‘નર્મદ સાહિત્ય સભા, સુરત’ આયોજિત ‘કેતન મુનશી વાર્તાસ્પર્ધા - ૧૦’ (૨૦૧૭-૧૮)માં
મારી વાર્તા 'કાટમાળ તળે રોશની'ને
ચતુર્થ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે!

કાટમાળ તળે રોશની
-----------------
ઓહ… આ ‘ભાર’… હજી કેટલો સમય..? ક્યાં સુધી સહેવાનો આ બોજારૂપ કાટમાળ..? હવે અસહ્ય થઈ રહ્યો છે. ઉપરથી આ અંધારું... હવે તો જીવ જશે! ક્યાંય કશુંય સ્પષ્ટ ભાસતું નથી, બસ ધુમાડો અને વીજળીના ચમકારા જ… ધરાશય થયેલી ઈમારતોનાં ભંગારનો ઢગલો, ને સર્વત્ર દુર્ગંધ તથા તારાજી... અરે… આ… આટલી નીરવ શાંતિ કેમ…? શું કોઈ જ હયાત નથી રહ્યું? મધરાતનો આ સન્નાટો અકળાવે છે હવે તો… શરીર નિષ્પ્રાણ થઈ રહ્યું છે. એમ તો દરેક અંગ તૂટી રહ્યું છે, પણ કચડાયેલો હાથ, અને એમાં ખૂંપી ગયેલા તૂટેલી બંગડીનાં ટુકડા - દર્દનાક છે. છેક એવું પણ નથી કે બંગડીઓ આમ પહેલી જ વાર તૂટી હતી. એ મધરાતે પણ...
ભૂકંપનો ભોગ બનેલી, અર્ધ-બેભાન અવસ્થામાં કાટમાળ તળે દબાયેલી, રોશની… એનાં વમળ ખાતાં મસ્તિષ્કમાં કાટમાળ જેવો ભારે-ભરખમ ભૂતકાળ સળવળી ઊઠ્યો… જિંદગીની એ અણમોલ મધરાતે પણ રૂમમાં આવી જ નીરવતા હતી ને…
રોશની સંકોચાઈને બેઠી હતી. શરમથી ગુલાબી થયેલો ચહેરો એ બે પગના ઘૂંટણ વચ્ચે ખોસીને બેઠી હતી. હૃદય ધડકતું હતું, પણ અરમાનો મધુરજની માણવાનો થનગનાટ કરતા હતા. એ ક્ષણ ખરેખર અદ્ભુત હતી, રોમાંચક હતી. નવું જીવન – જાણે કે નવો જન્મ… સોનેરી સપના સાથે જીવવાની ઝંખના, જિંદગી જીતવાની જિજીવિષા, મુક્ત મને આકાશમાં વિહરવાની આકાંક્ષા, અને પતિના પ્રેમાળ સાથની અપેક્ષા…
કૃત્રિમ પ્રકાશથી ઝગારા મારતા બંગલાના એ ‘સ્પેશિયલ’ બેડ-રૂમનો દરવાજો ધીરેથી ખૂલ્યો. રૂમમાં એક હળવો પગરવ સંભળાયો. રોશની વધુ સમેટાઈ. બેડ પર બિછાવેલી ગુલાબની પાંખડીઓ સાથે ચાદરને પણ મુઠ્ઠીમાં ભીંસી દીધી. બાહુપાશમાં સમાવા માટે બેબાકળી બનેલી એ પોતાનામાં જ સંકેલાઈ ઊઠી હતી, થોડા ડરથી અને વધુ રોમાંચથી... મનનો માણીગર નજીક આવ્યો, રોશનીનાં મહેંદી લાગેલા પગની પાનીને સ્પર્શ થાય એમ બેડ પર બેઠો. એણે રોશનીનો હાથ પોતાના હાથમાં લીધો, દબાવ્યો, ને હળવેથી ઘૂંઘટ ઊઠાવ્યો. એ સાથે જ... સમય ઉફાન પર આવ્યો, ને સરી રહેલી રાતનો સન્નાટો રોશનીનાં સિસકારાથી ધીરે ધીરે ચીરાઈ રહ્યો...
