રાખનું પડીકું
આખો દિવસ ધોમધખતો
તડકો વેરીને સૂરજ પણ થાક્યો હતો, ને આથમવાની હજુ તો શરૂઆત જ કરી ત્યાં તો ફરી એક વાર જોરદાર પવન ફૂંકાયો.
ગોળ-ગોળ ચકરડી લેતો ગરમ પવન સ્મશાનભૂમિનો ધૂળ અને કચરો ફંગોળીને આકાશ તરફ લઈ ગયો
ત્યાં સુધી તો એણે જોયા કર્યું. પણ, જેવી એ હવા ચિતાભૂમિની ઠંડી પડી ચૂકેલી રાખને પણ ઝપટમાં લેવા લાગી – એણે ખભે નાખેલું
કપડું ખેંચી કાઢ્યું. મેલા ફાટેલાં કકડાથી ઢંકાય એટલી રાખ ઢાંકવાનો નિશ્ફળ પ્રયાસ
કર્યો. છેલ્લી સાંજથી આમ જ એ રાખની રખેવાળી કર્યે જતો હતો. મનમાં બબડાટ પણ કર્યો, ‘હારુ અઝુ કોઈ લેવા
ની આયવુ ને… માટલી ભરીને હાંભરી જાય તો એક કામ પતે, ને બાકીનો કચરો વેવળાવી દેઉ.’
આમ તો મડદું
સળગતાં અમસ્તા જ ત્રણ-ચાર કલાક નીકળી જતાં! પછી જે સગાં-વ્હાલાં હોય એ કામ પૂરતી
થોડી રાખ કોઈ પવિત્ર નદીમાં પધરાવવા લઈ જતાં, ને બાકીની રાખ ડોલ ભરીને પાણીના ઝપાટામાં સ્મશાનભૂમિની ઓથે આવેલી ગટરમાં જઈને
વિખેરાઈ જતી. પણ કાલે સાંજે મોડેમોડે - આ શરીર જાણે કે પાછળ કોઈ જ વારસદાર ન છોડી
ગયું હોય એમ હજુયે રાખ બનીને ગૂંગળાઈ રહ્યું હતું.
લંગડાતા પગે
વચ્ચે-વચ્ચે એ આમ-તેમ આંટા મારી લેતો; થોડી-થોડી વારે નજર ઊંચકીને સ્મશાનના દરવાજે પણ તાકતો રહેતો. સમી સાંજે પણ એને
પરસેવો વળી રહ્યો હતો. એના લીધે એના શરીરે ધૂળ ઓછી પણ કોલસાની કાળાશ ને રાખની
ધોળાશ વધારે ચોંટતી હતી. એમાં એના શરીરનો મૂળ રંગ પારખવો મુશ્કેલ હતો. ઠીંગણા અને
ભરવદાર શરીર પર બાંય વગરની બંડી કોઈએ મડદાના ઉતરેલા કપડા તરીકે ક્યારેક આપી હશે તે
કેટલાંયે મહિનાઓથી હજુયે પહેર્યા કરતો હતો. ક્યારેક ખભે તો ક્યારેક માથે એક ઓઢણા
જેવું કપડું બાંધી કે લટકાવી રાખતો.
જોકે એને ખાખરાની
બીડી અને મહુડાનો દારુ પીવા સિવાય આખા દિવસમાં બીજું કોઈ ખાસ કામ રહેતું નહોતું.
પણ, આજ સવારથી જ આ સ્મશાન એને ખરેખરનું સ્મશાન જેવું ભાસતું હતું - ભેંકાર અને
વેરાન… બાકી કાલે તો - દોદાદોડી, રોકકળ ને અરેરાટી જ હતી આખા સ્મશાનમાં...
