ચડ્ડી પહેરીને શાળાએ જતાં ત્યારની એક ઇચ્છા મનમાં સળવળાટ કર્યાં કરતી - ક્યારેક પેપરમાં 'ફોટો' આવવો જોઈએ. દોસ્તાર સાથે ઇચ્છાઓની આપ-લે થતી એમાં મારું આ ફોટોવાળું મોખરે.
તે એક દિવસ મેં મારા એક દોસ્તારને (હા, એક જ દોસ્તાર હતો, એને જ) કહ્યું, 'શુરા...' (સુરેશ નામ એનું) 'હારા, બધ્ધાના ફોટા પેપરમાં આવવા માઇન્ડા; આપડા ક્યારે આવહે?' પણ પછી શુરાએ મને સમજાવ્યું. (શુરો મારાથી મોટો, ને હોશિયાર પણ... ૩ વર્ષથી એક જ ક્લાસમાં રહેલો એટલે ફરક તો પડે જ!) એ મને કહે, 'ઢમા, એ બધ્ધાના ફોટા આઇવા તો ખરા, પણ એ લોકાએ જોયા થોડી અહે!'
મેં પૂછ્યું કે કેમ એમ... તો કહે, 'તું તો અલા પેપરના પાછલે પાને 'અવસાન નોંધ'ના ફોટા જોઈ આઇવો!' બસ, ત્યારથી મેં દરેક ફોટાની ઉપર-નીચે પણ વાંચવાનું શરૂ કરી દીધેલું.
આજે એકાએક આ ચડ્ડી-યુગની વાત એટલા માટે યાદ કરવી પડી કેમકે આવા (એટેચમેન્ટ) મોટા પાના ઉપર નાનકડો ફોટો પણ આવી જાય તોયે બે ઘડી આપણને હરખ થઈ આવે. અને આમ પણ યાદગીરી બનીને જવલ્લે ધસી આવતી હરખની અમુક ક્ષણોને ક્યાં કોઈ 'લોકડાઉન' લાગે છે!
શુરાને 'ટેગ' કરતે, પણ એ છે નહીં... ફેસબુકમાં પણ અને આ દુનિયામાં પણ!
-----^-----^-----^------
ધર્મેશ ગાંધી (નવસારી)
12.6.20

No comments:
Post a Comment