“આહહ.... ધીરે... ઉફ્ફ...” રોશનીથી જરા મોટેથી ઊંહકારો લેવાઈ ગયો, ને કાટમાળ તળે કંઈક એંઠવાડ શોધવા માટે મોઢું મારી રહેલા રખડતા કૂતરા ડઘાઈ ગયા. રોશનીને પણ એની મૂર્છાવસ્થામાં ખ્યાલ આવ્યો કે અત્યારે એના મોમાંથી સરી પડેલી ‘આહ’ એ પેલી મધુરજનીનાં માદક દર્દની નહીં, પરંતુ એનાં શરીર પર ખડકાયેલા વજનદાર કાટમાળના જીવલેણ દર્દની છે. એણે અનુભવ્યું કે એ મધરાતે પણ એનું શરીર તૂટી રહ્યું હતું, ને આજે પણ શરીરના અંગો જાણે કે છૂટા પડી રહ્યાં છે. વિતેલી એ રાતનો એક નશો હતો, જ્યારે આજે... આજે એને પોતાનાં શરીરમાં પાર્થિવતા જણાઈ. આહ... આ પાર્થિવતા, આ નિષ્ક્રિયતા... આખી જિંદગી સાથે જ ચાલશે..?
“ઊંહ... ઓહ્હ... નથી સહેવાતો હવે ભાર... પણ... પણ, એમ હું તૂટી નહીં જાઉં! પહેલા પણ હું નથી હારી, આજેય નહીં હારું...” એણે બડબડાટ કર્યો. કણસવા માંડી તોયે મન મક્કમ રાખ્યું.
મધુરજનીનો મધુરો થાક ઊતરે એ પહેલાં તો દેવે ધડાકો કર્યો હતો, “કાન ખોલી ને સાંભળી લે, રોશની... આપણા લગ્ન એ માત્ર મારી મજબૂરીનું પરિણામ છે. હું કોઈક અન્યને ચાહું છું. મને તારી કોઈ જરૂર નથી. મારા જીવનમાં રોશનીનું કોઈ જ સ્થાન નહીં હોય, ક્યારેય નહીં... હા, તું રૂપાળી છે, તારું શરીર ઘડી-બે-ઘડી મારામાં રહેલા પુરુષને લલચાવી શકે ખરું... પરંતુ એ ક્ષણિક આવેગ તારા માટે મારા મનમાં કોઈ કાયમી લાગણી જન્માવી નહીં શકે... સૉરી...”
રોશનીને માથે જાણે કે વીજળી તૂટી પડી હતી...
‘જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે!’ રોશનીને કાટમાળ નીચે ગીતા-વચન યાદ આવ્યું. એની નજર સામે કેટલીય ગગનચુંબી ઈમારતો ધરાશય થઈને પડી હતી, તો કેટલીક જર્જરિત થઈ ચૂકી હતી. રોશનીને સહેજે વિચાર આવી ગયો - શું આ ઈમારતો બની એ પહેલાં, એનો પાયો ખોદાયો એ પહેલાં, ઇજનેરોએ એનો નકશો તૈયાર કર્યો એ પહેલાં – શું એમનો વિનાશ થવાનું નિશ્ચિત થઈ જ ચૂક્યું હતું? ક્યારેક આકાશને આંબી રહેલી આ ઈમારતો આજે જમીન-દોસ્ત થઈ ચૂકી હતી. “જે ઊંચે ઊંચે ઊડે છે, એ ક્યારેક જમીન પર પણ પટકાય છે!” રોશની પોતાનાં જ લવારાથી હચમચી ઊઠી.
