Thursday, 11 October 2018

'સ્ટોરી મિરર' વાર્તા દર્પણ ૨૦૧૮ (પુસ્તક) * આત્મવત



આત્મવત્
કારમી ચીસો જેવી સાયરન વગાડતી એમ્બ્યુલન્સ હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પ્રવેશી. “ઈમરજન્સી…” 108નાં મેડીકલ સુપરવાઈઝરે બૂમ પાડી. યુદ્ધના ધોરણે ટ્રીટમેન્ટની તૈયારી થવા લાગી. તિમિરનું તરફડતું શરીર સ્ટ્રેચર પર લઈ જવાઈ રહ્યું હતું. મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. ચહેરો સફેદી પકડી રહ્યો હતો ને હાથ-પગ લીલાશશીતલના વલોપાત વચ્ચે તિમિરની સારવાર માટેની તડામાર તૈયારીઓ થઈ રહી હતી.
સાપ કરડ્યો છે, પગમાં…” શીતલે પરસેવાથી લથપથ ચહેરે જણાવ્યું. ડૉક્ટર તિમિરનો પગ તપાસી રહ્યા. અંગૂઠા પર સાપના બે દાંત જેવા ઊંડા ઘા જણાતા હતા. એમાંથી થોડું ઘણું લોહી પણ વહ્યું હતું.
લાગે છે આખા શરીરમાં ઝેર પ્રસરી ચૂક્યું છે.” ડોકટરે પ્રાથમિક તારણ કાઢી મેડીકલ સ્ટાફને સૂચનાઓ આપવા માંડી. વોર્ડ બોયે શીતલને બહાર બેસવા વિનંતી કરી.
ધૂજતા શરીર અને ટપકતા આંસુઓ સાથે વેઈટિંગ એરિયામાં સોફા પર બેસતાં શીતલે આંખો મીંચી
*
..ડા....” કૈંક અફડાવાનો આવાજ થતો અને પછી.......” ક્યારેક કાચ તૂટવાનો રણકાર પણ ઊઠતો.
રાત થતી ને તિમિર વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતો - જાણે કે ઘણા સમયથી ભેગી કરેલી ફરિયાદોનું વાવઝોડું ફૂંકાતું. હંમેશાં ખીલેલા રહેતા ચહેરાની રેખાઓ તંગ બની જતી. હાથની મુઠ્ઠીઓ વળી જતી ને દાંત ભીંચાઈ જતા. શાંત અને સૌમ્ય લગતી આંખોમાં એકદમ જ્વાળામુખી ભભૂકી ઊઠતો. શીતલે સાચવી રાખેલા પતિ-પત્નીના સંબંધોની મીઠાશમાં જાણે કે ફરી એક વાર કડવાશ ભળી જતી. આવું તો બનતું રહેતું. રાત ઢળતી ને તિમિરની લાગણીઓ પર અંધકાર છવાઈ જતો, કોઈક ને કોઈ બાબત લઈને
તને દરેક વસ્તુ માટે સમય છે, સિવાય મારા...” તિમિરે લાલધૂમ ચહેરે ઝઘડાનું પહેલું કારણ રજૂ કર્યું, સાથેસિવાય મારા' શબ્દોને ખાસ ભાર પડે એનું ધ્યાન રાખ્યું.
એવું કઈ નથી. પ્લીઝ, તું એવું ના વિચાર...” શીતલે હંમેશની માફક હળવાશથી દલીલ કરી.
તારું બ્યુટી પાર્લર, સોશિયલ મીડિયા, શોપિંગ બધું સમયસર થાય છે. એવેરીથીંગ ઇઝ શેડ્યુલ્ડ પરફેક્ટલી, એક્સેપ્ટ મી…” તિમિર દરેક વાતની ભડાશ કાઢી રહ્યો હતો.
નો સ્વીટહાર્ટ, હું તારી પણ કેર કરું છું.” શીતલ ગળગળા અવાજે સમજાવી રહી હતી - મનાવી રહી હતી.
