'જલારામદીપ'
(જુલાઈ-૨૦૧૮)
વાર્તાસ્પર્ધા વિશેષાંક...
'કેતન મુનશી' વિજેતા મારી વાર્તા
'કાટમાળ તળે રોશની'
વાર્તાસ્પર્ધા વિશેષાંક...
'કેતન મુનશી' વિજેતા મારી વાર્તા
'કાટમાળ તળે રોશની'
કાટમાળ તળે રોશની
ઓહ… આ ‘ભાર’… હજી કેટલો સમય..? ક્યાં સુધી સહેવાનો આ બોજારૂપ કાટમાળ..? હવે અસહ્ય થઈ રહ્યો છે. ઉપરથી આ અંધારું... હવે તો જીવ જશે! ક્યાંય કશુંય સ્પષ્ટ ભાસતું નથી, બસ ધુમાડો અને વીજળીના ચમકારા જ… ધરાશય થયેલી ઈમારતોનાં ભંગારનો ઢગલો, ને સર્વત્ર દુર્ગંધ તથા તારાજી... અરે… આ… આટલી નીરવ શાંતિ કેમ…? શું કોઈ જ હયાત નથી રહ્યું? મધરાતનો આ સન્નાટો અકળાવે છે હવે તો… શરીર નિષ્પ્રાણ થઈ રહ્યું છે. એમ તો દરેક અંગ તૂટી રહ્યું છે, પણ કચડાયેલો હાથ, અને એમાં ખૂંપી ગયેલા તૂટેલી બંગડીનાં ટુકડા - દર્દનાક છે. છેક એવું પણ નથી કે બંગડીઓ આમ પહેલી જ વાર તૂટી હતી. એ મધરાતે પણ...
ભૂકંપનો ભોગ બનેલી, અર્ધ-બેભાન અવસ્થામાં કાટમાળ તળે દબાયેલી, રોશની… એનાં વમળ ખાતાં મસ્તિષ્કમાં કાટમાળ જેવો ભારે-ભરખમ ભૂતકાળ સળવળી ઊઠ્યો… જિંદગીની એ અણમોલ મધરાતે પણ રૂમમાં આવી જ નીરવતા હતી ને…
રોશની સંકોચાઈને બેઠી હતી. શરમથી ગુલાબી થયેલો ચહેરો એ બે પગના ઘૂંટણ વચ્ચે ખોસીને બેઠી હતી. હૃદય ધડકતું હતું, પણ અરમાનો મધુરજની માણવાનો થનગનાટ કરતા હતા. એ ક્ષણ ખરેખર અદ્ભુત હતી, રોમાંચક હતી. નવું જીવન – જાણે કે નવો જન્મ… સોનેરી સપના સાથે જીવવાની ઝંખના, જિંદગી જીતવાની જિજીવિષા, મુક્ત મને આકાશમાં વિહરવાની આકાંક્ષા, અને પતિના પ્રેમાળ સાથની અપેક્ષા…
કૃત્રિમ પ્રકાશથી ઝગારા મારતા બંગલાના એ ‘સ્પેશિયલ’ બેડ-રૂમનો દરવાજો ધીરેથી ખૂલ્યો. રૂમમાં એક હળવો પગરવ સંભળાયો. રોશની વધુ સમેટાઈ. બેડ પર બિછાવેલી ગુલાબની પાંખડીઓ સાથે ચાદરને પણ મુઠ્ઠીમાં ભીંસી દીધી. બાહુપાશમાં સમાવા માટે બેબાકળી બનેલી એ પોતાનામાં જ સંકેલાઈ ઊઠી હતી, થોડા ડરથી અને વધુ રોમાંચથી... મનનો માણીગર નજીક આવ્યો, રોશનીનાં મહેંદી લાગેલા પગની પાનીને સ્પર્શ થાય એમ બેડ પર બેઠો. એણે રોશનીનો હાથ પોતાના હાથમાં લીધો, દબાવ્યો, ને હળવેથી ઘૂંઘટ ઊઠાવ્યો. એ સાથે જ...
