Friday, 12 October 2018

'જલારામદીપ' * 'કાટમાળ તળે રોશની' (ભાગ-૨)...


'જલારામદીપ' * 'કાટમાળ તળે રોશની' (ભાગ-૨)...
-----------------
(વાર્તા આગળ...)
------------------
કદાચ એટલે જ લગ્ન પછી એણે પતિ સમક્ષ પોતાનું સપનું સાકાર કરવાની વાત છેડી હતી...
દેવ, હું મારું સપનુંયે પૂરૂં કરું તો....?”
      સપનું...? કેવું સપનું....?”
      રેસ્ક્યુ-વર્કર બનવું હતું મારે...”
      સમાજ-સેવાનું ભૂત છોડ... શું જરૂર છે એની? ધન-દોલત, એશો-આરામની આપણે કમી નથી, તો..?”
પણ દેવ, જિંદગી જીવ્યાની ખુશી...? કંઈક કર્યાનું સ્વાભિમાન...? શું બધે પૈસો  જરૂરી...?”
      બહાર રખડવાનો જ શોખ હોય તો ગાડી લઈને નીકળી પડ ને, કોણ રોકે છે...?”
રોશની સ્તબ્ધ થઈ ગઈ, હચમચી ગઈ. દેવના મોઢે એણે આવા શબ્દો પોતાનાં માટે ધાર્યાં નહોતા!

નાસીપાસ થઈ ગઈ. પોતે ક્યાં ઘર સાચવાની જવાબદારીમાંથી છૂટવા માંગતી હતી! બસ એણે તો પોતાની ફરજ બજાવ્યાં પછીના બાકી રહેતા સમયમાં પોતાના અસ્તિત્વને મઠારવાની ઈચ્છા વ્યકત કરી હતી ને!
પતિ તરફથી મળતી વારંવારની આવી અનેક ઉપેક્ષાઓનો અંત આણવા... મનનો અજંપો ખંખેરીને ખુલ્લા ગગનમાં વિહરવા... રોશનીએ આખરે પોતાની પાંખો ફફડાવી. હળવી ઉડાન ભરવા માંડી. પતિનું ઘર છોડ્યું, સદાને માટે... ઘર શું...? કહો કે પિજરું... થોડી તકલીફ થઈ રહી હતી, આકરું લાગી રહ્યું હતું. ખુલ્લું વાતાવરણ પણ શરૂઆતમાં ડરાવી રહ્યું હતું. આદત પડી ગયેલી ને, બંધિયાર કૂંડાળામાં જીવવાની..!
પણ અચાનક... “ દેવ...? મને કેમ એવો ભ્રમ થઈ રહ્યો છે કે જાણે દેવ આવી રહ્યો હોય... મારી સમીપ, મને પાછી ઘરે તેડી જવા માટે !” રોશની મનોમન બબડી; થોડી અસમંજ થઈ.
અરે.... નહીં, નહીં.... દેવ ક્યારેય નહીં આવે, આવે!ભરબપોરે ખાલી સડક પરનું મૃગજળ હતું કે એની આંખોની ભીનાશ? ઝાંઝવાના પારદર્શક જળની આરપાર એની નજર ખાતરી કરાવી રહી હતી કે દેવ છે.
દેવ બિલકુલ રોશનીની લગોલગ આવીને ઊભો રહ્યો. નીચા નમીને એની બેગ લઈ લીધી. “દેવ પહેલી વાર મારી આગળ નમ્યો, મને સારું લાગ્યું... એટલે નહીં કે મે મારા ઘમંડી પતિને નીચે નમાવ્યો હતો, પરંતુ એટલા માટે સારું લાગ્યું કે મને જતાં રોકી રહ્યો હતો...” રોશની લાગણીશીલ બનતાં બબડી.
રોશનીનાં હાથમાંથી દેવે રીતસરની બેગ આંચકી લીધી. ભાવવિભોર થઈ ઊઠી. પણ, પણ... “ઓહ... હે ભગવાન.. તું શું શોધી રહ્યો છે, દેવ..? મારી બેગમાં... શું તને શંકા છે કે હું કશુંક ચોરીને... આહ... નહીં. નહીં....” ભયભીત થઈ ઊઠી.
