Thursday, 4 October 2018

ગાંધીનગર સમાચાર * રાવણ-દહન * ૧૨-ઓક્ટો-૨૦૧૬



રાવણ-દહન
વ્યવસ્થા કરી છે ને બરાબર..?’
હા ભાઈ, એકદમ રાપચીક... બે કાર્ટૂન છે, ફુલ-સાઈઝનાં...

સાંજ ઢળી રહી હતી. ડૂબી રહેલા સુરજે નાનકડાં-વિકાસશીલ ગામડાંની કુદરતી આભા પ્રગટાવવા માંડી હતી. પક્ષીઓ પોતપોતાના માળામાં પરત થઇ રહ્યાં હતાં. ગામની શાળાનાં મેદાનમાં નાના-મોટાં-અબાલ-વૃદ્ધો-મહિલાઓ, બધાં ટોળે વળી વિજયાદશમીનો કાર્યક્રમ શરુ થવાની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. યુવક-મંડળ પણ 'ખાણી-પીણી'ની વ્યવસ્થામાં જોતરાઇ ચૂક્યું હતું...!

..અને બધાંની વચ્ચોવચ, 'રાવણ'નું કદાવર પૂતળું આ તમાશો જોતું મૌન, અડગ ઉભું હતું...!

આવો સાહેબ.. લ્યો આ તીર-કામઠું.. ને ચલાવો અગ્નિબાણ.. રાવણના પૂતળાને ભડાકે બાળો...!ગામના વડીલો, રહેવાસીઓએ મેદાનને કિનારે સુરક્ષિત સ્થાન લીધું, ને યુવકમંડળના એક કાર્યકરે સરપંચ સાહેબના હાથમાં તિર-કામઠું થમાવતા રાવણ-દહનની વિધિ સમજાવી.

સરપંચ સાહેબના રોમરોમમાં શ્રીરામ પ્રવેશ્યા; ટોળું ટટ્ટાર થયું; અગ્નિ ઓકતું તીર ઊંચું થયું; ટોળાંની આંખો પણ ઊંચકાઈ; કમાનની પણછ ખેંચાઈ; ટોળાંની ભૃકુટી તંગ બની; તીર છૂટ્યું; ટોળાંનો શ્વાસ અટક્યો; સળગતું તીર સીધું જ જઈને રાવણની છાતીએ ટકરાયું, ને... રાવણને 'આગ' લગાડ્યા વગર ભોંયભેગું થયું; ઓલવાયું...!

સરપંચ સાહેબે પ્રયત્નો ચાલુ રાખ્યા; તીર બદલાયાં; મશાલો સળગી; ફટાકડા-બોમ્બ ફૂટ્યા... પણ બધું વ્યર્થ. રાવણ કેમેય કરીને સળગવાનું નામ ન લે..! ગ્રામજનો મૂંઝાયાં-ગભરાયાં. 'રાવણ-દહન' જરૂરી હતું. લોકવાયકા પ્રમાણે જો 'રાવણ-દહન' ન થાય તો ગામ આખામાં મહામારી ફેલાય.

યાર હમારી બાત સુનો, ઐસા એક ઇન્સાન ચુનો.... જીસને પાપ ના કિયા હો, જો પાપી ન હો...!દુન્યવી વાસ્તવિકતા લલકારતા સાધુ મહારાજ મેદાનમાં પ્રવેશ્યા. ગ્રામજનોને નિરાકરણ બતાવ્યું : એવી વ્યક્તિ દ્વારા 'રાવણ-દહન' કરાવો, જેનું ચરિત્ર નિર્મળ હોય, કુટેવોથી મુક્ત હોય.

સરપંચે પોતાના નાના-મોટા ગુનાઓ-ભ્રષ્ટાચાર કબુલ્યા. ગામને માથે ધર્મ-સંકટ. પૂતળા નીચે પંચાયત બેઠી. 'રાવણ-દહન'નો કાર્યક્રમ આ વર્ષ માટે સ્થગિત કરાયો. આવતા વર્ષ માટે ચરિત્રવાન-ચોખ્ખા માણસની શોધ એક સુરે ગામના યુવક-મંડળને સોંપાઈ.
*
યુવક-મંડળ તપાસે ચઢ્યું. ઘરે-પાદરે-ખેતરે, આવતાં-જતાં, દરેકની જન્મકુંડળી, ચાલ-ચલગત-હિલચાલ પર નજર માંડી. દિવસો-મહિનાઓ વીત્યા, પણ નિરર્થક... ગામમાં કોઈ સંપૂર્ણ સંસ્કારી ન તે ન જ જડ્યો...!