..ટટાક...
એક તમાચો શીતલના ગાલ પર પાંચ મજબૂત આંગળીઓની છાપ ઉપસાવી ગયો.
શીતલના ખુલાસા તિમિરને પોતાને અવગણવાની છટકબારી જેવા લાગતા, ને તિમિરનો વધારે પડતો માલિકી હક તેને બંધન જેવો લાગતો. પહેલાં - મહીને એકાદ વાર, પછી અઠવાડિયે, અને હવે દર ત્રીજે દિવસે અચૂક આવી કર્કશ રાત આવતી. શીતલ સમસમી ઊઠતી. શિયાળાની રાત શીતલ માટે સાવ ઠંડી રહેતી અને તિમિર એની ગૂંગળામણની ગરમી લઈને રાત ખેંચી નાખતો. જોકે શીતલ હવે ટેવાઈ ચૂકી હતી. એણે પોતાની જાતને બળતરાના બીબામાં ઢાળી દીધી હતી. રાત આશામાં વિતાવી દેતી કે જલદી સવાર થાય ને તેજસ આવે; તેજસ આવે ને એના રોમેરોમમાં તેજ પથરાય.
રાત પણ ફરિયાદો-દલીલો-ખુલાસાઓનો ચક્રવાત સર્જીને સરકી ગઈ. સવાર થઈ ને તિમિર તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયો. પાછલી રાતની જેમ બીજા થોડા કલાકો શીતલ માટે શૂન્યતામાં સરક્યા. એણે કોલ-લોગમાં રહેલો નંબર ડાયલ કર્યો. સામે છેડે રીંગ વાગી; ફોન ઊંચકાયો. છેડે શીતલના ડૂસકાંઓ માત્ર... સામેથી પ્રત્યુત્તરમાં સૂનકાર માત્રથોડો સમય  નીરવતા પથરાયેલી રહી, અને
ટીંગ... ટોંગ..." ડોરબેલે શીતલની તંદ્રા તોડી.
દરવાજો ખૂલ્યો ને સામે ચેહરો હતો જે હંમેશા ખીલેલો રહેતો; આંખો હતી જે હંમેશા શાંત અને સૌમ્ય લાગતી.
તેજસ…” શીતલ વિહવળતાથી એને દરવાજે વળગી પડી.
તેજસ ખામોશ ચહેરે શીતલને તાકી રહ્યો. શીતલની આંખમાંથી ધોધ છૂટી પડ્યો. તેજસ એના ગાલ પર ગઈકાલની રાતે ઉપસી ઊઠેલા સોળ પસવારી રહ્યો; દિલાસો દઈ રહ્યો, “હું પણ તારો તો છું, જાનુ…”
શીતલને પોતાની બાહોમાં ઊંચકીને અંદર લાવ્યો, ”હું હંમેશા તારો સાથ નિભાવીશ, પહેલાંની જેમ …”
લાંબા સમય સુધી આલિંગનમાં જકડી રાખી. એનું કપાળ-હોઠ-ગરદન ચૂમતો રહ્યો, “તારો અધિકૃત પતિ તિમિર તને બહુ દુઃખ આપે છે ને?”
શીતલ પલભર માટે અટકી, “તને ખ્યાલ છે ખરો ગઈકાલ રાતનો…?”
હા…”
કઈ રીતે?”
તેં મને યાદ કર્યોબોલાવ્યો, પણ મારી મજબૂરી કે હું તારા પતિની હાજરીમાં તારી પાસે નથી આવી શકતો. જયારે તિમિર હોય તારી આસપાસ ત્યારે તેજસ કઈ રીતે આવી શકે? તું સમજે છે ને…?”
શીતલની આંખોમાં લાગણીઓનું ઘોડાપૂર આવ્યું, ને તેજસની આંખોમાં અફસોસનું સામ્રાજ્યચોતરફ જાણે કે આકાંક્ષાઓનું અજવાળું પથરાયું. પછી તેજસ પણ ગયો. જતા જતા એક પ્રશ્નાર્થ મૂકતો ગયો - જવાબની અપેક્ષા વગર - “તું ખુશ તો છે ને તારા પતિ સાથે…?”