પોતાને પણ તો આકાશમાં ઊડવું હતું. વિમાનમાંથી ‘પેરાશૂટ’ લઈને ઝંપલાવવું હતું. જીવનમાં એડ્વેંચર કરવાં હતાં. કમરે દોરડું બાંધી હેલિકોપ્ટરમાંથી કૂદીને પૂરમાં ફસાયેલાઓને બચાવવા હતા, એમની આંખોમાં જિંદગી પ્રત્યેનો લગાવ જોવો હતો. પણ... પણ, આ શું..? આકાશમાં ઊડવાના સ્વપ્ન જોનારી એ, આજે જમીન પર પોતાનાં પગ ટકાવી રાખવામાંયે થાપ ખાઈ ગઈ! પૃથ્વીનો કંપ તો અત્યારે આવ્યો, પણ જિંદગી એનાં માટે સમયાંતરે ઝંઝાવાત લાવતી જ રહી છે – એણે ચિત્કાર કર્યો... આહ... આ બોજ કોઈ ખસેડવા નહીં આવે..? મારે જ ઝઝૂમવું પડશે..? હા, કદાચ... પણ, હું લડીશ... ઝઝૂમીશ... શ્વાસ ચાલે ત્યાં સુધી... અને મારા શ્વાસ હું અટકવા નહીં દઉં!
ઓહ... આ શું..? આ શેનો અવાજ..? મારો જ કણસવાનો અવાજ મને સંભળાય છે કે...? ના, ના, આ તો કોઈકનું રૂદન...
રોશનીએ કષ્ટ વેઠીને એની ભારે થઈ ગયેલી પાંપણો ઊંચકી. સામે જ ભંગારની ઓથે નાની-નાની કરચોમાં ફેરવાઈ ગયેલો કાચ જોઈને એને આયનો યાદ આવ્યો... પોતાનું પ્રતિબિંબ દેખાયું... આ એ જ પતંગિયાની પાંખો જેવી એની પાંપણો હતી જે એની બિલાડી જેવી ખૂંખાર આંખોને વધુ કાતિલ બનાવતી હતી... જોકે આ બધી ઉપમા તો એને કૉલેજ-કાળમાં મળી હતી. પણ, હવે તો એ આંખોમાં કાજલ લગાવવાનું છોડ્યાને અરસો વીતી ચૂક્યો હતો. એણે પોતાની નજરને શક્ય એટલી આસપાસ ઘૂમાવી. લગભગ નજીક જ એક તૂટી પડેલી ઈમારતનાં સ્લેબની નીચે એક મોંઘી-દાટ ગાડી કચડાયેલી હાલતમાં દેખાઈ. ગાડીનાં અર્ધ-ખુલ્લા દરવાજામાંથી એક સૌંદર્યવાન સ્ત્રી-શરીર લબડી રહ્યું હતું. મૂઢ માર વાગવાથી એની ગોરી ચામડી પર લોહીના લાલ ડાઘ અને કા-લીલા ચકામા ઉપસી આવ્યા હતા. વીજળીના ચમકારાના આછાં અજવાળામાં એ ચહેરાની ઓળખ છતી થઈ – “ઓ.... માય ગોડ, આ...આ તો ‘સિલ્ક સોનિયા’ નહીં...? ટેલિવિઝનની દુનિયાની ‘ગ્લેમરસ’ અભિનેત્રી...” રોશનીના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા.
આજ દિન સુધી તો એને ટી.વી. સિરિયલોમાં એક ઘરરખ્ખું પત્ની કે આદર્શ વહુના રૂપમાં જ જોઈ હતી. જાહેર-ખબરોમાં, ગોસિપમાં, રિયાલીટી-શોમાં આભારવશ થઈને ચાહકોની પ્રશંસાઓનો ભાર ઝીલતી જ જોઈ હતી... પરંતુ, આજે એ જ સૌંદર્ય કાટમાળના બોજ તળે ચગદાઈ રહ્યું હતું!
ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ધીરે–ધીરે કોલાહલ વધી રહ્યો હતો. એમ્બ્યુલન્સ, સાયરન, ફાયર-બિગ્રેડની ઘંટડીઓ, ક્રેનની ઘરઘરાટી - મધરાતના સન્નાટાને ચીરતા કારમા અવાજો પેદા કરી રહ્યાં હતાં. ફલડ લાઇટના પ્રકાશના શેરડા ચોમેર ફેલાઈ રહ્યા હતા. આકાશમાં હેલિકોપ્ટરની ધણધણાટી બોલી ઊઠી. ‘રેસ્કયુ ઑપરેશન’ ચાલી રહ્યું હોવાની ખાતરી થઈ. કાટમાળના ભારે-ભરખમ ખડકલા નીચે રોશની વધુ ને વધુ દબાઈ રહી હતી. તિરાડ જેવી પાતળી જગ્યામાંથી તેને જણાયું કે ઊંચે એક હેલિકોપ્ટર એનાં માથા પર થોડી વાર હવામાં અધ્ધર ઊભું રહ્યું, પણ એમને દબાયેલા જીવનો કોઈ અણસાર ન આવતાં ગર્જના કરતું ઊડી ગયું. એણે અનુમાન લગાવ્યું – કોઈક ‘રેસ્ક્યુ વર્કર’ હેલિકોપ્ટરમાંથી પોતાની કમરે દોરડું બાંધીને કાટમાળના ઢગલા પર ઝંપલાવશે. મારી જેમ જ કોઈક દબાયેલું હશે, કોઈક કચડાયેલું હશે – એના શરીર પરથી કાટમાળ હટાવશે, એને ઊંચકીને આકાશમાં ઊડી જશે... ને એને નવું જીવન મળશે...
રોશનીને યાદ આવ્યું - લગભગ દસ-બાર વર્ષની હતી ત્યારે તેણે પોતે પણ કંઈક આવું જ કારનામું કર્યું હતું...
“રોશની... રોશની...” કોઈ એને હાંફતા અવાજે બોલાવી રહ્યું હતું.
“ચાલને રોશની... જોને પેલું ગલુંડિયું ત્યાં ઊંડા ખાડામાં ગબડી પડ્યું... ને તરફડે છે...’’
રોશની દોડી, ગલુડિયાને બંધિયાર ખાડામાંથી છોડાવવા, ઊગારવા...
મિત્રોની ટોળકીમાં રોશની એકમાત્ર છોકરી. બાકીના નાના-મોટાં છોકરાઓ ખરા, પણ એ ખાડામાં ઊતરવાની હિંમત કરી શકે એટલા બહાદુર નહીં. રોશનીને વિડિયો-ગેઇમ રમવાનું પહેલેથી જ ઘેલું... અને એમાં આવતા સુપર-હીરો એને અનેરું આકર્ષણ અને જુસ્સો પૂરો પાડતા… આજે જાણે કે એ પોતે જ કોઈક ‘એડવેન્ચરસ’ વિડિઓ-ગેઇમનું સાહસિક પાત્ર હોય એવી એણે મુદ્રા બનાવી લીધી. કશેથી નાયલોનની લાંબી દોરી શોધી લાવી. એક છેડો ઝાડ સાથે બાંધ્યો, ને બીજો પોતાની કમરે... ઘસડાતી-ખેંચાતી એ ખાડામાં કૂદી... એક હાથે ગલુડિયું પકડ્યું, ને બીજા હાથે દોરી પકડીને સમતુલા જાળવી. એની બાળ-સેનાએ ઉપરથી દોરી ખેંચી. રોશની સાથે ગલુડિયું પણ હેમખેમ બહાર આવ્યું.. ગલુડીયાની મા દોડતી આવી; બચ્ચાંને ચાટ્યું, ચૂમ્યું, વ્હાલ કર્યું. આંખોમાં આંસુ સાથે મા અને એનું બચ્ચું રોશની તરફ જોઈ રહ્યાં – જાણે કે આંખોથી જ આભાર નહીં માનતા હોય! રોશનીને સારું લાગ્યું. એ ઘટનાએ એનાં જીવન પર ઘેરી અસર કરી. ‘રેસ્ક્યુ વર્કર’ બનવાનું એક સપનું જાણે કે એનાં મસ્તિષ્કમાં પાંગરવા માંડ્યું.
