ફેસ ઓફ ફેઇલ્યોર
-----------------------
સેલીબ્રીટી બનવું સહેલું નથી. તમે જે ક્ષણથી સફળતાની સીડી ચઢવાનું શરૂ કરો છો એ જ ક્ષણથી તમે તમારી સાથે બે પ્રકારના ‘લગેજ’ લઈને એ સફર આદરો છો. એક બેગમાં તમારા સમર્થકો હોય છે તો પીઠ પાછળ લટકી રહેનારી બેકપેકમાં તમારા વિરોધીઓ... એ બાય ડીફોલ્ટ હોય છે; તમારી ચોઇસ હોય કે ન હોય; હંમેશા સાથે રહેનારા; તમારી દરેક હિલચાલ ઉપર નજર રાખનારા...
તમે કોહલી હોવ કે ધોની, અમિતાભ હોવ કે પ્રિયંકા, સકસેસ અને ફેઇલ્યોર તો દિવસ-રાતના ચક્રની જેમ એક પછી એક તમારી લાઇફ અને કેરિયરમાં આવતાં જ રહે છે. પણ ડગલે ને પગલે તમને મૂલવવાવાળા જયારે ભાન ભૂલીને કમેન્ટ કરે ત્યારે એ શોભાસ્પદ નથી લાગતું.
આઇ.પી.એલ.ની એક મેચમાં કોહલીએ ફિલ્ડર તરીકે બે કેચ ડ્રોપ કર્યા અને બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો. થાય એ તો... પરફોર્મન્સ તો કથળેલું જ ગણાય. એગ્રી. પણ હદ તો ત્યારે થાય જયારે ક્રિકેટના લીજેન્ડરી ગણાતા ગવાસ્કર સાહેબ એ બાબતે સાવ કથળેલી કક્ષાની કમેન્ટ કરે. લોક્ડાઉન દરમ્યાન કોહલી-અનુષ્કાએ ક્રિકેટ રમતાં હોય એવો એક મસ્તીભર્યો-મઝાનો વિડિયો અપલોડ કર્યો. ને સર ગાવસ્કરે કોહલીની નિષ્ફળતાનો રેફરન્સ એ વિડિયોમાં શોધી કાઢ્યો. સો ટેલેન્ટેડ! (બાપુ રમતા રમતા પર્સનલ લાઇફ સુધી પહોંચી ગયા... એમ તો રોહને પણ ક્રિકેટમાં શું ઉકાળ્યું હતું એ તો આખું જગ જાણે છે.) ગાવસ્કર ઉવાચ, ‘અબ જો લોક્ડાઉન થા, તો સિર્ફ અનુષ્કા કી બોલિંગ કી પ્રેક્ટીસ કી ઉન્હોંને, વો દિખા વિડિયો મેં, ઉસસે તો કુછ નહિ બનના હૈ.’ (આ સ્ટેટમેન્ટના ઘણા અર્થ નીકળી શકે. અનુષ્કાનો બેબી-બંપ (પ્રેગ્નન્ટ) ફોટો પણ શેર થયો હતો, જે ખરેખર તો શુભ સમાચાર જ ગણાય.)
જોકે અનુષ્કા શર્માએ પણ સણસણતો પ્રત્યુત્તર આપ્યો, જેનો સારાંશ કંઈક આવો છે - ‘મિ. ગાવસ્કર, આપની કમેન્ટ અણછાજતી છે. પતિની રમત/નિષ્ફળતા અંગે ક્યાં સુધી પત્નીને દોષ દેતા રહેશો? મને ક્રિકેટમાં ઢસડતા રહેવાનું ક્યારે બંધ કરાશે?’
ઘણી વખત તમારા જમાનામાં તમને તમારી સફળતા બદલ ઓછો શ્રેય મળ્યો હોય, અને આજના જમાનામાં અઢળક ફેઇમ/મની મળતાં હોય તો એનીયે બળતરા આવા સમયે આવા લીજન્ડોના મસ્તિષ્કમાં ઊભરી આવે ખરી. (દરેક ક્ષેત્રમાં)
ને તાજા સમાચાર મુજબ ગઈ કાલની મેચની સુપર ઓવરના લાસ્ટ બોલે બાઉન્ડ્રી ફટકારીને કોહલીએ MI સામે પોતાની ટીમને વિજય અપાવ્યો. કોઈની રમતનું વિશ્લેષણ કરવું યોગ્ય જ છે, પણ એ ક્ષેત્રની ગરિમા જાળવવાનું ચૂકી જવાય ત્યારે..?
અહીં ભોગ બનનારે એટલું જ કરવાનું, તમારા વિરોધીઓ જ્યારે છાપરે ચઢીને તમારી વિરુદ્ધ ટીકાઓ કરે ત્યારે તમારે પણ એમની સાથે છાપરે નથી ચઢી જવાનું. તમારે તો નીચે જ રહેવાનું છે; પોતાના લક્ષ્ય ઉપર ફોકસ રાખવાનું છે. પુરુષાર્થ એવો કરો કે તમારું કામ પછી એ જ છાપરે ચઢીને તમારું નામ પોકારે. સફળતાની એ ગૂંજમાં વિઘ્નસંતોષીઓના ઝેર ઓકતા નિવેદનો આપોઆપ રૂંધાઈ ઊઠશે. એ જ તમારી ખરી જીત છે. તમે ખામોશ રહો. તમારી ટીકાઓનો જવાબ તમારા 'કામ' (પરફોર્મન્સ)ને આપવા દો.
આશા રાખીએ, કોહલી પુરુષાર્થના બળે આવા 'માસ્ટરો'ને ખામોશ કરે!
-------------
ધર્મેશ ગાંધી
29.9.20


No comments:
Post a Comment