માઈક્રોફિક્શન - રૂખસત
રેહાને બાઇકની રફતાર વધારી. એને ઉતાવળ હતી. આજે રૂબીનો
જન્મદિવસ હતો. એને મળવાની, મળીને એનાં મનગમતા ઓર્કિડના ફૂલોનો બૂકે ભેટ ધરવાની એને
તાલાવેલી હતી. એમની બંનેની વચ્ચે થતાં વારંવારના ઝઘડાથી રેહાન ઉદ્વેગ અનુભવતો હતો.
પણ હવે એને પોતાની ભૂલ સમજાઈ રહી હતી, અફસોસ પણ થઇ રહ્યો હતો... પરંતુ, એ પોતે છેલ્લાં
ઘણાં દિવસોથી રૂબીને ખુશ જ રાખવાના પ્રયાસો કરી રહ્યો હતો.
હંમેશાની માફક આજે પણ એણે રૂબીને નિયત જગ્યાએ ઊભેલી નિહાળી.
હસતા ચહેરે એ પોતાની માંજરી આંખો ચકળવકળ ફેરવી રહી હતી. આતુરતાથી રેહાનની પ્રતિક્ષા
કરી રહી હતી...
“આજે બહુ ખુશ લાગે છે ને કંઈ...” રૂબી સમક્ષ રેહાન ઘૂંટણભર બેઠો, ને બૂકે આગળ ધરતા કહ્યું,
“હા, બહુ ખુશ છું... અને તું પણ તો બહુ બદલાયેલો લાગે છે...” પોતાનાં પ્રિય ઓર્કિડના ફૂલોનો બૂકે હાથમાં રમાડતા રૂબી ખીલી
ઊઠી, મલકાઈ ઊઠી.
“આપણે અલગ થયાં, ને તું મારી વધુ નજીક આવી, રૂબી..” રેહાન આંખો ઝુકાવીને રુંધાયેલા સ્વરે બોલ્યો.
“તો લઈ જા ને મને તારી સાથે, હંમેશા માટે..” રૂબીએ નટખટ હાસ્ય વેરતાં કહ્યું.
એટલામાં કોઈકનો પગરવ સંભળાયો.. બીજી જ ક્ષણે રેહાનની નજર
સામેથી રૂબી ઓઝલ થઈ! રેહાન ઊભો થતાં બોલ્યો, “હું જ આવી રહ્યો છું તારી પાસે, હંમેશા માટે...”
એણે બાઇકને પૂરપાટ ગતિએ દોડાવી.. ને એક જોરદાર
ધડાકો થયો..
-----------------------
ધર્મેશ ગાંધી
શબ્દો : ૧૯૪


No comments:
Post a Comment