કદાચ એટલે જ લગ્ન પછી એણે પતિ સમક્ષ પોતાનું સપનું સાકાર કરવાની વાત છેડી હતી...
“દેવ, હું મારું સપનુંયે પૂરૂં કરું તો....?”
“સપનું...? કેવું સપનું....?”
“રેસ્ક્યુ-વર્કર બનવું હતું મારે...”
“સમાજ-સેવાનું ભૂત છોડ... શું જરૂર છે એની? ધન-દોલત, એશો-આરામની આપણે કમી નથી, તો..?”
“પણ દેવ, જિંદગી જીવ્યાની ખુશી...? કંઈક કર્યાનું સ્વાભિમાન...? શું બધે પૈસો જરૂરી...?”
“બહાર રખડવાનો જ શોખ હોય તો ગાડી લઈને નીકળી પડ ને, કોણ રોકે છે...?”
રોશની સ્તબ્ધ થઈ ગઈ, હચમચી ગઈ. દેવના મોઢે એણે આવા શબ્દો પોતાનાં માટે ધાર્યાં નહોતા!
એ નાસીપાસ થઈ ગઈ. પોતે ક્યાં ઘર સાચવાની જવાબદારીમાંથી છૂટવા માંગતી હતી! બસ એણે તો પોતાની ફરજ બજાવ્યાં પછીના બાકી રહેતા સમયમાં જ પોતાના અસ્તિત્વને મઠારવાની ઈચ્છા વ્યકત કરી હતી ને!
પતિ તરફથી મળતી વારંવારની આવી અનેક ઉપેક્ષાઓનો અંત આણવા... મનનો અજંપો ખંખેરીને ખુલ્લા ગગનમાં વિહરવા... રોશનીએ આખરે પોતાની પાંખો ફફડાવી. હળવી ઉડાન ભરવા માંડી. પતિનું ઘર છોડ્યું, સદાને માટે... ઘર શું...? કહો કે પિજરું... થોડી તકલીફ થઈ રહી હતી, આકરું લાગી રહ્યું હતું. એ ખુલ્લું વાતાવરણ પણ શરૂઆતમાં ડરાવી રહ્યું હતું. આદત પડી ગયેલી ને, બંધિયાર કૂંડાળામાં જીવવાની..!
પણ અચાનક... “આ દેવ...? મને કેમ એવો ભ્રમ થઈ રહ્યો છે કે જાણે દેવ આવી રહ્યો હોય... મારી સમીપ, મને પાછી ઘરે તેડી જવા માટે !” રોશની મનોમન બબડી; થોડી અસમંજ થઈ.
“અરે.... નહીં, નહીં.... દેવ ક્યારેય નહીં આવે, ન જ આવે!”” ભરબપોરે ખાલી સડક પરનું એ મૃગજળ હતું કે એની આંખોની ભીનાશ? ઝાંઝવાના એ પારદર્શક જળની આરપાર એની નજર ખાતરી કરાવી રહી હતી કે એ દેવ જ છે.
દેવ બિલકુલ રોશનીની લગોલગ આવીને ઊભો રહ્યો. નીચા નમીને એની બેગ લઈ લીધી. “દેવ પહેલી વાર મારી આગળ નમ્યો, મને સારું લાગ્યું... એટલે નહીં કે મે મારા ઘમંડી પતિને નીચે નમાવ્યો હતો, પરંતુ એટલા માટે સારું લાગ્યું કે એ મને જતાં રોકી રહ્યો હતો...” રોશની લાગણીશીલ બનતાં બબડી.
રોશનીનાં હાથમાંથી દેવે રીતસરની બેગ આંચકી લીધી. એ ભાવવિભોર થઈ ઊઠી. પણ, પણ... “ઓહ... હે ભગવાન.. તું શું શોધી રહ્યો છે, દેવ..? મારી બેગમાં... શું તને શંકા છે કે હું કશુંક ચોરીને... આહ... નહીં. નહીં....” એ ભયભીત થઈ ઊઠી.
“લગ્ન પહેલાંના મારા પ્રેમપત્રો, મેં તને લખેલા એ...” દેવ એનો સામાન ફંફોસતો બબડી રહ્યો હતો.
