આરજૂ
“ખૂની... નિર્દયી...” તમારો અંતરાત્મા આજે ફરી એકવાર
તમને હચમચાવી ગયો મલ્હાર.
દીવાલ પર લટકતી તમારી આરજૂની એ બેજાન તસ્વીર પરથી
તમે નજર હટાવી. વીસ વર્ષ પહેલાંનો ભૂતકાળ તમારા મસ્તિષ્કમાં ભૂતાવળની જેમ સળવળી
ઊઠયો. તમારા હાથ ધ્રૂજી ઊઠ્યા. આ એ જ હાથ છે જેણે તમારી આરજૂનું કતલ કરી નાખ્યું
હતું. તમે નિર્ણય તો ભારે હૃદયે લીધો હતો, પરંતુ સાવ જ ઠંડા કલેજે એનો અમલ પણ કરી
નાખ્યો! એ ક્ષણે તમારા હાથોમાં આટલું કંપન નહોતું આવ્યું જેટલું આજે છે, મલ્હાર.
પછી વખત જતા તમે મન મનાવતા રહ્યા, કહો કે આરજૂ વગર જીવતા
શીખી ગયા... મજબૂરીમાં ઘણી વખત એવુંયે બને છે કે – ન ચાહેલું જન્મી જાય, અને ન ધારેલું
રૂંધાય જાય! જો કે મલ્હાર એ દિવસે તમે એનું ગળું ન ટૂંપી દીધું હોત, તો તમારું
નવજાત બાળક - તમારો અંશ - વિકાસ જ ન પામી શક્યો હોત. ત્યારે તમે મજબૂર હતા, લાચાર હતા, મલ્હાર. તો આજે વીસ વર્ષ પછી હવે એનો
વસવસો કેમ..?
“ડેડ...” દીકરાએ તમારા અંધારીયા રૂમનો દરવાજો ખોલતા કહ્યું
મલ્હાર. એ સાથે જ તમારા વિચારોમાં ખલેલ પડી; તમે ભૂતકાળમાંથી વર્તમાનમાં ફંગોળાયા.
“નેશનલ લેવલ સિંગિંગ કોમ્પીટીશનનાં ઓડિશનના ઓનલાઇન ફોર્મ
ભરવાનો આજે લાસ્ટ ડે છે...” આંખમાં ભીનાશ સાથે યુવાન દીકરા અંશે તમારા ધ્રૂજતા હાથ
પોતાના હાથમાં લીધા, ને દબાણપૂર્વક કહ્યું, “લો આ પાસવર્ડ, તમારા
જ હાથે ફોર્મ ‘સબમિટ’ કરો ડેડ...”
ફરી એકવાર તમે દીવાલ પર લટકતી તમારી તસવીર પર ઊડતી
નજર ફેંકી - જેમાં એ યાદગાર ક્ષણ કેદ હતી જયારે કોલેજમાં ‘આઉટસ્ટેન્ડિંગ સ્ટેજ-પરફોર્મન્સ’ માટે તમને
ટ્રોફીથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, મલ્હાર.
“ડેડ, ‘પ્રોફેશનલ સિંગર’ બનવાની તમારી આરજૂને ફરીથી જીવિત
કરવાનો આ એક મોકો છે...”
તમને અહેસાસ થયો કે વીસ વર્ષથી દફનાવાયેલી તમારી આરજૂએ
દીકરા અંશને પૂર્ણરૂપે વિકસિત કરી દીધો છે!
...ને તમારા હાથનું કંપન સંગીતમય
લાગણી અનુભવી રહ્યું, મલ્હાર!
-----------------------------

No comments:
Post a Comment