ગઈ કાલે તો એ સાવ
બાઘા જેવો જ બની ગયો હતો. લોકોના ટોળેટોળાં ઉમટતા હતા. એ તો ચિતાભૂમિ પર લાકડાં
સીંચતો જાય ને મડદાં ગોઠવતો જાય… ઉતાવળમાં ગોઠવેલી ચિતા, ને એની ઉપર ભડકે બળતું મૃત શરીર ઘણી વાર પોતાનું સમતોલન ગુમાવી બેસતાં. કોઈનું
વળી સામાન્ય કરતાં વધુ લાંબુ શરીર હોઈ તો પગની પાની લાકડાની સીમાથી બહાર નીકળું
નીકળું કરતી રહેતી. એમ ને એમ સળગતાં સળગતાં કેટલીયે વાર પગનો પંજો છૂટો થઈને ચિતા બહાર
પડી જતો. તો ક્યારેક લાકડું સળગી જતાં એની નીચે દબાવી રાખેલા હાથની આંગળીઓ ચિતાથી
અલગ થઈ નીચે પડી બળતી રહેતી. પણ એણે તો આ બધું ખાસ ધ્યાન આપવું પડતું. નીચે પડેલાં
– સળગતાં, ધૂમાતાં અંગોને પાવડામાં ભરીને પાછા ચિતાને હવાલે કરી દેતો. બળતાં શરીરમાંથી
નીકળતાં પ્રવાહીથી સળગતી ચિતા ઓલવાઈ ન જાય એટલા માટે એની અંદર ઘી, તલ, મીઠું વગેરેનો
મારો ચલાવ્યે રાખવો પડતો. તો ક્યારેક હાડકાં ફૂટવાનો અવાજ કરુણા સાથે ધૃણા ઉપજાવી
જતો…
…સાથે-સાથે લોકોના મોઢેથી નીકળતા નિસાસાભર્યા નિવેદનો સાંભળતો જાય… ‘બિચ્ચારા… વગર મોતે મઈરા રે!’
‘પણ, આ હોડીવાલા હો લાલચુ જ રે… આટલા બધા તે કંઈ બેહાડાય કે એકહામટા…?’
કોઈએ વળી બળાપો કાઢ્યો.
’અરે ભાઈ, આ ગાભણીનું પાણી જ નથી ધારતું આપળા ગામને… દર વરહે ભોગ લેય, લેય ને લેય જ…’
‘પણ એલા એ તો એકાદ-બે છૂટા-છવાયા… આજે તો હામટા જ બે ડઝન ગળી ગેઈ…’
-જે નદી આખા ગામને પીવાનું, નહાવા-ધોવાનું તેમજ ખેતરો માટે પાણી પુરું પાડતી હતી, આજે એ જ કાળમુખી
બની ગઈ હતી. લોકોના તિરસ્કારથી એ એટલું સમજી શક્યો કે - મુસાફરોને લઈ જતી એક હોડી
નદીની અધવચ્ચે ઊંધી વળી ગઈ હતી ને વીસ-પચ્ચીસ જણ ડૂબી ગયાં હતાં. તરતાં નહીં આવડે
એવા ડોસાઓ, સ્ત્રીઓ, બાળકો પળ વારમાં નદીના તળિયે ગરક થઈ ગયાં. પેટ ભરીને પાણી પીને સપાટી પર
આવ્યાં ત્યારે જીવ નીકળી ચૂક્યો હતો.
બસ, પછી તો એક પછી એક
લાશ આવતી ગઈ; ગિરદી વધતી ગઈ; કોલાહલ ઊઠતો ગયો. ગણીને માત્ર બે ચિતાભૂમિ હતી આખા ગામના આ એકમાત્ર સ્મશાનમાં.
વારાફરતી લાકડાં ગોઠવાતાં જતાં હતા. મડદાંઓ સૂવડાવાતાં જતાં હતાં, આગ ચંપાતી જતી હતી, ને ધુમાડાના
ગોટેગોટા ઊઠતાં જતા હતા. બે પત્યાં નહીં કે બીજા બે સળગવા માટે તૈયાર... એમાંયે
જાણે કે રહી જવાના હોય એમ…
-ને આજે... એક પણ મડદું નહીં? સાવ સૂનું... આજનો દિવસ તદ્દન કોરો જ... એકલતા ઘેરી વળતા જ એના કાળા, જાડા ને ભદ્દા હોઠ
એકાદ વાર બબડ્યા પણ ખરા, ‘આ મને હો મડદાની ટેવ પડી ગઈ કે હું? કેમ મને એમ વિચાર આઈવો કે કોઈ મરે ને અંઈયે આવે તો મારો વખત નીકળે…!’