લગ્ન પહેલાંના મારા પ્રેમપત્રો, મેં તને લખેલા એ...” દેવ એનો સામાન ફંફોસતો બબડી રહ્યો હતો.
લખેલા..? કે લખવા પડેલા..?” રોશની ચિત્કાર કરી ઊઠી,પણ દેવ, મારી અમાનત છે. તું તો જાણે છે કે પત્રો હું હંમેશાં મારી સાથે રાખું છું. થોડાં શબ્દો મારા માટે જીવવાની આશા છે... હું શબ્દોને, શબ્દોની નજાકતને માણું છું, જીવું છું, દેવ...” કરગરી રહી હતી, પણ દેવ તો...
હવે પત્રોનો કોઈ અર્થ ખરો...?” -કહેતો દેવ યાદગીરીનું નાનું પરબીડિયું પણ એની પાસેથી ઝૂંટવી ગયો. રોશનીને લેવા આવેલો દેવ એનોસામાન લઈને જતો રહ્યો, ને પાછું વળીને જોવાની દરકાર સુધ્ધાં કરી. આજ સુધી તો એ રોશનીને ઘરમાં રઝળાવતો આવ્યો હતો, આજે એ એને રસ્તે પણ રઝળતી મૂકી ગયો!
ઓહ... સૂરજનો તડકો... બહુ આકરો લાગે છે. માથું ભારે થઈ રહ્યું છે. આંખે અંધારા આવે છે. બોજ... વેદના... નથી સહેવાતું હવે! પણ, પણ... હું નહીં થાકું, નહીં હારું!
રોશનીની આંખો મિંચાઈ રહી હતી... નહીં, નહીં.... હું આંખો બંધ નહીં થવા દઉં, ભલે મારી પાંપણોને ગમે એવો બોજ ઊઠાવવો પડે... મારી આંખો ખુલ્લી હશે તો મને પ્રકાશનું કિરણ દેખાશે, ને તો રસ્તો ઉઘડશે... મારે જીવવું છે... જીવીશ ...!
રોશનીની તંદ્રા તોડતો હોય એમ એનાં કાને નજીકમાં જ કાટમાળ કચડાવાનો અવાજ અથડાયો. એ ચોંકી; કાન વધુ સરવા કર્યા. અરે, આ તો... કોઈક જાણીતો પગરવ લાગે છે. દેવ..? હા, એ જ આહટ... એ જ સુગંધ... હા, હા, આ દેવ જ છે, મારો દેવ...
અરે, અરે... દેવ... તું...? આહ્હ... આખરે આવ્યો... મને શોધે છે ને...? એય, એય અહીં... હું કાટમાળ નીચે છું. જો ને, તારી રોશની હજુયે દબાયેલી અવસ્થામાં જ છે. અરે, પણ તું આમ વિહવળ થા. ધીરજથી કામ લે. હું સહી-સલામત છું, હજી જીવું છું...” દેવને દૂરથી આવતો જોઈને રોશનીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.
“...આખરે પણ એને પોતાની ભૂલ સમજાઈ ... એને પ્રતીતિ થઈ ગઈ કે પત્નીની જગ્યા કોઈ બીજી સ્ત્રી નહીં સાચવી શકે. ચાલો, મોડે મોડેય ભાન તો થયું. એને શહેરમાં આવેલા ભૂકંપની જાણ થઈ હશે, ને મારી ભાળ કાઢવા મારતી ગાડીએ દોડ્યો, પાગલ...!” રોશની દિવાસ્વપ્નમાં ખોવાઈ રહી હતી.
અરે, અરે.. દેવ, દેવ... મને અહીંથી તેડી જવામાં તું ખચકાતો નહીં... હું તને મહેણાં નહીં મારું હોં... આખરે તો હું સ્ત્રી જ ને... તારી પત્ની જ ને...!” રોશની પોતાની બિડાતી આંખે જોયું કે દેવ કાટમાળનો ઢગલો ફેંદતોઉલેચતો એની તરફ આવી રહ્યો છે.