બંધ થયેલા દરવાજાને શીતલ ક્યાંય સુધી તાકી રહી; તેજસનો પ્રશ્ન વાગોળતી રહી - ‘તું ખુશ તો છે ને તારા પતિ સાથે?’
શું હું ખુશ છું? ખરેખર જીવું છું? કોને ચાહું છું, તિમિરને કે તેજસને? કોણ મને ચાહે છે? તિમિર કે તેજસ?
ફરી એક વાર હાથમાં મોબાઇલ હતો; કોલ હિસ્ટ્રી ખૂલી; નંબર ડાયલ થયો, પણ લાઇન વ્યસ્ત હતી. બીજી બે-ત્રણ કોશિશ, પણ વ્યર્થ...
દરવાજાની નીચેથી પડછાયાના લીસોટાએ એને દરવાજે કોઇકનાં ઊભા હોવાનો અણસાર આપ્યો. ડોરબેલ રણકે પહેલાં એણે દરવાજો ખોલી નાખ્યો.
ઓહ, હાગ્રીષ્મા…” શીતલ એકદમ ખુશીની ચીસ પાડી ઊઠી, જાણે કે એની મોસમ બદલાઈ ગઈ હોય!
હાઇ ડાર્લિંગ...”
યાર, કેટલા ફોન લગાવ્યા તને, એક પણ જો તેં રીસીવ કર્યો હોય તો…”
જો તેં મને દિલથી યાદ કરી, ને તારી બેસ્ટ ફ્રેન્ડ તારી સમક્ષ હાજર…” ગ્રીષ્માએ પોતાના બંને હાથોમાં શીતલનો ચહેરો સમાવી લીધો ને ડ્રોઇંગ-રૂમમાં સોફા પર આડી પડતાં બોલી.
ગ્રીષ્મા, યાર તિમિરનું બેવડું વ્યક્તિત્વ હવે માઝા મૂકે છે!” શીતલે ઉદાસ ચહેરે આપવીતી શરૂ કરી, “થોડા થોડા દિવસે અમારો ઝઘડો થાય છે, તમાચા પડે છે, રાત ડૂસકાઓમાં વીતે છે... ને ઝઘડાની બીજી સવારે તેજસનું આગમન થાય. મને સહેલાવે છે, ચૂમે છે, અફસોસ વ્યક્ત કરે છે...”
જાણું છું, શીતલલાંબા સમયથી તારી લાઇફમાં ઉથલપાથલ મચી છે.” ગ્રીષ્માએ યાદ કર્યું.
યાર, કેવી રીતે સમજાવું એને કે તિમિર તેજસ છે…!” શીતલ પૂરેપૂરી તૂટી રહી હતી - હારી ચૂકી હતી.
તિમિરને તેં વાત કરી બાબતે? કોઈ સાઇકિઆટ્રીસ્ટની સલાહ…?”
ના, તિમિર ગુસ્સામાં હોય ત્યારે કશું સાંભળવાના હોશ પણ નથી હોતા એનામાં. અને જ્યારે તેજસનું વ્યક્તિત્વ ધારણ કરે છે ત્યારે એટલો સાલસ હોય હે કે પોતે તિમિર છેએનો પતિ છેએમ માનવા તૈયાર હોતો નથી. કદાચ દુઃખ પહોંચાડે એવી વાતો મને બોલવા નથી દેતો…”
એક રસ્તો છે, તિમિરના બેવડા વ્યક્તિત્વમાંથી છૂટકારો મેળવવાનો…” ગ્રીષ્માએ જાણે કે ઊંડાણથી વિચારી લીધું હોય એમ એક ઠંડો શ્વાસ છોડતાં કહ્યું.
શીતલ ખામોશ રહી ઉત્સુકતાથી ગ્રીષ્માને સાંભળતી રહી.
