Thursday, 4 October 2018

'અચૂક' સામયિક * ગેઇમ ઓવર * ૨૨-ફેબ્રુ-૨૦૧૭




લઘુકથા - ગેઇમ 'ઓવર'
"ઓહ્હ, ધત્તેરી કી.. ગેઇમ 'ઓવર' !" - આ પાંચમી વખત, પહેલાં લેવલમાં જ વીડિયો-ગેઇમ પૂરી થઇ, ને હિમ્મતભાઈ કંટાળ્યા. દીકરાની રાહ જોતા બેઠા. એ આવે ને ગેઇમમાં કંઇક સલાહ-મદદ મળે.

"ટીંગ..ટોંગ.." ડોરબેલ રણકી ઊઠી.
દીકરો મોઢું લટકાવીને દરવાજે ઊભો રહ્યો. આંખો સૂજેલી અને લાલચોળ. પરંતુ, એ તરફ ધ્યાન આપ્યા વગર હિમ્મતભાઈએ દીકરાને કહ્યું, "ચાલ તો બેટા, મને આ ગેઇમમાં મદદ કર, અને જીતાડ..."

બિલકુલ પણ ઈચ્છા ન હોવા છતાં એ પિતાની પડખે ગોઠવાયો..

"ડેડી, એમ વગર શીખીએ કોઈ ગેઇમ નહિ રમાય. એના નિયમો જાણવા પડે..." દીકરાને અધવચ્ચે જ અટકાવી હિમ્મતભાઈ ટપકયા, "ઊભો રહે, દીકરા... હું લખતો જાઉં. ફરી ક્યારેક કામ આવશે."

"રમતની જાણકારી લો. એમાં ધ્યાન કેન્દ્રિત કરો, પછી જ શરૂઆત કરો..." દીકરો બોલ્યો, ને હિમ્મતભાઈએ લખ્યું.

"શરૂઆતમાં ગભરામણ થાય, હિમ્મત તૂટે, પણ નિરાશ ન થાઓ..." -દીકરો શીખવી રહ્યો હતો.

"ધીરે ધીરે પ્રેક્ટિસ કરો. પહેલી જ વખતમાં સફળતા કદાચ ન પણ મળે. સતત પ્રયત્નો કરતા રહેવું..."

હિમ્મતભાઇએ ફરી ગેઇમ શરૂ કરી. પરંતુ, બધી મહેનત પાણીમાં ગઇ. છઠ્ઠી વખતેય એમની ગેઇમ પહેલાં લેવલમાં જ 'ઓવર' ! હિમ્મતભાઇ હાર્યા; દુઃખી થયા.

"ડેડી, એમ મોઢું લટકાવવાથી કંઇ જીતાવાનું છે...?" દીકરાએ ઠપકો આપ્યો, ને પોતાના રૂમમાં જઈ પોતાની જાતને કેદ કરી લીધી.

હિમ્મતભાઇ પણ પાછળ-પાછળ રૂમમાં પ્રવેશ્યા. દીકરાને એના જ બોલાયેલા શબ્દોવાળો કાગળ પકડાવ્યો, "લે વાંચ.. આ બધું તારું જ છે, તારા માટે જ છે. એમ કંઈ મોઢું લટકાવવાથી થોડું જીતાવાનું છે...?"

દીકરાની આંખો ફરી એકવાર રડી ઊઠી. 'સંગીત સ્પર્ધા'માં આજે એ હારીને આવ્યો હતો. એણે આંસુ લૂછ્યાં. ઊભા થઇને દીવાલ પરથી ગિટાર ઉતાર્યું, ને એના તાર રણઝણી ઊઠ્યા.
--------------------------------------------------------------------------------------
ધર્મેશ ગાંધી (
DG)



No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...