Saturday, 2 May 2020

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી... (part-2)

 

【'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...
---*---*---
બ્લોક–૨
---^---^----
પારદર્શક બોટલની અંદરના લાલ પ્રવાહીને નિહારિકા એકીટશે તાકી રહી. એની આંખોમાં રતાશ તરી આવી. માથાને એક હળવો ઝાટકો મારીને એણે બોટલ ફરીથી ફ્રીઝમાં ગોઠવી દીધી. હવે નહિ... ક્યારેય નહિ! ફેફસામાં લથડિયા ખાઈ રહેલો શ્વાસ એણે કમરાની બંધિયાર હવામાં મુક્ત કર્યો.
કાચના કબાટમાં ખડકાયેલા ઢગલેબંધ પુસ્તકોની ઓથેથી સાઇકોએ અનુમાન લગાવ્યું કે નિહારિકા એની હાજરીથી તદ્દન અજાણ છે. એ તો જાણે કે પોતાની જ કોઈક દ્વિધામાં ડૂબેલી હતી. દ્વિધા? હા, દ્વિધામાં તો એ પોતે હતો. લાંબા અરસાથી એક નવી તરેહના કતલ માટે એ મરણીયા પ્રયાસો કરી રહ્યો હતો. પણ દરેક અવસર કતલ વગરનો પસાર થઈ જતો. એનું મનોબળ સાવ જ મરી પરવાર્યું હતું. એણે મન મક્કમ કર્યું, આજે તો પોતાની સક્રિયતા પૂરવાર કરવી જ છે. ત્રણ-ત્રણ વર્ષની નિષ્ક્રિયતાએ એને અંદરથી તોડી નાખ્યો હતો. એણે ક્ષણિક સેલ્ફ-એનાલીસીસ કર્યું. ઝીણી-ઝીણી બાબતોને નાહકની ઊંડાણમાં અનુસરવામાં, પોતાના કામમાં વધુ પડતાં પરફેક્શનની બળવત્તર થતી જતી ઘેલછામાં એનું કામ બિલકુલ સ્થગિત થઈ ચૂક્યું હતું. હંમેશા કંઈક નવી રીતથી કતલ કરવાના અભરખાથી એના હાથને જાણે કે લકવો મારી ગયો હતો.

 
પોતાની જાતને છૂપાવી રાખીને એણે હળવે રહીને તિરાડમાંથી જોયું. નિહારિકાના શરીર ઉપરથી અળગું થઈ રહેલું ટી-શર્ટ એક અજીબ પ્રકારની ખુમારી ફેલાવી રહ્યું હતું. એણે એકીટશે જોયા કર્યું. સોફા ઉપર બેપરવાઈથી ફંગોળાયેલું મદમસ્ત શરીર થોડી ક્ષણો સુધી ખામોશ રહ્યું. ડાબા હાથ વડે નિહારિકા પોતાનું કપાળ દબાવી રહી હતી. સૂતાં-સૂતાં જ ટેબલનું ખાનું ખોલીને એમાંથી અમુક ટેબ્લેટ્સ કાઢીને મોંમાં મૂકી. આંખો બંધ કરીને એ સવાસનની મુદ્રામાં પડી રહી.
સાઇકો ધીમે પગલે સક્રિય થવા માટે આગળ વધ્યો. આજે મનસૂબો ઘડાઈ ચૂક્યો હતો. પોતાનામાંથી જ પ્રેરણા લઈને આજે તો કોઈપણ સંજોગોમાં કતલ કરવું, નવી શરૂઆત કરવી. લોકોમાં પોતાનો ખોફ ફરીથી જાગ્રત કરવો. અગાઉ પોતે ક્યારેય આવી વિકટ માનસિક તાણ નહોતી અનુભવી. નિરાશાની ગર્તામાં સરી પડેલાં લોકોને તો એ પોતે જ ધિક્કારતો હતો. પરંતુ, છેલ્લા કેટલાંક વખતથી એ ખુદ હતાશ થઈ ગયો હતો! કતલ કરવા અગાઉ હંમેશા એ મનોમન બબડતો, ‘જેને જિંદગી પ્યારી નથી, એ વ્યક્તિ મને પ્યારી નથી!’ સખતાઈથી એનો હાથ ખંજર સાથે ઉંચે ઊઠતો. એક જીવલેણ ઘા અને શિકારના ગરમ લોહીની ધાર ઉડાડતો એ ઝૂમી ઊઠતો. પરંતુ, અત્યારે... સોશિયલ મીડિયા ઉપર ‘વાઇરલ’ થઈ રહેલી અનેક પોસ્ટ્સ એના દિમાગમાં ઘૂમરાઇ રહી હતી - ‘‘સાઇકો’ ઇઝ નો મોર..! ત્રણ વર્ષ પહેલાં હાહાકાર મચાવી દેનાર ‘સીરીયલ કિલર’ અન્ડરગ્રાઉન્ડ...’ એ પોતાના અસ્તિત્વ ઉપર બેહદ શરમ અનુભવવા માંડ્યો...
----^-----^----
(ક્રમશઃ)
©ધર્મેશ ગાંધી
--^---^---^----^---

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...