“લખેલા..? કે લખવા પડેલા..?” રોશની ચિત્કાર કરી ઊઠી, “પણ દેવ, એ મારી અમાનત છે. તું તો જાણે જ છે કે એ પત્રો હું હંમેશાં મારી સાથે જ રાખું છું. એ થોડાં શબ્દો જ મારા માટે જીવવાની આશા છે... હું એ શબ્દોને, એ શબ્દોની નજાકતને માણું છું, જીવું છું, દેવ...” એ કરગરી રહી હતી, પણ દેવ તો...
“હવે આ પત્રોનો કોઈ અર્થ ખરો...?” -કહેતો દેવ યાદગીરીનું એ નાનું પરબીડિયું પણ એની પાસેથી ઝૂંટવી ગયો. રોશનીને લેવા આવેલો દેવ એનો ‘સામાન’ લઈને જતો રહ્યો, ને પાછું વળીને જોવાની દરકાર સુધ્ધાં ન કરી. આજ સુધી તો એ રોશનીને ઘરમાં રઝળાવતો આવ્યો હતો, આજે એ એને રસ્તે પણ રઝળતી મૂકી ગયો!
ઓહ... આ સૂરજનો તડકો... બહુ આકરો લાગે છે. માથું ભારે થઈ રહ્યું છે. આંખે અંધારા આવે છે. આ બોજ... આ વેદના... નથી સહેવાતું હવે! પણ, પણ... હું નહીં થાકું, નહીં હારું!
રોશનીની આંખો મિંચાઈ રહી હતી... નહીં, નહીં.... હું આંખો બંધ નહીં થવા દઉં, ભલે મારી પાંપણોને ગમે એવો બોજ ઊઠાવવો પડે... મારી આંખો ખુલ્લી હશે તો જ મને પ્રકાશનું કિરણ દેખાશે, ને તો જ રસ્તો ઉઘડશે... મારે જીવવું છે... જીવીશ જ...!
રોશનીની તંદ્રા તોડતો હોય એમ એનાં કાને નજીકમાં જ કાટમાળ કચડાવાનો અવાજ અથડાયો. એ ચોંકી; કાન વધુ સરવા કર્યા. અરે, આ તો... કોઈક જાણીતો પગરવ લાગે છે. દેવ..? હા, એ જ આહટ... એ જ સુગંધ... હા, હા, આ દેવ જ છે, મારો દેવ...
“અરે, અરે... દેવ... તું...? આહ્હ... આખરે આવ્યો... મને શોધે છે ને...? એય, એય અહીં... હું આ કાટમાળ નીચે છું. જો ને, તારી રોશની હજુયે દબાયેલી અવસ્થામાં જ છે. અરે, પણ તું આમ વિહવળ ન થા. ધીરજથી કામ લે. હું સહી-સલામત છું, હજી જીવું છું...” દેવને દૂરથી આવતો જોઈને રોશનીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.
“...આખરે પણ એને પોતાની ભૂલ સમજાઈ જ... એને પ્રતીતિ થઈ જ ગઈ કે પત્નીની જગ્યા કોઈ બીજી સ્ત્રી નહીં સાચવી શકે. ચાલો, મોડે મોડેય ભાન તો થયું. એને આ શહેરમાં આવેલા ભૂકંપની જાણ થઈ હશે, ને મારી ભાળ કાઢવા મારતી ગાડીએ દોડ્યો, પાગલ...!” રોશની દિવાસ્વપ્નમાં ખોવાઈ રહી હતી.
“અરે, અરે.. દેવ, ઓ દેવ... મને અહીંથી તેડી જવામાં તું ખચકાતો નહીં... હું તને મહેણાં નહીં મારું હોં... આખરે તો હું સ્ત્રી જ ને... તારી પત્ની જ ને...!” રોશની એ પોતાની બિડાતી આંખે જોયું કે દેવ કાટમાળનો ઢગલો ફેંદતો–ઉલેચતો એની તરફ જ આવી રહ્યો છે.
