ભરોસો
"પણ ડેડી હવે છેલ્લી ઘડીએ તમે વિચાર બદલી નાંખો એ કેમ ચાલે? મારા કેરિયરનો સવાલ છે." ઝીલે જીદ કરી.
"પણ, તેં આજનાં અખબારમાં ન્યુઝ નહિ વાંચ્યાં? યુ.એસ.માં એક નિગ્રોએ આપણાં મહેસાણાનાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દીધી. એણે ફક્ત મોબાઇલ આપવાનો ઇનકાર કર્યો એટલે..." ડેડીને દીકરીની ચિંતા સતાવી રહી, "...ત્યાંનાં લોકોનો કોઈ ભરોસો નહિ, બેટા."
"પરંતુ, તમે જ તો મને નાનપણથી સ્વપ્ન દેખાડતાં આવેલા કે મારે અમેરિકા ભણવા જવું, મારી ઈચ્છા નહોતી તોયે..." ઝીલ મુંઝાઈ.
"પણ દીકરા, મારી જિંદગી તો આમેય ગુજરાતી શાળાઓમાં ઢસરડો કરતા જ પસાર થઈ છે, એટલે વિચારેલું કે..." ડેડી દીકરીને અમેરિકા મોકલવા માટેનાં નિર્ણયને બદલવા મથી રહ્યા.
ત્યાં તો પત્નીએ ઓટલેથી મેળવેલી જાણકારી ઘરમાં ફેલાવી, "આય-હાય, લોકો કહેતા હતા કે પેલી રાધાની છોકરી કૈક કરી બતાવશે... અને ખરેખર જ કરી બતાવ્યું, ભાગી ગઈ પેલા પાનના
ગલ્લાવાળા જોડે. અહીંનાં લોકોનો કોઈ ભરોસો જ નહીં."
ડેડી અને દીકરી બંને વારાફરતી, અખબારના સમાચાર અને સ્ટુડન્ટ-વિઝાના ફોર્મ પર નજર નાખતાં, ત્યાંનાં અને અહીંના લોકો પરના ભરોસાનો તાગ મેળવવાં મથી રહ્યાં!
----------------------

No comments:
Post a Comment