મેં ઈન્ટરનેટ પર સર્ચ કર્યું છેકોઈક વ્યક્તિ લાંબી બિમારી કે કોમા જેવી શૂન્યતાની પરિસ્થિતિમાંથી જીવતો બહાર આવે તો, ઘણીવાર એવું બન્યું છે કે એનું પૂરેપૂરું વ્યક્તિત્વ બદલાઈ ચૂક્યું હોય…”
તો…?” શીતલ થોડી ભયભીત થઈ.
જો તિમિર પણ…”
ગ્રીષ્મા…”
હા, કદાચ શક્ય છે કે તિમિર કોઈક જીવલેણ પરિસ્થિતિમાંથી બહાર આવે તો પોતાનું બેવડું વ્યક્તિત્વ ભૂલીને ફરી એક નોર્મલ વ્યક્તિ બની જાય.” ગ્રીષ્માએ જાણે કે ક્રાંતિકારી સૂચન કર્યું.
પણ, કેવી રીતે…?” શીતલને ધ્રાસ્કો પડ્યો.
પછી ક્યાંયે સુધી ગ્રીષ્મા શીતલને સમજાવતી રહીતૈયાર કરતી રહી, એક જોખમી પગલું ભરવા
અને, જો તિમિર કોમા કે એવી કોઈ અન્ય ખતરનાક પરિસ્થિતિમાંથી બહાર ના આવ્યો તોએના જીવને જોખમ થયું તો…?” શીતલને વિચાર માત્રથી કંપારી છૂટી ગઈ.
જો ડાર્લિંગ, એક રિસ્ક છે , સમજુ છુંપણ જોખમ લીધે છૂટકો. ક્યાં તો પછી સ્વીકારી લે તિમિરને બેવડા વ્યક્તિત્વમાં, કાયમ માટે…” ગ્રીષ્માએ પોતાનો ઉકળાટ બહાર કાઢ્યો અને ચાલતી પકડી.
*
ડૉક્ટર…” તિમિરની સારવાર કરી રહેલા ડૉક્ટરને પેસેજમાંથી જતા જોઈને શીતલ રીતસરની ચીસ પાડી ઊઠી, “તિમિરની હાલત કેવી છે?”
ગંભીર છે. કાળા નાગનું ઝેર હતુંજોખમી પુરવાર થયું છે. આઈ એમ સોરી મિસિસ શીતલ, બટ મિસ્ટર તિમિર કોમામાં છે. એમને હોશમાં લાવવા માટે અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. હજુ બોત્તેર કલાક સુધી કંઈ પણ કહી શકાય એમ નથી. માફ કરશો!” સપાટ ચહેરે ડૉક્ટર સડસડાટ બોલી ગયા.
શીતલ સ્તબ્ધ થઈ ગઈ. એનું માથું ભમવા લાગ્યું; આંખે અંધારા આવવા લાગ્યા. ઝડપી કદમે હોસ્પિટલની બહાર આવીને કાર ઘર તરફ પૂરપાટ વેગે દોડાવી દીધી. વિન્ડ-સ્ક્રીન પર પડતાં હળવા વરસાદનાં ટીપાં દૂર કરવા શીતલે વાઇપર ચલાવ્યું. જાણે કે એની જિંદગી પણ વાઇપરની જેમ આમથી તેમ ઝોલાં ખાય છે; ઘણું બધું ધૂંધળું સાફ કરવાની કોશિશ કરે છે. પરંતુ, રહી-રહીને એની પર પાણી ફરી વળે છે.
ગ્રીષ્માએ એને એક જોખમી રસ્તો સૂચવ્યો હતો, તિમિર-તેજસના બેવડા વ્યક્તિત્વથી છૂટકારો મેળવવા માટેનો. જ્યારે તિમિર સૂતો હોય ત્યારેસાપ કરડી ગયો હોય એવો દેખાડો કરીને તિમિરને હોસ્પિટલ પહોંચાડવાનો હતો. મોટી સારવાર બાદ લાંબા સમયે ઊઠશે તો માત્ર તિમિર હશે, તેજસના વ્યક્તિત્વને પાછળ છોડી આવ્યો હશે
તિમિર કોમામાંથી બહાર ના આવ્યો તો…? શું મેં એનો જીવ જોખમમાં…?” શીતલ માટે દર બીજી સેકંડે આવા વિચારો કંપારી સર્જતા હતા.