સમય ઉફાન પર આવ્યો, ને સરી રહેલી રાતનો સન્નાટો રોશનીનાં સિસકારાથી ધીરે ધીરે ચીરાઈ રહ્યો...
“આહહ.... ધીરે... ઉફ્ફ...” રોશનીથી જરા મોટેથી ઊંહકારો લેવાઈ ગયો, ને કાટમાળ તળે કંઈક એંઠવાડ શોધવા માટે મોઢું મારી રહેલા રખડતા કૂતરા ડઘાઈ ગયા. રોશનીને પણ એની મૂર્છાવસ્થામાં ખ્યાલ આવ્યો કે અત્યારે એના મોમાંથી સરી પડેલી ‘આહ’ એ પેલી મધુરજનીનાં માદક દર્દની નહીં, પરંતુ એનાં શરીર પર ખડકાયેલા વજનદાર કાટમાળના જીવલેણ દર્દની છે. એણે અનુભવ્યું કે એ મધરાતે પણ એનું શરીર તૂટી રહ્યું હતું, ને આજે પણ શરીરના અંગો જાણે કે છૂટા પડી રહ્યાં છે. વિતેલી એ રાતનો એક નશો હતો, જ્યારે આજે... આજે એને પોતાનાં શરીરમાં પાર્થિવતા જણાઈ. આહ... આ પાર્થિવતા, આ નિષ્ક્રિયતા... આખી જિંદગી સાથે જ ચાલશે..?
“ઊંહ... ઓહ્હ... નથી સહેવાતો હવે ભાર... પણ... પણ, એમ હું તૂટી નહીં જાઉં! પહેલા પણ હું નથી હારી, આજેય નહીં હારું...” એણે બડબડાટ કર્યો. કણસવા માંડી તોયે મન મક્કમ રાખ્યું.
મધુરજનીનો મધુરો થાક ઊતરે એ પહેલાં તો દેવે ધડાકો કર્યો હતો, “કાન ખોલી ને સાંભળી લે, રોશની... આપણા લગ્ન એ માત્ર મારી મજબૂરીનું પરિણામ છે. હું કોઈક અન્યને ચાહું છું. મને તારી કોઈ જરૂર નથી. મારા જીવનમાં રોશનીનું કોઈ જ સ્થાન નહીં હોય, ક્યારેય નહીં... હા, તું રૂપાળી છે, તારું શરીર ઘડી-બે-ઘડી મારામાં રહેલા પુરુષને લલચાવી શકે ખરું... પરંતુ એ ક્ષણિક આવેગ તારા માટે મારા મનમાં કોઈ કાયમી લાગણી જન્માવી નહીં શકે... સૉરી...”
રોશનીને માથે જાણે કે વીજળી તૂટી પડી હતી...
‘જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે!’ રોશનીને કાટમાળ નીચે ગીતા-વચન યાદ આવ્યું. એની નજર સામે કેટલીય ગગનચુંબી ઈમારતો ધરાશય થઈને પડી હતી, તો કેટલીક જર્જરિત થઈ ચૂકી હતી. રોશનીને સહેજે વિચાર આવી ગયો - શું આ ઈમારતો બની એ પહેલાં, એનો પાયો ખોદાયો એ પહેલાં, ઇજનેરોએ એનો નકશો તૈયાર કર્યો એ પહેલાં – શું એમનો વિનાશ થવાનું નિશ્ચિત થઈ જ ચૂક્યું હતું? ક્યારેક આકાશને આંબી રહેલી આ ઈમારતો આજે જમીન-દોસ્ત થઈ ચૂકી હતી. “જે ઊંચે ઊંચે ઊડે છે, એ ક્યારેક જમીન પર પણ પટકાય છે!” રોશની પોતાનાં જ લવારાથી હચમચી ઊઠી.