કાટમાળના અસહ્ય ભાર તળે પણ રોશની હરખાઈ રહી હતી. પહેલાં પતિને એણે પોતાના માટે આટલો બેબાકળો બનતો ક્યારેય નહોતો જોયો. આજે એને કાટમાળનો ભાર પણ ભરપૂર આનંદ આપી રહ્યો હતો. દેવ એની એકદમ નજીક આવી પહોંચ્યો હતો. રોશનીની ધડકનો તેજ બની રહી... બસ એવી કે જેવી લગ્ન પછીની પ્રથમ રાત્રિએ બની હતી... હા, કંઈ એવી અનુભૂતિ થઈ રહી હતી. ફરક એટલો હતો કે રાત્રિએ દેવ એક પછી એક એનાં વસ્ત્રોના આવરણ હટાવી રહ્યો હતો, જ્યારે આજે... આજે દેવ રોશનીનાં શરીર પરથી કાટમાળના આવરણો દૂર કરશે... હા, બિલકુલ એવી અનુભૂતિ!
લજ્જાથી, કે પછી બેહોશીથીરોશનીની આંખો મિંચાઈ રહી... પણ દેવ... દેવ ક્યાં...? દેવનો સ્પર્શ ક્યાં...?
દેવ, દેવ... અરે, તું ત્યાં ક્યાં જાય છે? હું... હું અહીં છું, લોખંડના થાંભલા આડે... અરે, તું જો તો ખરો, દેવ. અને તું મનેતારી પત્નીને બચાવવાનું મૂકીને હીરોઈન પાસે કેમ ઊભો રહ્યો? ...ને તું સિલ્ક સોનિયાને કેમ વળગી પડ્યો? એનું ઝુલતું શરીર તેં કેમ તારી બાહોંમાં ભર્યું? દેવ... નહીં દેવ, નહીં... તારા હોઠ એનો ચહેરો ચૂમે... નહીં જોવાય મારાથી, દેવ...” રોશની સમસમી ઊઠી.
સિલ્કને પોતાની બાહોમાં ઊઠાવીને ઝડપભેર ભાગતા દેવને જોઈ રહી. દેવનો દૂર થતો રડમસ અવાજ એનાં કાનમાં ખીલાની જેમ ખૂંચી રહ્યો હતો – “ના સોના, ના... હું તને કંઈ નહીં થવા દઉં... તું જીવશે , ભલે આખી દુનિયાને છોડવી પડે... તું મારી હતી, ને મારી રહેશે. સોના, આઇ લવ યુ...”
રોશનીનાં હૃદયમાંથી ફરી એક આહ નીકળી,આજે દેવ ફરી એક વાર એનોસામાનલઈને જતો રહ્યો.. મને રઝળતી મૂકીને...
રોશની અર્ધ-બિડાયેલી આંખે તાકી રહે છે... એનો દેવ જઈ રહ્યો છે, જઈ ચૂક્યો છે... અંધારામાં ઓગળી રહ્યો છે. બસ, હવે ઝાંખા ઝાંખા બે પડછાયા દેખાઈ છે.... અને હવે તો માત્ર બે ટપકાં ... ઓહ... ભાર... હવે નથી સહેવાતો! આંખે અંધારા આવે છે. પણ હું હિંમત નહીં હારું. નહીં, નહીં... હું આંખો નહીં મિંચાવા દઉં. જલ્દી સવાર થશે, પ્રકાશનું કિરણ અહીં પડશે, ને ફરી કોઈક રસ્તો ઉઘડશે...!
      એટલામાં ફલડ-લાઇટનો તેજ ચમકારો થયો... ને ક્ષણવાર માટે કાટમાળ તળે રોશની છવાઈ ગઈ..!
*****સમાપ્ત*****
(શબ્દો : ૨૨૩૬)

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...