Friday, 5 October 2018

સમાજ સાગર * લાંછન * મે ૨૦૧૭


લઘુકથા લાંછન
વિષાદમાં ઘેરાયેલા ઇશુએ, ચાર દિવસની ચુપકીદી બાદ મૌન તોડ્યું,  "માફ કરજે જાનુ, મારાથી એક ભૂલ થઈ છે..."
થોથવાતી જીભે એણે અફસોસ નીતાર્યો, "તારી એક સહેલી સાથે મેં...  'લક્ષ્મણરેખા' ઓળંગી છે !"
ઇશુની નજર ઝૂકી ગઈ. જાનકી આઘાતમાં અવાચક બની. એનાં ધબકારા અવરોધાયા, અને બંને વચ્ચે ફરી એક વખત સન્નાટો છવાયો.
* * *
દિવસો વીતતા ગયા. ઈશુએ પોતાના અપરાધ બદલ દિલગીરી તથા મૌન જાળવી રાખ્યા હતા.
હતપ્રભ થયેલી જાનકીનાં થોડાં દિવસો ગમગીનીમાં વીત્યા, પછી સમયના વહેણ સાથે એણે પણ સમાધાન કરી લીધું. જયારે ઈશુ હજુયે વ્યથિત હતો, ગુમસૂમ હતો.

એક સવારે... "હું પણ તારી ગુનેગાર છું, ઈશુ..." જાનકી હિંમત કરીને બોલી.
આ સાંભળીને ઈશુના કાન સરવાં થયા તથા હૃદયના ધબકારા તેજ થયા.
જાનકીએ ભીની આંખે ઈશુ સમક્ષ પોતાનું લાંછન કબૂલતાં ઉમેર્યું, "ચારિત્ર્યમાં આપણે બંને સરખાં જ નીકળ્યાં ! તારા એક મિત્ર જોડે..." જાનકી ભારે હ્રદયે કહી રહી હતી, "..મેં મર્યાદા વળોટી હતી... મને માફ કરજે !"

જાનકીની આંખો પ્રાયશ્ચિતમાં ઝૂકી રહી હતી અને ઈશુની નજર ઊંચી થઇ. એનો ચહેરો વિકૃત થયો. એની વ્યથાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, "શંકા તો મને પહેલેથી જ હતી... પરંતુ, તારા ચારિત્ર્યને તારાં જ મોઢે ખુલ્લું પાડવા, મેં મારા પર લાંછનનું 'નાટક' રચ્યું હતું..." ઇશુએ પોતાની ચુપકીદીનો ચિતાર આપતા આગળ જણાવ્યું, "તારી એકેય સહેલીને મેં સ્પર્શ સુધ્ધાં નથી કર્યો. જ્યારે તું...? છી...છી..."

સાંભળતાં જ જાનકીનાં મસ્તિષ્કમાં વમળો ઊઠ્યા, ધબકારા અંકુશ-મુક્ત બન્યા. એનો ચહેરો ફિક્કો પડવા માંડ્યો.

"ચાલવા માંડ સા.. એક પળની પણ રાહ જોયા વગર. તારા જેવી ચરિત્રહીન સ્ત્રી સાથે હું એક પળ પણ ન રહી શકું..."
ઈશુનું પતિપણું ધડાકાભેર ગરજી ઊઠયું, અને જાનકીનું પત્નીપણું ધોધમાર વરસી પડ્યું. સહેલીએ આપેલી દબાણપૂર્વકની સલાહ એણે હવે સાચી પડતી અનુભવી - "ના જાનુ... એવી ભૂલ સ્વપ્નમાં પણ ન કરતી. પતિની પીડા ઓછી કરવાનો અન્ય કોઈ રસ્તો અપનાવ. તું નિર્દોષ હોવા છતાંયે આ પ્રકારની કબૂલાત કરશે તો... અરે નહીં નહીં.... પછી તું ક્યારેય તારી પવિત્રતા સાબિત નહીં કરી શકે, અગ્નિપરીક્ષાથીયે નહીં...!"

ત્રીસ મિનિટ બાદ.. ઘરનો દરવાજો ખુલ્યો અને જાનકી બહાર નીકળી ગઇ... હંમેશ માટે !
અને થોડી વાર પછી, એ જ ખુલ્લા દરવાજામાંથી જાનકીની સહેલી ઘરમાં પ્રવેશી.
--------------------------------------------------------------------------------------
ધર્મેશ ગાંધી (DG)
 


No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...