Monday, 8 October 2018

ગુજરાત ગાર્ડિયન * માઇક્રોફિક્શન : ઈદનો ચાંદ * ૪-ફેબ્રુઆરી-૨૦૧૮


ગુજરાત ગાર્ડિયન * માઇક્રોફિક્શન : ઈદનો ચાંદ * ૪-ફેબ્રુઆરી-૨૦૧૮

 

માઇક્રોફિક્શન : ઈદનો ચાંદ 
એવું લાગ્યું જાણે લાંબા અરસા બાદ સાંજ ઢળી. ઈદનો ચાંદ આજે ઊગે કે કાલે એની અવઢવ સાથે રૂબીની માંજરી આંખો આકાશમાં મંડાયેલી હતી. હ્રદય કહી રહ્યું હતું- રેહાનની નજર પણ આ સમયે ચાંદની જ તલાશમાં હશે! વહેલી સવારનું એ આહ્લાદક દ્રશ્ય એની આંખો સમક્ષ ફરી જીવંત થઈ ઊઠયું...
યે ગુલદસ્તા નહીં, મેરે જઝબાત હૈ. તોહ્ફા કુબૂલ કીજીએ...” ચાર દિવસથી રૂબીને તાકતા રહેલા રેહાને એકાંત જોઈને એકરાર કર્યો હતો.
રોજા ખત્મ નહીં હુઆ હૈ. મીઠા સુનકર મુંહ મેં પાની જાયે..” રૂબીએ મનમાં ઊછળતી ખુશીને હોઠના ખૂણે જ દબાવી રાખી શરારતી શરત મૂકી હતી, “ગર આજ રાત ચાંદને દિદાર દિયા
તો તોહ્ફા કૂબૂલ કિયા જાયેગા જનાબ.”
એટલામાં... મહોલ્લામાં શોરગુલ ગુંજ્યો, ચાંદ દિખ ગયા...ઈદ મુબારક...
રૂબીની તંદ્રા તૂટી. એ શરમાઈ ઊઠી. કજરારી આંખો પરની ઉંચકાયેલી પાંપણો જેને શોધી રહી હતી એ રેહાન ક્યાં..?
રાત વીતતી ચાલી. મધરાતે છત પર રૂબી અને એની તન્હાઈ માત્ર...ઈદનો ચાંદ પણ ક્ષણિક દિદાર આપીને સંતાઈ ચૂક્યો હતો. વરસાદી વાદળાઓ વરસવાની તૈયારીમાં હતા. રૂબીએ મહેસૂસ કર્યું કે કોઈક એની નજીક સરકી રહ્યું છે. ખડતલ શરીર અને રૂઆબદાર છાતી ધરાવતો રેહાન ભારતીય ફૌજીના યુનિફોર્મમાં શોભી રહ્યો હતો.
દુશ્મન દેશ હમલે કી ફિરાક મેં હૈ, મેરા મુલ્ક મુજે પુકાર રહા હૈ! વાદે કે મુતાબિક તોહફા લેને આયા હું, બસ કુછ લમ્હેં... ચાંદથી પણ રૂપાળો રૂબીનો ચહેરો હાથોમાં ભરીને ફરજપરસ્ત રેહાને આરજૂ વ્યક્ત કરી. રૂબીએ આંખની ભીનાશ છૂપાવતા રેહાનને આગોશમાં લીધો. ખુમારી અને હૂંફની એ રાત વીતી ગઈ. સૂરજ નીકળ્યો; રૂબીની આંખો ખૂલી; આસપાસ કોઈ નજરે ન ચઢ્યું. માત્ર એ, એની તન્હાઈ, અને એક ગુલદસ્તો...
છત પરથી ઉતરતાં રૂબીનાં કાને ટીવી-સમાચાર અથડાયા... વીતેલી સાંજે જવાંમર્દ કેપ્ટન રેહાન ખાન શહીદ થયા છે... કેપ્ટનના આખરી શ્વાસને સલામી આપવા આસમાનમાં ઊગેલો ઈદનો ચાંદ ક્ષણવારમાં આથમી ગયો...
ગુલ્દસ્તાના કરમાયેલા ફૂલોને રૂબી અપલક તાકી રહી!
--------------------
(શબ્દ સંખ્યા : ૨૮૦)

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...