો સાથેનો સંવાદ યાદ આવ્યો...
'મારા પિતા બિઝનેસમેન હતા...’ એક મિત્રએ જણાવ્યું હતું. ‘વારસામાં એમણે
છોડેલા ફેકટરી-બંગલાએ એમના મૃત્યુનો વસવસો નહિ થવા દીધેલો. ને પછી મેં પણ એ બિઝનેસમાં
જ...'
બીજો મિત્ર બોલ્યો
હતો, ‘મને વારસામાં સંગીત મળ્યું, અને હું પણ...’
‘અલ્યા તિમિર, તને કંઈ નથી
મળ્યું વારસામાં?’ મિત્રોએ એને પૂછ્યું હતું. ‘તું પણ તારા
પિતાને પગલે જ..?’
મીણબત્તીના ઝાંખા
અજવાળામાં એણે એક ત્રાંસી નજર ઘરની છત ભણી ફેંકી. ક્યારેક બેફામ ઝડપે ચકરાવો
લેતો પંખો સાવ અટકી પડ્યો હતો. એનો સમગ્ર ભાર એને પોતાના માથા ઉપર વરતાઈ રહ્યો હતો, દાયકાઓથી!
એ હોઠ ભીંચીને
મનોમન બબડ્યો, ‘પિતાને પગલે... નહિ, ક્યારેય નહિ!’
અને મધરાતે ઓચિંતા અટકી પડેલા પંખા ઉપર નિષ્ક્રિય
થઈને લટકી રહેલો એક દેહ એની નજર સમક્ષ તરવરી ઊઠયો.
◆ ધર્મેશ ગાંધી



No comments:
Post a Comment