Sunday, 3 May 2020

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી... (part-3)

'બ્લોક' - સાઇકો-થ્રિલર સ્ટોરી...

---*---*--
બ્લોક–૩
---^---^---
સોશિયલ મીડિયા ઉપર ‘વાઇરલ’ થઈ રહેલી અનેક પોસ્ટ્સ એના દિમાગમાં ઘૂમરાઇ રહી હતી - ‘‘સાઇકો’ ઇઝ નો મોર..! ત્રણ વર્ષ પહેલાં હાહાકાર મચાવી દેનાર ‘સીરીયલ કિલર’ અન્ડરગ્રાઉન્ડ...’ એ પોતાના અસ્તિત્વ ઉપર બેહદ શરમ અનુભવવા માંડ્યો...
નિહારિકા સોફા ઉપરથી ઊભી થઈ. વિન્ડો પાસે મૂકેલી એક રિવોલ્વિંગ-ચેર ઉપર બેઠી. ડેસ્ક ઉપર અસ્તવ્યસ્ત પડેલાં ડાયરી-પેન ઊઠાવ્યાં. એની પીઠ પાછળ દબાતે પગલે આવી રહેલા સાઇકોએ પોતાના મનને મક્કમ કરતાં કહ્યું, ‘યેસ્સ, આઇ કેન ડુ ઇટ... આઇ કેન કિલ...’ થીજી ગયેલી કાર્યક્ષમતાને એ ઢંઢોળવા માંડ્યો.
ઓચિંતી જ એને અપેક્ષા યાદ આવી ગઈ... એ નર્મદાના પુલ ઉપર ઊભી હતી. ચાંદની રાતમાં ઝળહળતી રોશની વચ્ચે અવરજવર નહિવત હતી. ને અચાનક...
‘શું કરે છે, પાગલ છોકરી?’ વહેતાં પાણી તરફ ઝૂકી રહેલાં એનાં શરીરને પોતાના મજબૂત હાથો વડે કઠેરા ઉપરથી ખેંચી નાખી હતી.

 
‘છોડી દો મને... મારે આવી દોજખ જેવી જિંદગી નથી જીવવી!’ અપેક્ષા રડી પડી હતી.
વર્ષોના અનુભવ પરથી પોતે તો સમજી જ ગયો હતો કે જુવાન છોકરીઓના આપઘાત કરવાના શા કારણો હોઈ શકે! પ્રેમીએ દગો દીધો... પરીક્ષામાં નિષ્ફળ રહી... ઘરમાં માતા-પિતાએ ઠપકો આપ્યો...
એણે અપેક્ષાને ખૂબ સમજાવી હતી. પ્રેરણાત્મક પાઠ ભણાવ્યા હતા. આખરે એ માની ગઈ અને ઘેર જતી રહી. પરંતુ, થોડા દિવસોથી પોતે જયારે એની હિલચાલ ઉપર નજર રાખી રહ્યો હતો ત્યારે એને જાણવા મળ્યું કે એ છોકરી હજી હતાશામાં જ ડૂબેલી છે. સાવ નાસીપાસ થઈ ચૂકેલી... જિંદગીથી કંટાળેલી, થાકેલી, હારેલી... આખરે એક દિવસ લાગ જોઈને એ અપેક્ષાના ઘરમાં ઘૂસી ગયો. એકાંતનો ફાયદો ઊઠાવીને એને એનાં જ ઘરના પંખા સાથે લટકાવી દીધી... એને અપેક્ષાની સાથે સાથે યામિની, તૃપ્તિ, શીતલ - બધી જ છોકરીઓ યાદ આવવા માંડી; બધી જ હતાશ છોકરીઓ...
જીવનમાં નાની-મોટી તકલીફોથી ગભરાઈ જઈને હિંમત ખોઈ બેસનારાઓ પ્રત્યે મને ધૃણા છે, એ મનોમન બબડ્યો, હતાશાથી હાંફી જઈને હકારાત્મક વલણ નહિ અપનાવનારાઓ પ્રત્યે મને ભારોભાર અણગમો છે. નિષ્ફળતાથી નાસીપાસ થઈને આત્મહત્યા કરનારાઓ પ્રત્યે તો સખત નફરત છે. ઊંડો શ્વાસ ફેફસામાં ભરીને એને જાણે કે વેદનાથી બૂમો પાડવાનું મન થઈ આવ્યું – હા, મને નફરત છે, મારા પિતા પ્રત્યે પણ... એની નજર સામે પિતાનો કમજોર પડી ચૂકેલો, હિંમત હારી ગયેલો ચહેરો તરવરી ઊઠ્યો. નાસીપાસ થઈ ચૂકેલા પિતાનો પંખા સાથે લટકતો લાચાર મૃતદેહ એ ક્યારેય ભૂલી શકે એમ ન હતો!
---^---^---
(ક્રમશઃ)
© ધર્મેશ ગાંધી
--^---^---^----^---

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...