‘ઉં આવો જડ - લાગણી વગરનો કે આમ મડદાની વાર જોવા બેઠો?’ વિચારતો એ ચિતામાં
સળગતા મડદાને ગોદો મારીને સરખું કરવા માટેનો સળીયો પકડીએ ઊભો થયો. એની નજર સામે
કાલે સાંજે છેલ્લે છેલ્લે આવેલ એ મડદા સાથે આવેલી નાનકડી છોકરી તરવરી ઊઠી.
ડાઘુઓ સાથે પહેલી
વાર સ્મશાનમાં એણે કોઈ નારી જાતિને જોઈ ને એ ક્ષણભર તો આભો જ બની ગયો હતો. હૈયાફાટ
રૂદન કરતી એ ચુટકી જેવડી છોકરીને એ એકીટસે જોયે રાખતો હતો.
એમ તો એણે અહીં
ઘણાને આમ પોક મૂકીને રડતાં જોયાં હતાં. પણ પછી એમાના ઘણા ખરા તો ચિતામાં આગ ચંપાતી
કે તરત જ – મડદું પુરું આગમાં લપેટાય એ પહેલાં તો હાથ ખંખેરીને એક કોરે બેસી જતા. કેટલાક
વાતોએ વળગતા, કોઈક મોબાઈલમાં માથું ખોસીને ખોવાઈ જતા. તો વળી અમુક તો નાસ્તા-પાણીની ઉજાણી
કરવા માંડતા. પણ આ છોકરી તો મડદાને વળગીને વલોપાત કર્યે જતી હતી…
એ તો વિચારતો જ
રહ્યો, ‘છેલ્લે તો બધું રાખ જ થવાનું છે ને…’
-પછી પેલી રડીને થાકી હશે એટલે ઘર ભણી દોટ મૂકી એણે તો! એની સાથે આવેલ બે-ચાર
ગણ્યા-ગાંઠ્યા ડાઘુઓને પૂછીયે જોયું, ‘આ પોરી હો ખરી છે, ખમણ ખાવા હો ની બેઠી કે...’ કોઈએ જવાબ વાળ્યો, ‘એનો બાપ મર્યો છે તો... બો માયા ઉતી બિચારીને એના બાપની...’
એને સમજાતું
નહોતું, ‘મડદું તો બળીને ભડથું જ થવાનું છે ને… પછી એમાંથી રાખ થહે, એ રાખ પાણીમાં કે હવામાં ઓગળી જહે… એનો આટલો કજિયો..?’
એણે સ્મશાનના
દરવાજે કૈંક સળવળાટ સંભળાયો ને તંદ્રા તૂટી. કાલ સાંજની ચિતામાંથી એ બહાર આવ્યો ને
વિચારવા માંડ્યો કે નક્કી કોઈ છેલ્લી રાખ લેવા આવ્યું લાગે છે.
એક વ્યક્તિ
સ્મશાનનો ઝાંપો વટાવી એની સામે આવીને ઊભો રહ્યો; બોલ્યો, ‘અલા, નવરો જ છે ને તું? મારી હાથે આવે કે…?’
એણે તો મોઢું
પહોળું કરીને આંખ ચોળતા ચોળતા બગાસું ખાધું – જાણે કે પેલા આગંતુકને પોતાની આળસ દેખાડવા મથતો હોય.
‘…અલા, ફળિયામાં કૂતરું મરી ગેયલું છે… ને ભંગી ખબર ની ઢીંચીને કાં પડેલો અહે... વીહ રૂપિયા આપી દેવા, ચાલ ની… પોટલી મારવાનું
થેઈ જહે તારુ.’ પેલાએ લલચામણો પ્રસ્તાવ મૂક્યો.