ભાઈ, ખબર છે ને...? વર્ષો પહેલા રાવણ-દહન ન થતા ગામમાં જે રોગચાળો ફેલાયેલો, તેમાં મારી બહેન...યુવક-મંડળનો એક યુવક ડૂસકે ચઢ્યો.

હા, મારો મોટો ભાઈ પણ... અને ગામમાં બીજા પણ કેટલાંય.. ભોગ બન્યાં હતાં..!બીજો યુવક પણ ભૂતકાળ યાદ કરી ઉદાસીન થયો, ઢીલો પડ્યો.

મારો બાપ તો...યુવક-મંડળનો પ્રમુખ 'ભાઈ' પસ્તાવો અને અફસોસ ઠાલવતા ગણગણ્યો, ‘...કુદરતના કોપ વગર, દારૂમાં ગુજરી ગયેલો...!

‘...ને તું પણ તો... એ જ માર્ગે જઈ રહ્યો છે ને, ભાઈ મારા..?’ ચોરા પર અડ્ડો જમાવીને બેઠેલા યુવક-મંડળ વચ્ચે જંપલાવતા સાધુ મહારાજ બોલ્યા, ‘...તારી શરાબની લત તને તારા બાપ પાસે વહેલો જ પહોંચાડશે... પછી તારી પાછળ તારી વિધવા મા..!

...ને સાધુ મહારાજે ગામની સીમ તરફ પગ માંડ્યા.

યુવક-મંડળમાં સોપો પડ્યો, ગહન વિચારે ચઢ્યું. દરેક યુવાન મનમાં કશુંક નિશ્ચિત કરી રહ્યો... પોતાને, પોતાના ઘરને, પોતાના ગામને કુદરતી કે માનવસર્જિત, કોઈપણ મુસીબતથી બચાવવાનો થનગનાટ ઉમટ્યો...! ખિસ્સામાંથી બીડી-સિગારેટ-પાનમસાલાના પડીકા દૂર ફેંકાયા. સંતાડીને રાખેલી બાટલીઓ પથ્થર સાથે ટકરાવાઈ..!

..ને ફરી એક વાર વિજયાદશમીનો તહેવાર. શાળાના મેદાનમાં રાવણનું પૂતળું ઉભું કરાયું; ગ્રામજનો ટોળે વળ્યાં; સરપંચ, વડીલો, અગ્રણીઓએ સ્થાન લીધું... આ વર્ષે તીર-કામઠાંઓ યુવક-મંડળના સભ્યોના હાથમાં...! અગ્નિ-બાણો છૂટયાં... ને રાવણ ભડકે બળ્યો..! તાળીઓનો ગડગડાટ, ચિચિયારીઓ, સિટીઓના ગુંજારવ થયાં..!
ગામને યુવા-ધન ફળ્યું, ને ગામ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું.
*
..ને ફરી એકવાર સરપંચ તથા ગામના થોડા વડીલો સાધુ મહારાજની સંગતમાં, ગામની બહાર સીમમાં બેઠા હતા.

મહારાજ, આપના આશીર્વાદ..!

ભાઈઓ, આ તો તમારો જ વિચાર, તમારો જ પ્રયાસ, તમારી જ ગામ તથા ગામના યુવાનો પ્રત્યેની સભાનતા... હું તો એક માધ્યમ માત્ર..!મહારાજ દરેકને વખાણી રહ્યા, ‘..તમે જ ગયા વર્ષના 'રાવણ-દહન' અગાઉ અહીં મારી સમક્ષ આવ્યા હતા... ને યુવા-ધન અવળે માર્ગે જઇ રહ્યું હોવાની, નશો કરતું હોવાની ચિંતા વ્યક્ત કરી હતી... આ તમારા જ નેક ઈરાદાનું પરિણામ છે.. સુખી રહો..!

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...