કાટમાળના અસહ્ય ભાર તળે પણ રોશની હરખાઈ રહી હતી. આ પહેલાં પતિને એણે પોતાના માટે આટલો બેબાકળો બનતો ક્યારેય નહોતો જોયો. આજે એને કાટમાળનો ભાર પણ ભરપૂર આનંદ આપી રહ્યો હતો. દેવ એની એકદમ નજીક આવી પહોંચ્યો હતો. રોશનીની ધડકનો તેજ બની રહી... બસ એવી જ કે જેવી લગ્ન પછીની પ્રથમ રાત્રિએ બની હતી... હા, કંઈ એવી જ અનુભૂતિ થઈ રહી હતી. ફરક એટલો જ હતો કે એ રાત્રિએ દેવ એક પછી એક એનાં વસ્ત્રોના આવરણ હટાવી રહ્યો હતો, જ્યારે આજે... આજે દેવ રોશનીનાં શરીર પરથી કાટમાળના આવરણો દૂર કરશે... હા, બિલકુલ એવી જ અનુભૂતિ!
લજ્જાથી, કે પછી બેહોશીથી – રોશનીની આંખો મિંચાઈ રહી... પણ દેવ... દેવ ક્યાં...? દેવનો સ્પર્શ ક્યાં...?
“દેવ, ઓ દેવ... અરે, તું ત્યાં ક્યાં જાય છે? હું... હું અહીં છું, આ લોખંડના થાંભલા આડે... અરે, તું જો તો ખરો, દેવ. અને તું મને – તારી પત્નીને બચાવવાનું મૂકીને એ હીરોઈન પાસે કેમ ઊભો રહ્યો? ...ને તું એ ‘સિલ્ક સોનિયા’ને કેમ વળગી પડ્યો? એનું ઝુલતું શરીર તેં કેમ તારી બાહોંમાં ભર્યું? દેવ... નહીં દેવ, નહીં... તારા હોઠ એનો ચહેરો ચૂમે... નહીં જોવાય મારાથી, દેવ...” રોશની સમસમી ઊઠી.
‘સિલ્ક’ને પોતાની બાહોમાં ઊઠાવીને ઝડપભેર ભાગતા દેવને એ જોઈ રહી. દેવનો દૂર થતો રડમસ અવાજ એનાં કાનમાં ખીલાની જેમ ખૂંચી રહ્યો હતો – “ના સોના, ના... હું તને કંઈ જ નહીં થવા દઉં... તું જીવશે જ, ભલે આખી દુનિયાને છોડવી પડે... તું મારી જ હતી, ને મારી જ રહેશે. સોના, આઇ લવ યુ...”
રોશનીનાં હૃદયમાંથી ફરી એક આહ નીકળી, “આજે દેવ ફરી એક વાર એનો ‘સામાન’ લઈને જતો રહ્યો.. મને રઝળતી મૂકીને...”
રોશની અર્ધ-બિડાયેલી આંખે તાકી રહે છે... એનો દેવ જઈ રહ્યો છે, જઈ ચૂક્યો છે... અંધારામાં ઓગળી રહ્યો છે. બસ, હવે ઝાંખા ઝાંખા બે પડછાયા દેખાઈ છે.... અને હવે તો માત્ર બે ટપકાં જ... ઓહ... આ ‘ભાર’... હવે નથી સહેવાતો! આંખે અંધારા આવે છે. પણ હું હિંમત નહીં હારું. નહીં, નહીં... હું આંખો નહીં મિંચાવા દઉં. જલ્દી જ સવાર થશે, પ્રકાશનું કિરણ અહીં પડશે, ને ફરી કોઈક રસ્તો ઉઘડશે...!
એટલામાં ફલડ-લાઇટનો તેજ ચમકારો થયો... ને ક્ષણવાર માટે એ કાટમાળ તળે રોશની છવાઈ ગઈ..!
*****સમાપ્ત*****
(શબ્દો : ૨૨૩૬)







No comments:
Post a Comment