ઘરે પહોંચીને શીતલફ્રેશથવા માટે બાથરૂમમાં પ્રવેશી, ત્યાં ડોરબેલ રણકી ઊઠી - “ટીંગટોંગ…”
અત્યારે…? કોણ હશે..?” શીતલના કપાળ પર કરચલી વળી. નથી પોતે કોઈને બોલાવ્યા કે નથી કોઈગેસ્ટઆવવાનું, તો પછી…?
શીતલે ધબકતા હૃદયે દરવાજો ઉઘાડ્યો, અને
એના પગ વુડન-ફ્લોર સાથે જકડાઈ ગયા. શરીર બરફ જેવું ઠંડું પડવા માંડ્યું, જાણે કે એની નસમાં લોહી નહીં પણ ઠંડા પાણીની ધાર વહેતી હોય. ચહેરો રૂની પૂણી જેવો સફેદનિસ્તેજ….
સામે જે વ્યક્તિ ઊભો હતો એની પોતે કલ્પનાયે નહોતી કરી; કરી પણ ના શકાય. કઈ રીતે શક્ય બન્યું? બની ના શકેતિમિર તો હોસ્પિટલમાં છેકોમામાં છે; એના જીવને જોખમ છે. ડૉક્ટરો એને ભાનમાં લાવવાના પ્રયાસો કરી રહ્યા છે; બોત્તેર કલાકત્રણ દિવસની મહોલત માગી છે. પોતે જ્યારે તિમિર અને તેજસએમ બેવડું વ્યક્તિત્વ જીવતો હોયતિમિર તેજસ અને તેજસ તિમિર હોયતિમિરની અત્યારના હાલતમાં અહીં આવી શકવાની સંભાવના હોય નહીં તોતો પછીતેજસ અહીં ક્યાંથી? દરવાજેઘરના ઉંબરે…?
શીતલ એને તાકી રહી, પહોળી આંખોએ નિઃશબ્દ બની ગઈ. શબ્દો એનાં ગળામાં ગૂંગળાઈ ગયા. પાંપણ પલકારો મારવાનું ભૂલી ગઈ, ને ધડકનોએ શરૂઆતમાં વેગ પકડ્યો હતો જે હવે એકદમ શાંત થઈ ચૂક્યો હતો.
ડર નહીં ડિયર શીતલ, તારા પતિ તિમિરને કશું નહીં થાય. હેમખેમ પાછો ફરશે, જલ્દી …” તેજસ પહેલા જેવી સૌમ્યતાથી બોલી રહ્યો હતો.
પણતુંતું તિમિરને? તું તેજસતિમિર-તેજસ, વ્યક્તિ એક, પરંતુ વ્યક્તિત્વ અલગ, હેં ને…?” શીતલની જીભ થોથવાઈ રહી હતી.
નો જાનુ…. મેં તને કેટલી વાર અગાઉ પણ વાત સમજાવી છે કે હું તિમિર નથીતારો પતિ નથી…. હું તેજસ છુંતારા લગ્ન પહેલાંનો તારો બોયફ્રેન્ડ. મારો અકસ્માત થયો હતો, મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. તું આઘાત સહન ના કરી શકી, ને કોમામાં જઈ ચૂકી હતી. જ્યારે ઘણા દિવસો બાદ તું કોમામાંથી બહાર આવી ત્યારે તારી માનસિક હાલત બહુ નબળી થઈ ચૂકી હતી…” તેજસ પૂરી સ્વસ્થતાથી શીતલને અગાઉ ઘણી વખત ચર્ચાઈ ગયેલોસમજાવાઈ ગયેલો એનો ભૂતકાળ વર્ણવી રહ્યો હતો.
