'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...
*
બ્લોક–૫ (અંત)
---^---^----^---^---
‘જાણે કે સદંતર બધું ‘બ્લોક’ થઈ જવું...’ લેપટોપના કેમેરામાંથી ડૉ. માનસીનો અવાજ ગૂંજી રહ્યો હતો, ‘મસ્તિષ્ક ધુમ્મસભર્યું લાગવું... માનસિક તાણ... આ અવસ્થા ‘રાઇટર્સ બ્લોક’ છે. આવી હાલતમાં લેખક માટે કંઈ પણ લખવું-વિચારવું જાણે કે સાવ મુશ્કેલ થઈ પડે! દરેક લેખકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવો તબક્કો આવતો જ હોય છે, ડિયર! તારો આ તબક્કો લાંબો ચાલ્યો, નિહારિકા, ખૂબ જ લાંબો...’
નિહારિકાએ પાણીનો ઘૂંટ ભર્યો.
‘સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહેલી, તારું મનોબળ તોડી નાખતી દરેક પોસ્ટ્સનો જવાબ તારે તારા લખાણથી આપવાનો છે. ત્રણ વર્ષથી આગળ નહિ વધી શકેલી તારી એ ‘સાઇકો’ નવલકથા-સિરીઝ હવે તારે આગળ વધારવાની છે, નિહારિકા...’
નિહારિકા સૂનમૂન બનીને ડૉ. માનસીને તાકી રહી.
‘હું સમજી શકું છું, ડિયર! ત્રણ વર્ષથી જીવાતું એકાકી જીવન કોઈપણ વ્યક્તિને...’
નિહારિકાની પાછળ એકદમ લગોલગ આવી પહોંચેલો સાઇકો સ્તબ્ધ થઈ ગયો. વિચારી રહ્યો – ‘સાઇકો’? નવલકથા? તો હું કોણ છું? શું મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી? આ... આ નિહારિકા એક લેખિકા છે? અને હું એની નવલકથાનું માત્ર એક કાલ્પનિક પાત્ર..? એ મારી સર્જનહાર? અને એનાં ‘રાઇટર્સ બ્લોક’ને કારણે જ હું આમ ત્રણ વર્ષથી પોતાની જાતને નિષ્ક્રિય અનુભવી રહ્યો હતો?
ધીમે ધીમે નિહારિકાએ સ્વસ્થતા મેળવવા માંડી. એણે ડાયરી ખોલી. ફાઉન્ટન પેન ઉપાડી. મોટેથી બોલી, ‘મનને વિચલિત કરી દે એ દરેક બાબતોને હવે હું એ અવગણીશ. મારી આ એકલતા એ અવરોધ નહિ, આઝાદી છે... સર્જન માટેની આઝાદી!’ ધીમેં ધીમે ડાયરીના કોરા કાગળો ઉપર કાળી સ્યાહીના લસરકા પડવા માંડ્યા; શબ્દો ફૂટવા માંડ્યા... ને ધુમ્મસ વિખેરાતું ગયું.
સાઇકોએ ફરી એક વખત પોતાની જાતને કાચના કબાટમાં રહેલા પુસ્તકોની ઓથે મેળવી. ફરી એક વખત એણે માથું ઊંચક્યું. ખંજરવાળો એનો હાથ સખતાઈથી ઊંચકાયો. એ મક્કમ કદમે આગળ વધ્યો અને કમરાનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયો, નવા શિકારની શોધમાં... કતલ કરવાની કોઈક અનોખી રીત લઈને...
દસમે દિવસે સોશિયલ મીડિયા ફરી એક વાર ધમધમી ઊઠ્યું – ‘સીરીયલ કિલર ‘સાઇકો’ ઇઝ બેક...’ -વાંચો બેસ્ટસેલર લેખિકા નિહારિકાની કલમે...
***સમાપ્ત***
---^---^----^---
© ધર્મેશ ગાંધી (નવસારી)
---^---^---^----
(મારી આ નવલિકા ‘વાર્તાસૃષ્ટિ’ સામયિકના અંક ‘એપ્રિલ-૨૦૧૯’માં પ્રકાશિત થઈ ચૂકી છે.)
---^---^---^----^---
【Facebook - પ્રકરણ લિંક-】
બ્લોક-૧
----------

No comments:
Post a Comment