એમ તો અમુક વાર એ
આવા કામ પણ કરી નાખતો. એ સારી પેઠે જાણતો હતો કે પોતે જીવતાને કંઈ કામ આવવાનો નથી – મરેલાનો જ નિકાલ
કરવાનું એણે પોતાનું નસીબ માની લીધું હતું. પણ, આજે ખબર નહીં કેમ
એને સ્મશાનભૂમિ છોડવાનો જીવ નહોતો ચાલતો! કદાચ પેલી રાખની રખેવાળીનું કામ અધૂરું
મૂકવા નહોતો માંગતો.
‘તું જતો થા, ઉં આઈવો થોડીક વારમાં...’ એણે આવનાર વ્યક્તિને સમજાવી પટાવીને રવાના કર્યો. એને પેલી નાનકડી છોકરીનું
આક્રંદ જાણે કે એના બાપની રાખને એકલું છોડવા માટે રોકતું હતું. એણે ચોતરફ નજર ફેલાવી – નીરવતા સાથે માત્ર એક એની એકલતા... ધૂળમાં પડેલાં –
વિખરાયેલા પગલાંઓના નિશાન માત્ર... અંધકાર થઈ રહ્યો હતો તોયે ઉકળાટ શમવાનું નામ
નહોતો લઈ રહ્યો. એને પોતાનું અસ્તિત્વ પણ જણાતું નહોતું. ધીમે-ધીમે ઊઠતો વંટોળિયો એની
આરપાર નીકળી રહ્યો હતો. સગાં-સંબંધીઓ અને માયા-લાગણીઓથી જોજનો દૂર રહેલા એણે ખોડંગાતા
કદમે ચિતાભૂમી ભણી દોટ મૂકી. સળગીને શાંત થયેલી ચિતાની જગ્યાએ ઠંડી થઈને ઠરી ગયેલી
રાખ પર પોતાનો સૂકો ને બરછટ હાથ ફેરવ્યો; ક્યાંયે લગી પંપાળતો રહ્યો!
અંધારું વધુ ગાઢ
બન્યું ત્યાં લગી આમ રાખ સાથે રમત કર્યા પછી ફરી એક વાર એને કોઈનો આવવાનો દૂરથી
અણસાર આવ્યો. સળગતા મડદાથી ક્યારેય ભયભીત નહીં થનાર એ આજે કોઈ અજાણ્યા પગરવ
માત્રથી ફફડી ઊઠ્યો, ‘કોઈ આ રાખ લેવા જ આવ્યું અહે કે…? ની રે… આખી રાત ને આખો દા’ડો ગીયો ને કોઈ ની ટપઈકું તો અવે અમણા…?’
પોતાના મનને એ પોતે જ મનાવતો રહ્યો.
પણ આ વખતે એને
અંદેશો ઊઠી રહ્યો હતો કે જે રાખ સાથે બેસીને એણે કાલની આખી રાત ને આજનો દિવસ
વિતાવ્યો એ, જેને સાચવી - જેને પંપાળી એ, હવે એને તરછોડીને જવાની તૈયારીમાં જ છે, અને પોતે ફરીથી એકલો...
એણે રાખને પોતાના બંને
હાથના ખોબામાં ભરી શકાય એટલી ભરી લીધી - હાથની મુઠ્ઠીઓ
જોરથી ભીંચી દીધી! એક મુઠ્ઠીમાં એણે પેલી નાનકડી છોકરીનાં આક્રંદમાં અટવાયેલો
ઉકળાટ અનુભવ્યો, તો બીજી મુઠ્ઠીમાં એ આંસુ પાછળની લાગણીની ભીનાશ...
-પણ નજીક આવતા જતા પગરવને પાછળ ફરીને જોવાની એની હિંમત નહીં ચાલી.
***સમાપ્ત***
( શબ્દો : ૧૩૫૭)

No comments:
Post a Comment