પોતાને પણ તો આકાશમાં ઊડવું હતું. વિમાનમાંથી ‘પેરાશૂટ’ લઈને ઝંપલાવવું હતું. જીવનમાં એડ્વેંચર કરવાં હતાં. કમરે દોરડું બાંધી હેલિકોપ્ટરમાંથી કૂદીને પૂરમાં ફસાયેલાઓને બચાવવા હતા, એમની આંખોમાં જિંદગી પ્રત્યેનો લગાવ જોવો હતો. પણ... પણ, આ શું..? આકાશમાં ઊડવાના સ્વપ્ન જોનારી એ, આજે જમીન પર પોતાનાં પગ ટકાવી રાખવામાંયે થાપ ખાઈ ગઈ! પૃથ્વીનો કંપ તો અત્યારે આવ્યો, પણ જિંદગી એનાં માટે સમયાંતરે ઝંઝાવાત લાવતી જ રહી છે – એણે ચિત્કાર કર્યો... આહ... આ બોજ કોઈ ખસેડવા નહીં આવે..? મારે જ ઝઝૂમવું પડશે..? હા, કદાચ... પણ, હું લડીશ... ઝઝૂમીશ... શ્વાસ ચાલે ત્યાં સુધી... અને મારા શ્વાસ હું અટકવા નહીં દઉં!
ઓહ... આ શું..? આ શેનો અવાજ..? મારો જ કણસવાનો અવાજ મને સંભળાય છે કે...? ના, ના, આ તો કોઈકનું રૂદન...
રોશનીએ કષ્ટ વેઠીને એની ભારે થઈ ગયેલી પાંપણો ઊંચકી. સામે જ ભંગારની ઓથે નાની-નાની કરચોમાં ફેરવાઈ ગયેલો કાચ જોઈને એને આયનો યાદ આવ્યો... પોતાનું પ્રતિબિંબ દેખાયું... આ એ જ પતંગિયાની પાંખો જેવી એની પાંપણો હતી જે એની બિલાડી જેવી ખૂંખાર આંખોને વધુ કાતિલ બનાવતી હતી... જોકે આ બધી ઉપમા તો એને કૉલેજ-કાળમાં મળી હતી. પણ, હવે તો એ આંખોમાં કાજલ લગાવવાનું છોડ્યાને અરસો વીતી ચૂક્યો હતો. એણે પોતાની નજરને શક્ય એટલી આસપાસ ઘૂમાવી. લગભગ નજીક જ એક તૂટી પડેલી ઈમારતનાં સ્લેબની નીચે એક મોંઘી-દાટ ગાડી કચડાયેલી હાલતમાં દેખાઈ. ગાડીનાં અર્ધ-ખુલ્લા દરવાજામાંથી એક સૌંદર્યવાન સ્ત્રી-શરીર લબડી રહ્યું હતું. મૂઢ માર વાગવાથી એની ગોરી ચામડી પર લોહીના લાલ ડાઘ અને કા-લીલા ચકામા ઉપસી આવ્યા હતા. વીજળીના ચમકારાના આછાં અજવાળામાં એ ચહેરાની ઓળખ છતી થઈ – “ઓ.... માય ગોડ, આ...આ તો ‘સિલ્ક સોનિયા’ નહીં...? ટેલિવિઝનની દુનિયાની ‘ગ્લેમરસ’ અભિનેત્રી...” રોશનીના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યા.
આજ દિન સુધી તો એને ટી.વી. સિરિયલોમાં એક ઘરરખ્ખું પત્ની કે આદર્શ વહુના રૂપમાં જ જોઈ હતી. જાહેર-ખબરોમાં, ગોસિપમાં, રિયાલીટી-શોમાં આભારવશ થઈને ચાહકોની પ્રશંસાઓનો ભાર ઝીલતી જ જોઈ હતી... પરંતુ, આજે એ જ સૌંદર્ય કાટમાળના બોજ તળે ચગદાઈ રહ્યું હતું!
ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં ધીરે–ધીરે કોલાહલ વધી રહ્યો હતો. એમ્બ્યુલન્સ, સાયરન, ફાયર-બિગ્રેડની ઘંટડીઓ, ક્રેનની ઘરઘરાટી - મધરાતના સન્નાટાને ચીરતા કારમા અવાજો પેદા કરી રહ્યાં હતાં. ફલડ લાઇટના પ્રકાશના શેરડા ચોમેર ફેલાઈ રહ્યા હતા. આકાશમાં હેલિકોપ્ટરની ધણધણાટી બોલી ઊઠી. ‘રેસ્કયુ ઑપરેશન’ ચાલી રહ્યું હોવાની ખાતરી થઈ. કાટમાળના ભારે-ભરખમ ખડકલા નીચે રોશની વધુ ને વધુ દબાઈ રહી હતી. તિરાડ જેવી પાતળી જગ્યામાંથી તેને જણાયું કે ઊંચે એક હેલિકોપ્ટર એનાં માથા પર થોડી વાર હવામાં અધ્ધર ઊભું રહ્યું, પણ એમને દબાયેલા જીવનો કોઈ અણસાર ન આવતાં ગર્જના કરતું ઊડી ગયું. એણે અનુમાન લગાવ્યું – કોઈક ‘રેસ્ક્યુ વર્કર’ હેલિકોપ્ટરમાંથી પોતાની કમરે દોરડું બાંધીને કાટમાળના ઢગલા પર ઝંપલાવશે. મારી જેમ જ કોઈક દબાયેલું હશે, કોઈક કચડાયેલું હશે – એના શરીર પરથી કાટમાળ હટાવશે, એને ઊંચકીને આકાશમાં ઊડી જશે... ને એને નવું જીવન મળશે...
રોશનીને યાદ આવ્યું - લગભગ દસ-બાર વર્ષની હતી ત્યારે તેણે પોતે પણ કંઈક આવું જ કારનામું કર્યું હતું...
“રોશની... રોશની...” કોઈ એને હાંફતા અવાજે બોલાવી રહ્યું હતું.
“ચાલને રોશની... જોને પેલું ગલુંડિયું ત્યાં ઊંડા ખાડામાં ગબડી પડ્યું...
ને તરફડે છે...’’
રોશની દોડી, ગલુડિયાને બંધિયાર ખાડામાંથી છોડાવવા, ઊગારવા...
મિત્રોની ટોળકીમાં રોશની એકમાત્ર છોકરી. બાકીના નાના-મોટાં છોકરાઓ ખરા, પણ એ ખાડામાં ઊતરવાની હિંમત કરી શકે એટલા બહાદુર નહીં. રોશનીને વિડિયો-ગેઇમ રમવાનું પહેલેથી જ ઘેલું... અને એમાં આવતા સુપર-હીરો એને અનેરું આકર્ષણ અને જુસ્સો પૂરો પાડતા… આજે જાણે કે એ પોતે જ કોઈક ‘એડવેન્ચરસ’ વિડિઓ-ગેઇમનું સાહસિક પાત્ર હોય એવી એણે મુદ્રા બનાવી લીધી. કશેથી નાયલોનની લાંબી દોરી શોધી લાવી. એક છેડો ઝાડ સાથે બાંધ્યો, ને બીજો પોતાની કમરે...
ઘસડાતી-ખેંચાતી એ ખાડામાં કૂદી... એક હાથે ગલુડિયું પકડ્યું, ને બીજા હાથે દોરી પકડીને સમતુલા જાળવી. એની બાળ-સેનાએ ઉપરથી દોરી ખેંચી. રોશની સાથે ગલુડિયું પણ હેમખેમ બહાર આવ્યું.. ગલુડીયાની મા દોડતી આવી; બચ્ચાંને ચાટ્યું, ચૂમ્યું, વ્હાલ કર્યું. આંખોમાં આંસુ સાથે મા અને એનું બચ્ચું રોશની તરફ જોઈ રહ્યાં – જાણે કે આંખોથી જ આભાર નહીં માનતા હોય! રોશનીને સારું લાગ્યું. એ ઘટનાએ એનાં જીવન પર ઘેરી અસર કરી. ‘રેસ્ક્યુ વર્કર’ બનવાનું એક સપનું જાણે કે એનાં મસ્તિષ્કમાં પાંગરવા માંડ્યું...---------------
(ક્રમશ:)
---------------

No comments:
Post a Comment