માઇક્રોફિક્શન : છેલ્લી ઘડી
"બસ મીરા, થોડી હિમ્મત હજુ.. હોસ્પિટલ હવે નજીક જ છે." મલ્હારે સાંત્વના
આપી.
ભીડને ચીરતી, સાયરન વગાડતી
એમ્બ્યુલન્સ આગળ વધી રહી હતી.
"ગભરાય છે કેમ? એટલો જલ્દી સાથ નહિ છૂટે આપણો... હજુ તો મનની મનમાં જ રહેલી છે."
અર્ધ-મૂર્છિત મીરાનો કોમળ હાથ મલ્હારે સુરક્ષિત
રીતે ખેંચીને દબાવ્યો. વાળમાં હાથ ફેરવ્યો. આંસુ લૂછ્યાં.
મીરાનાં શ્વાસ ફૂલી રહ્યા, આંખો મીંચાવા
માંડી, અને મીંચાતી આંખોમાં માત્ર મલ્હાર જ, અવિરત..
એમ્બ્યુલન્સની અંદર એનાં સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર અપાઈ રહી હતી. બહાર સડક પર
દરેક વાહનચાલકોને 'ક્યાંક' જલ્દી પહોંચવાની તાલાવેલી એમ્બ્યુલન્સની ગતિને અવરોધી રહી હતી.
થોડી જ ક્ષણો પહેલાં ઘટેલો અકસ્માત બંનેનાં
હૃદયને હચમચાવી રહ્યો હતો...
રસ્તાની સામે તરફની ફૂટપાથ પર વેચાતાં પર્પલ
રંગના ઓરકીડનાં ફૂલો ખરીદવાની મીરાની જીદ.. અને રસ્તો ઓળંગતા એક ટ્રક સાથે થયેલી
અડફટ.. જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી જિંદગી રક્તરંજિત અવસ્થામાં ઘૂંટાઈ રહી હતી.
શોકજનક સાયરન વગાડતી એમ્બ્યુલન્સ હોસ્પિટલનાં
કમ્પાઉન્ડમાં પ્રવેશી. સ્ટ્રેચર ઉપર શ્વાસ તૂટી રહ્યા હતા. મલ્હારે બંને હાથોમાં
મીરાનો ચહેરો સમાવ્યો, હોઠ ચૂમ્યાં, ને મીરાએ છેલ્લી ઘડીનો પ્રસ્તાવ મૂક્યો...
"મલ્હાર, આઈ લવ..." -એનું વાક્ય અધૂરું રહ્યું.
"મી...રા..." એક રૂંધાયેલી ચીસ
સાથે મલ્હારે છેલ્લો શ્વાસ છોડ્યો.
મીરાની આંખો સમક્ષ ઘટનાચક્ર ફરી જીવંત થયું...
"મલ્હારે શા માટે જીદ પકડી હતી, મારી જીદ પૂરી કરવાની..? શી જરૂર હતી એણે ઉતાવળે રસ્તો ઓળંગવાની...?"
-------------------
(words: 200)
ધર્મેશ ગાંધી (DG)

No comments:
Post a Comment