શીતલ સુન્ન હતી. તેજસે ઉમેર્યું, “…હું અકસ્માતમાંથી સાજો થઈને બહાર આવું પહેલાં તારા લગ્ન તિમિર સાથે થઈ ચૂક્યા હતા. તું તિમિરમાં પણ મને જોતી હતી સ્વપ્ન સૃષ્ટિમાં રાચતી હતી કે તારા લગ્ન મારી સાથે થયા છે. હું તારા લગ્ન પછી તને મળવા મહિને એકાદ વાર આવતો. પછી તું ક્યારેક પરેશાન હોય તો મને અઠવાડિયેઅઠવાડિયે ફોન કરીને બોલાવતી, અને હવે દર ત્રીજા દિવસે તારા પતિ સાથેના ઝઘડામાંથી કળ વળે માટેતને રાહત થાય માટે મને ઝંખે છે, ને હું આવું છું તારી પાસે!”
અચાનક બાથરૂમમાંથી બાથટબનું પાણી ઉભરાવાનો અવાજ સંભળાતા શીતલની તંદ્રા તૂટી. દરવાજે ઊભા રહીને તેજસે રજૂ કરેલી પોતાની કડવી વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. ઝડપભેર અંદર ભાગી. એણેધડામકરીને બાથરૂમનો દરવાજો ઉઘાડ્યો. બાથટબમાં આળોટતી ગ્રીષ્મા ખડખડાટ અટ્ટહાસ્ય કરી રહી હતી.
..ગગ..ગ્રીષ્મા.. તેજસને સમજાવ ને તિમિર છે ને? તું તો જાણે છે બધું…” શીતલ રઘવાઈ થઈ ઊઠી હતી.
તેજસ પણ એની પાછળ આવી પહોંચ્યો.
સાંભળ તેજસ, ગ્રીષ્મા સમજાવશે તનેતિમિર-તેજસ એક વ્યક્તિ છે, બેવડું વ્યક્તિત્વ જીવવાવાળી એક વ્યક્તિ….” શીતલે ગ્રીષ્મા તરફ આંગળી ચીધી.
તેજસે જોયું કે બાથટબ પાણીથી છલકાતો હતો, પણ બાથટબમાં કે આખા બાથરૂમમાં અન્ય કોઈ પણ હાજર નહોતું.
શીતલને ફરી ગ્રીષ્માનો અવાજ સંભળાયો, “શીહું ગ્રીષ્માબીજું કોઈ નહીં, તારું બીજું વ્યક્તિત્વતું તારી પોતાની વાત તો ક્યારેય સાંભળતી નથી. ફક્ત મારું કહ્યું માને છે તો... તને તકલીફ પડે ને મને યાદ કરે, ને હું તારી સમક્ષ હાજર, સદાયે…”
શીતલને આસપાસનું બધું ગોળ-ગોળ ફરતું અનુભવાયું. અચાનક ચક્કર ખાઈને એનું શરીર બાથરૂમની ફર્શ પર ચત્તું-પાટ ફેલાઈ ગયું. તેજસે તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન જોડ્યો
બીજી તરફ શીતલનો મોબાઇલ સાઇલેન્ટ-મોડ પર વાઇબ્રેટ થઈ-થઈને શાંત પડ્યો. આખરે એક મેસેજ ફ્લેશ થયો - “મિસિસ શીતલ, ઉપરવાળાએ ચમત્કાર સર્જ્યો... મિ. તિમિરને અમારી ધારણા કરતાં વહેલો હોશ આવી રહ્યો છે. તમે જલ્દી હોસ્પિટલ પહોંચો… - ફ્રોમ મેડિકલ સ્ટાફ.”
ને બીજી ક્ષણે એમ્બ્યુલન્સની કારમી ચીસો હવામાં ગૂંજી ઊઠી
***સમાપ્ત***
-------------
(Words : 1935)






No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...